સત્ય. સાહસ. સંકલ્પ.

ડુંગળીના ભાવ 3 મહિનામાં 82% વધ્યા: ₹30થી ₹54 પ્રતિ કિલો, સરકારી પગલાંથી રાહતની આશા

ડુંગળીના ભાવ 3 મહિનામાં 82% વધ્યા: ₹30થી ₹54 પ્રતિ કિલો, સરકારી પગલાંથી રાહતની આશા

દેશમાં ડુંગળીના ભાવમાં છેલ્લા ત્રણ મહિનામાં મોટો ઉછાળો આવ્યો છે. સરકારી આંકડાઓ અનુસાર, 1 જૂને ડુંગળીનો સરેરાશ છૂટક ભાવ ₹29.50 પ્રતિ કિલો હતો, જે 17 સપ્ટેમ્બરે વધીને ₹53.78 પ્રતિ કિલો થઈ ગયો. એટલે કે, લગભગ સાડા ત્રણ મહિનામાં ભાવમાં 82.3 ટકાનો વધારો થયો છે.

જથ્થાબંધ બજારમાં પણ ભાવ લગભગ બમણા થયા છે. 1 જૂને જથ્થાબંધ ભાવ ₹22.60 પ્રતિ કિલો હતો, જે 10 સપ્ટેમ્બરે ₹46.20 અને 17 સપ્ટેમ્બરે ₹45.68 પ્રતિ કિલો નોંધાયો.

આ વધારાનું મુખ્ય કારણ મહારાષ્ટ્રમાં ઉનાળુ ડુંગળીના પાકને થયેલું નુકસાન અને બજારમાં તેની આવકમાં ઘટાડો છે. ઉપરાંત, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાંથી પુરવઠામાં ઘટાડો થયો છે. ખરીફનો નવો પાક બજારમાં આવવામાં થઈ રહેલા વિલંબને કારણે પણ પુરવઠા પર દબાણ છે.

ભાવ ઘટાડવા માટે સરકારે કેટલાંક પગલાં લીધાં છે. સરકાર સસ્તા ભાવે ખરીદેલી ડુંગળીનો બફર સ્ટોક રાખે છે અને ભાવ વધતાં તેને ₹35 પ્રતિ કિલોના દરે બજારમાં વેચે છે, જેથી સામાન્ય લોકોને રાહત મળે. વધુમાં, અછત સર્જાય ત્યારે નિકાસ પર કર અથવા પ્રતિબંધ મૂકવામાં આવે છે.

આ પગલાંથી ખિસ્સા પરનો બોજ અમુક અંશે ઓછો થાય છે, પરંતુ છૂટક બજારમાં ઊંચા ભાવ અને નીતિઓમાં વારંવાર થતા ફેરફારોને કારણે સંપૂર્ણ રાહત મળી શકતી નથી.

દર વર્ષે ઑગસ્ટથી સપ્ટેમ્બર દરમિયાન ડુંગળીના ભાવ વધવા પાછળ ત્રણ મુખ્ય કારણો છે: તહેવારોની મોસમમાં માંગમાં વધારો (રક્ષાબંધન, ગણેશ ઉત્સવ અને આગામી તહેવારો), વરસાદને કારણે સપ્લાય ચેન પ્રભાવિત થવો, અને જૂનો સ્ટોક ખતમ થવા લાગે ત્યારે નવો ખરીફ પાક આવવામાં થતો વિલંબ.

હાલમાં, નવો પાક બજારમાં આવવાની શરૂઆત થતાં ભાવ ટૂંક સમયમાં ઘટી શકે તેવી ધારણા છે.