સત્ય. સાહસ. સંકલ્પ.

ઓડિશા કિનારે મહાનદી બેસિનમાં ONGCને મળ્યો કુદરતી ગેસ ભંડાર, 'સમુદ્ર મંથન' અભિયાનની પ્રથમ સફળતા

ઓડિશા કિનારે મહાનદી બેસિનમાં ONGCને મળ્યો કુદરતી ગેસ ભંડાર, 'સમુદ્ર મંથન' અભિયાનની પ્રથમ સફળતા

ભારત માટે રાહતની ઘડી છે. દેશની સરકારી કંપની ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC)ને ઓડિશાના દરિયાકાંઠાથી લગભગ 43 કિલોમીટર દૂર મહાનદી બેસિનમાં ઊંડા સમુદ્રમાં કુદરતી ગેસનો નવો ભંડાર મળ્યો છે.

18 સપ્ટેમ્બરે 'MDW 28' નામના કૂવામાં આ શોધ થઈ છે. છેલ્લા ત્રણ દિવસથી આ કૂવામાંથી સારા દબાણ અને ઝડપ સાથે ગેસ બહાર નીકળી રહ્યો છે. કૂવાનું ખોદકામ 25 જુલાઈએ શરૂ કરવામાં આવ્યું હતું.

આ શોધ આર્થિક રીતે મહત્ત્વની ગણાય છે, કારણ કે તેનાથી ભારતનું વિદેશી તેલ અને ગેસનું આયાત બિલ ઘટી શકે છે. જોકે, આ કૂવામાં કુલ કેટલો ગેસ છે અને તેનું વ્યાવસાયિક ઉત્પાદન કેટલું ફાયદાકારક રહેશે, તે અંગેના આંકડા તપાસ બાદ જાહેર થશે.

કેન્દ્ર સરકારે જુલાઈમાં 84,084 કરોડ રૂપિયાના બજેટ સાથે 2030-31 સુધી ચાલનારા 'સમુદ્ર મંથન' અભિયાનને મંજૂરી આપી હતી. દેશના અણછૂટા ઊંડા સમુદ્રી વિસ્તારોમાંથી હાઇડ્રોકાર્બન શોધવાનો આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ છે. આ અભિયાન હેઠળ આ પ્રથમ મોટી સફળતા છે. મહાનદી બેસિનમાં ખોદવામાં આવનારા ચાર મુખ્ય કૂવાઓમાં MDW 28 પહેલો છે.

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ આ શોધને ભારતને આત્મનિર્ભર બનાવવા તરફનું મોટું પગલું ગણાવ્યું છે. તેમણે કહ્યું કે 2024માં આ જ વિસ્તારમાં થયેલી 'ઉત્કલ' અને 'કોણાર્ક' ગેસની શોધો સાથે મળીને હવે એકીકૃત સુવિધાઓ દ્વારા ગેસનું ઉત્પાદન ઝડપથી અને ઓછા ખર્ચે શક્ય બનશે.