સત્ય. સાહસ. સંકલ્પ.

વન નેશન વન ઇલેક્શન: 2029માં શક્યતા, પણ તૈયારી પર સવાલ

વન નેશન વન ઇલેક્શન: 2029માં શક્યતા, પણ તૈયારી પર સવાલ

નવી દિલ્હી: દેશમાં 'એક રાષ્ટ્ર, એક ચૂંટણી' (વન નેશન વન ઇલેક્શન) લાગુ કરવાની દિશામાં સંસદની સંયુક્ત સંસદીય સમિતિ કામ કરી રહી છે. સમિતિના અધ્યક્ષ અને ભાજપના સાંસદ પીપી ચૌધરીએ જણાવ્યું છે કે જો સંસદમાં બિલ પસાર થઈ જાય તો 2029માં લોકસભા સાથે ઘણા રાજ્યોની વિધાનસભા ચૂંટણી પણ યોજી શકાય છે. તેમણે દાવો કર્યો કે એકસાથે ચૂંટણી યોજવાથી લગભગ 7 લાખ કરોડ રૂપિયાની બચત થશે.

સમિતિએ અત્યાર સુધીમાં 25 બેઠકો યોજી છે અને 10 રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોમાં જમીની કામગીરી પૂરી કરી છે. ચૂંટણી પંચનું કહેવું છે કે જો 2028 સુધીમાં બિલ પસાર થઈ જાય તો તે 6 મહિનામાં તૈયારી કરી શકે છે.

જોકે, પૂર્વ ચૂંટણી કમિશનર એસવાય કુરૈશીએ આ દાવા પર શંકા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે આટલા ઓછા સમયમાં તૈયારી શક્ય નથી. તેમના મતે આ માટે 2થી 3 વર્ષનો સમય જરૂરી છે. 'કોઈ જાદુઈ છડી હોય તો વાત અલગ છે,' તેમણે ઉમેર્યું.

41 સભ્યોની સમિતિમાં લોકસભાના 27 અને રાજ્યસભાના 12 સાંસદો ઉપરાંત બે આમંત્રિત સભ્યો છે. સમિતિ ક્યારે અહેવાલ આપશે તે અંગે પીપી ચૌધરીએ કહ્યું, 'તે નક્કી નથી. સંપૂર્ણ ચર્ચા થશે, સભ્યો સહમત થશે ત્યારે જ અહેવાલ આપીશું.'

સમિતિ સરકાર, વિપક્ષ, વેપારી સંગઠનો અને મીડિયા સહિત તમામ પક્ષકારોની સલાહ લઈ રહી છે. જે રાજ્યમાં સમિતિ જાય છે ત્યાં ઓછામાં ઓછા 500 લોકોને મળે છે. આ લોકોમાં ગવર્નર, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, સ્પીકર, મંત્રી, ધારાસભ્ય, ચીફ સેક્રેટરી, સચિવ સ્તરના અધિકારીઓ, વિપક્ષી પાર્ટીઓના પ્રતિનિધિઓ, પદ્મ ભૂષણ એવોર્ડીઓ, મીડિયા અને સિવિલ સોસાયટી તથા એસોચેમ, ફિક્કી જેવા વેપારી સંગઠનોના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે.

પીપી ચૌધરીએ જણાવ્યું કે સહમત રાજ્યોમાં 2029માં ચૂંટણી યોજાશે, જ્યારે અસહમત રાજ્યોને 2034માં આ જોગવાળ હેઠળ લાવવામાં આવશે. તેમણે કહ્યું, 'એકસાથે ચૂંટણી કરાવવાનો ઉકેલ રાજ્ય સરકારો પાસે જ છે. જો તેઓ રાજી થાય તો લોકસભા અને વિધાનસભા ચૂંટણી 2029માં એકસાથે થઈ શકે છે.'

સૂત્રોના જણાવ્યા અનુસાર 22 રાજ્યોમાં ભાજપ અથવા એનડીએની સરકાર છે અને તેમાંથી સંમતિ મળવાની આશા છે. બાકીના રાજ્યોને સહમત કરવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે. ઉત્તરાખંડે આ પહેલને સમર્થન આપ્યું છે. ગુજરાતમાં ભાજપ સરકાર અને સીઆઈઆઈ, એસોચેમ જેવા સંગઠનોએ પણ સમર્થન વ્યક્ત કર્યું છે. મહારાષ્ટ્ર, હરિયાણા અને ગોવામાં સકારાત્મક વલણ જોવા મળ્યું છે. કોંગ્રેસ શાસિત હિમાચલ પ્રદેશમાં સરકારે નકારાત્મક ટિપ્પણી કરી નથી. પંજાબ તરફથી પણ મોટો વિરોધ નથી. પરંતુ કર્ણાટકમાં આ પહેલનો વિરોધ થયો છે. નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે તેને રાજકીય રીતે પ્રેરિત અને સંઘવાદને નુકસાન પહોંચાડનારું ગણાવ્યું છે.

સમર્થનમાં સૌથી મજબૂત દલીલ એ છે કે એકસાથે ચૂંટણીથી શિક્ષકો અને આંગણવાડી કાર્યકરોને વારંવાર ચૂંટણી ડ્યુટીમાં જોડાવું નહીં પડે, જેથી બાળકોનો અભ્યાસ ડિસ્ટર્બ નહીં થાય. કર્ણાટક સરકારનું કહેવું છે કે તેમની પાસે ચૂંટણી માટે ડેડિકેટેડ કર્મચારીઓ છે. અનેક શૈક્ષણિક સંસ્થાઓએ પણ જણાવ્યું છે કે વર્ષમાં કેટલીય વાર ચૂંટણી થવાથી શાળાનું કેલેન્ડર ડિસ્ટર્બ થાય છે અને શાળાઓ બૂથમાં ફેરવાઈ જાય છે.

સમિતિ સમક્ષ 6 મહત્વના પ્રશ્નો છે: (1) શું આ બિલ બંધારણ મુજબ છે અને તેના મૂળભૂત ઢાંચામાં ફિટ બેસે છે? (2) શું બિલ ભારતની સંઘીય વ્યવસ્થાની વિરુદ્ધ નથી? (3) આ જોગવાઈની અર્થવ્યવસ્થા પર શું અસર થશે? (4) લોકસભા અને વિધાનસભા ચૂંટણી એકસાથે કેવી રીતે યોજાશે? (5) ચૂંટણી પંચની તૈયારી કેટલી છે? (6) રાજ્યોની સંમતિ કેવી રીતે મેળવાશે?