દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટમાં એક ઓમાની કો-પાઈલટે વિમાનને ક્રેશ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ભારતીય પાઈલટ કેપ્ટન સ્મિત મચ્છરે આ પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. ઇટાલિયન અખબાર કોરીએર ડેલા સેરાના અહેવાલ મુજબ, 30 સપ્ટેમ્બરના રોજની આ ઘટનાની મિનિટ-ટુ-મિનિટ વિગતો બહાર આવી છે.
અહેવાલમાં જણાવાયું છે કે કો-પાઈલટે પહેલા કેપ્ટન સ્મિત પર કુહાડીથી હુમલો કર્યો હતો. ત્યારબાદ તેમણે વિમાનનું યોક (સ્ટીયરિંગ) પોતાના કબજામાં લઈને બંને એન્જિન બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમની યોજના કેપ્ટનને મારી નાખવાની અને પછી ફ્લાઇટનો કંટ્રોલ લઈને તેને તેલ અવીવ શહેરની સૌથી ઊંચી ઈમારતો સાથે ટકરાવવાની હતી.
રિપોર્ટ મુજબ, કો-પાઈલટ 29 વર્ષીય હમ્મામ અલ-હમ્મામી છે. તેમના પિતા ઓમાનના અને માતા સિરિયન છે. ઉડાન શરૂ થતાં પહેલાં કેપ્ટને સુરક્ષા તપાસ પૂર્ણ કરી અને મુસાફરોને બેસાડવાનું શરૂ કર્યું ત્યારે કો-પાઈલટનું વર્તન શંકાસ્પદ નહોતું લાગ્યું.
ગંભીર રીતે ઘાયલ થયા બાદ પણ કેપ્ટન સ્મિત કોકપીટમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યા. તેમણે અન્ય ક્રૂ સભ્યો અને કેટલાક મુસાફરોની મદદથી કો-પાઈલટને કાબૂમાં લીધો. આ સમયગાળા દરમિયાન વિમાન લગભગ 16,000 ફૂટ નીચે પડી ગયું હતું, પરંતુ 30 સેકન્ડમાં તેને સ્થિર કરી લેવામાં આવ્યું. એક મોટી દુર્ઘટના ટળી ગઈ.
ઇઝરાયલી ગુપ્તચર એજન્સીઓના હવાલાથી અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે અલ-હમ્મામીએ એટલી ઝડપથી કાર્યવાહી કરવાની યોજના બનાવી હતી કે ફાઇટર જેટને વિમાન અટકાવવાનો કે અધિકારીઓને વાટાઘાટો કરવાનો સમય જ ન મળે. આ ઘટનામાં 174 મુસાફરો અને છ ક્રૂ સભ્યો સવાર હતા.
વિમાનનું સાઉદી અરેબિયાના તબૂકમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું. ત્યાંથી મુસાફરોને તેલ અવીવ મોકલવામાં આવ્યા. અલ-હમ્મામીને સાઉદી અધિકારીઓએ પૂછપરછ માટે લીધા બાદ સંયુક્ત આરબ અમીરાત (UAE)ને સોંપી દીધો છે, જ્યાં તે હાલ રાખવામાં આવ્યો છે. તેના ભૂતકાળ અને કટ્ટરપંથી વિચારોની તપાસ ચાલી રહી છે.