સત્ય. સાહસ. સંકલ્પ.

ઓમાન નજીક જહાજ પર હુમલો: ભારતીય નાવિકનું મોત, 19 ભારતીયો સવાર

ઓમાન નજીક જહાજ પર હુમલો: ભારતીય નાવિકનું મોત, 19 ભારતીયો સવાર

ઓમાન નજીક દરિયામાં ભારત તરફ આવી રહેલા માલવાહક જહાજ 'MV Cape Dao' પર થયેલા હુમલામાં એક ભારતીય નાવિકનું મોત થયું છે. મસ્કત સ્થિત ભારતીય દૂતાવાસે બુધવારે આ ઘટનાની પુષ્ટિ કરી છે અને જણાવ્યું છે કે તેઓ ઓમાનના સ્થાનિક અધિકારીઓ સાથે મળીને જહાજ પર સવાર તમામ ક્રૂ મેમ્બર્સની સુરક્ષા પર સતત નજર રાખી રહ્યા છે.

ફોરવર્ડ સીમેન્સ યુનિયન ઓફ ઈન્ડિયા (FSUI) મુજબ મૃત્યુ પામેલ નાવિક ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લાનો સુરજ યાદવ હતો. સુરજ યાદવ જહાજ પર વાઈપર તરીકે ફરજ બજાવી રહ્યો હતો. ભારતીય દૂતાવાસે આ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે અને સુરજ યાદવના પરિવાર સાથે સંપર્ક કરીને તેમને શક્ય તમામ સહાય પહોંચાડવાની કામગીરી હાથ ધરી છે.

FSUIના જણાવ્યા અનુસાર જહાજ પર બે ટોર્પીડોથી હુમલો કરવામાં આવ્યો હતો. તેમાંથી એક ટોર્પીડો જહાજમાં રહેવાના ભાગમાં અને બીજો ટોર્પીડો એન્જિન રૂમ નજીકના ભાગ સાથે અથડાયો હતો. આ ગંભીર ઘટના બાદ યુનિયને દરિયાઈ માર્ગો પર કામ કરતા નાગરિક નાવિકોની સુરક્ષા સામે ચિંતા વ્યક્ત કરી છે અને સુરક્ષિત રસ્તાઓ તેમજ ન્યાયની માંગ કરી છે.

જહાજ પર સવાર ભારતીયોની સંખ્યા અંગે દૂતાવાસ અને યુનિયનના દાવામાં તફાવત છે. ભારતીય દૂતાવાસના જણાવ્યા અનુસાર જહાજ પર 19 ભારતીય નાગરિકો સવાર હતા. જ્યારે FSUIનો દાવો છે કે જહાજ પર કુલ 28 ક્રૂ મેમ્બર્સ હતા, જેમાંથી 20 ભારતીય હતા.

આ હુમલો કોણે કર્યો અને તેની પાછળનો હેતુ શું હતો તે અંગે ભારતીય દૂતાવાસે હજુ કોઈ સત્તાવાર ખુલાસો કર્યો નથી. હાલ સમગ્ર ધ્યાન જહાજના તમામ સભ્યોની સલામતી સુનિશ્ચિત કરવા અને મૃતકના પરિવારને જરૂરી મદદ પૂરી પાડવા પર કેન્દ્રિત છે.