સત્ય. સાહસ. સંકલ્પ.

ઓમાન નજીક ભારતીય જહાજ પર હુમલો, ગુજરાતના નાવિકનું મોત; 13 નાવિકો બચ્યા

ઓમાન નજીક ભારતીય જહાજ પર હુમલો, ગુજરાતના નાવિકનું મોત; 13 નાવિકો બચ્યા

ઓમાનના દરિયાકિનારે ભારતીય માલવાહક જહાજ એમએસવી અલ યુસુફી પર હવાઈ હુમલો થયો છે. આ ઘટનામાં જહાજ પર સવાર 14 ભારતીય નાવિકોમાંથી ગુજરાતના ગંધાર નહીમ અઝીઝનું ગંભીર ઈજાઓને કારણે મોત થયું છે.

ઓમાન કોસ્ટ ગાર્ડે તાત્કાલિક કાર્યવાહી કરીને બાકીના 13 ભારતીય નાવિકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે. કેન્દ્રીય શિપિંગ મંત્રી સરબાનંદ સોનોવાલે ઘટનાઅંગે દુઃખ વ્યક્ત કર્યું છે અને મૃતકના પરિવાર પ્રત્યે સંવેદના પાઠવી છે.

ભારતીય વિદેશ મંત્રાલય અને ઓમાન સ્થિત ભારતીય દૂતાવાસ સ્થાનિક સત્તાવાળાઓના સંપર્કમાં છે, જેથી બચેલા નાવિકોને જરૂરી સહાય મળી શકે અને મૃતકના પાર્થિવ દેહને વહેલી તકે ભારત લાવી શકાય.

પશ્ચિમ એશિયામાં યુએસ-ઈરાન સંઘર્ષ અને દરિયાઈ માર્ગો પર વધતા તણાવના કારણે વેપારી જહાજો પર હુમલાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થયો છે. સરકારી આંકડા મુજબ, આ સંઘર્ષ શરૂ થયો ત્યારથી અત્યાર સુધીમાં 22 ભારતીય નાવિકોએ જીવ ગુમાવ્યા છે, જેમાંથી 14 નાવિકો દરિયાઈ જહાજો પર કાર્યરત હતા.

વધતા જોખમોને ધ્યાનમાં રાખીને ભારતે પોતાના નાગરિકોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો પર કામ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. ભારત સરકારે આંતરરાષ્ટ્રીય જળસીમામાં મુક્ત અને સુરક્ષિત જળપરિવહનને અવરોધતા હુમલાઓની આકરા શબ્દોમાં નિંદા કરી છે.