ઓમાનના દરિયાકાંઠે એમટી પેટ્રો ડોલ્ફિન નામના ઓઈલ ટેન્કર પર ડ્રોન હુમલો થયો છે. આ ટેન્કરમાં કુલ 11 ભારતીય ક્રૂ સભ્યો સવાર હતા. હુમલા બાદ 9 ક્રૂ સભ્યોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે 2 ક્રૂ સભ્યો હજુ ગુમ છે.
આ ઘટના 11 ઓક્ટોબરે સોહર એન્કોરેજ નજીક બની હતી. હુમલાની માહિતી કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આપી હતી. તેમણે જણાવ્યું કે હુમલા બાદ ટેન્કરમાંથી 9 ભારતીય ક્રૂ સભ્યોને બચાવી લેવામાં આવ્યા છે અને ગુમ થયેલા 2 ક્રૂ સભ્યોની શોધ માટે સઘન બચાવ કામગીરી ચાલુ છે.
ઓમાન સ્થિત ભારતીય દૂતાવાસ આ ઘટના પર સતત નજર રાખી રહ્યું છે અને સ્થાનિક અધિકારીઓ સાથે સંપર્કમાં છે. સ્થાનિક કોસ્ટ ગાર્ડ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
આ હુમલો એવા સમયે થયો છે જ્યારે હોર્મુઝ સ્ટ્રેટ અને તેની આસપાસના મહત્ત્વપૂર્ણ જળમાર્ગોમાં વાણિજ્યિક જહાજોની સુરક્ષા અંગે ચિંતાઓ વધી રહી છે. અગાઉ ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) નેવી દ્વારા એક વીડિયો જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં એક મોટું ઓઈલ ટેન્કર હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતી વખતે લેન્ડમાઈન સાથે અથડાતા વિસ્ફોટ થયો હતો અને આગ લાગી હતી. IRGC દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે તે જહાજે પોતાની નેવિગેશન અને પોઝિશનિંગ સિસ્ટમ બંધ કરી દીધી હતી અને પ્રતિબંધિત માર્ગેથી પસાર થવાનો પ્રયાસ કર્યો હતો. ઈરાની દળોએ ચેતવણી આપી છે કે જે જહાજો આ ક્ષેત્રમાં નેવિગેશન સિસ્ટમ બંધ કરશે તેમની સામે કાનૂની કે સૈન્ય કાર્યવાહી કરવામાં આવશે.