લોસ એન્જેલિસ ઓલિમ્પિક 2028માં ક્રિકેટની ક્વોલિફાયર મેચ જાન્યુઆરી-ફેબ્રુઆરી 2028માં યોજાઈ શકે છે. પીટીઆઈના અહેવાલ મુજબ, આઈસીસીએ ઓક્ટોબરમાં દુબઈમાં યોજાયેલી બેઠકો બાદ સભ્ય દેશો સાથે નવું કેલેન્ડર શેર કર્યું છે.
ક્વોલિફાયર એવી મેચ હોય છે, જેમાં ટીમ મુખ્ય ટુર્નામેન્ટમાં સ્થાન મેળવવા માટે રમે છે. એટલે કે ઓલિમ્પિકમાં સીધું સ્થાન ન મળનારી ટીમ પાસે આ મેચથી પોતાનો દાવો મજબૂત કરવાની તક હશે.
પુરુષો અને મહિલાઓની ક્વોલિફાયરમાં આઠ-આઠ ટીમ હશે. તેમની પસંદગી આઈસીસી રેન્કિંગના આધારે કરવામાં આવશે.
ભારતે તાજેતરમાં એશિયન ગેમ્સમાં સતત બીજી વખત ગોલ્ડ જીત્યો હતો. ટીમે ફાઇનલમાં પાકિસ્તાનને હરાવ્યું હતું.
ભારતની મહિલા ટીમે ઓલિમ્પિકમાં સ્થાન પહેલેથી જ પાક્કું કરી લીધું છે. ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા અને ગ્રેટ બ્રિટનની ટીમ પણ ક્વોલિફાય થઈ ચૂકી છે. આ ચાર ટીમને 2026ના મહિલા ટી20 વર્લ્ડ કપમાં પોતાના-પોતાના ખંડની સૌથી શ્રેષ્ઠ ટીમ હોવાના આધારે સ્થાન મળ્યું છે.
પુરુષ સ્પર્ધામાં આફ્રિકા, એશિયા, યુરોપ અને ઓશનિયાની સૌથી ઊંચી રેન્ક ધરાવતી ટીમને 31 ડિસેમ્બર 2026ની આઈસીસી ટી20 આંતરરાષ્ટ્રીય રેન્કિંગના આધારે સ્થાન મળવાનું છે. તેથી ભારતીય પુરુષ ટીમ માટે વર્ષની અંતિમ રેન્કિંગ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે.
પુરુષો અને મહિલાઓ બંને કેટેગરીમાં 6-6 ટીમ ભાગ લેશે. મહિલા કેટેગરીમાં 4 ટીમ પહેલેથી જ ક્વોલિફાય કરી ચૂકી છે. પુરુષો અને મહિલાઓની ક્વોલિફાયરમાં 8-8 ટીમ હશે અને દરેક ક્વોલિફાયરમાંથી એક ટીમ ઓલિમ્પિકમાં પહોંચશે. 6 ટીમને બે ગ્રુપમાં વહેંચીને મુકાબલા રમાડવામાં આવશે.
સામાન્ય રીતે યજમાન દેશને ટુર્નામેન્ટમાં સ્થાન મળવું નિશ્ચિત માનવામાં આવે છે, પરંતુ ક્રિકેટના આ ઓલિમ્પિક આયોજનમાં અમેરિકા માટે પણ રેન્કિંગની શરત રાખવામાં આવી છે. અમેરિકાની પુરુષ અને મહિલા ટીમે 30 જૂનથી 31 ડિસેમ્બર 2026 વચ્ચેના ક્વોલિફિકેશન સમયગાળામાં રેન્કિંગના ટોપ-15માં રહેવું પડશે.
જો અમેરિકાની મહિલા ટીમ 31 ડિસેમ્બર સુધી આ શરત પૂર્ણ નહીં કરે, તો તેના સ્થાનનો નિર્ણય 1 માર્ચ 2027ની કટ-ઓફ તારીખે મહિલા ચેમ્પિયન્સ ટ્રોફી-2027ના પ્રદર્શનના આધારે કરવામાં આવશે.
લોસ એન્જિલિસ ઓલિમ્પિક્સમાં 2028માં ક્રિકેટનું કમબેક થશે. આ પહેલાં 1900ના પેરિસ ઓલિમ્પિક્સમાં ક્રિકેટ રમાયું હતું. તે સમયે ગ્રેટ બ્રિટન અને ફ્રાન્સ વચ્ચે એક મુકાબલો થયો હતો. તેમાં બ્રિટને ગોલ્ડ અને ફ્રાન્સે સિલ્વર જીત્યું હતું. 1900માં પેરિસ ઓલિમ્પિક્સમાં ક્રિકેટની માત્ર એક જ મેચ રમાઈ હતી.
2027 અને 2031ના વન-ડે વર્લ્ડ કપ વચ્ચે આઈસીસીના કેલેન્ડરમાં પુરુષોની 12, મહિલાઓની સાત અને અંડર-19 કેટેગરીની પાંચ ટુર્નામેન્ટ સામેલ છે. તેમાં ક્વોલિફાયર પણ સામેલ છે.
આ ઉપરાંત, 2029 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબ્લ્યુટીસી)ની ફાઇનલ ઇંગ્લેન્ડમાં 8થી 12 જૂન દરમિયાન યોજાવાની છે. ડબ્લ્યુટીસી ટેસ્ટ ક્રિકેટની એ સ્પર્ધા છે, જેમાં બે વર્ષના સાયકલમાં ટીમના પ્રદર્શનના આધારે ટોચની બે ટીમ ફાઇનલ રમે છે.