સત્ય. સાહસ. સંકલ્પ.

બ્રહ્માંડની સૌથી જૂની ગેલેક્સી 'MOM-Z14' શોધાઈ, 13.5 અબજ વર્ષ જૂની

બ્રહ્માંડની સૌથી જૂની ગેલેક્સી 'MOM-Z14' શોધાઈ, 13.5 અબજ વર્ષ જૂની

નાસાના જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ (JWST) એ બ્રહ્માંડની અત્યાર સુધીની સૌથી જૂની અને સૌથી દૂરની ગેલેક્સી શોધી છે, જેનું નામ 'MOM-Z14' છે. આ ગેલેક્સી 13.5 અબજ વર્ષ જૂની છે અને બ્રહ્માંડના જન્મ (13.7 અબજ વર્ષ પહેલાં) ના ફક્ત 28 કરોડ વર્ષ પછી બની હતી. આ શોધ દર્શાવે છે કે બ્રહ્માંડના શરૂઆતના તબક્કામાં ગેલેક્સીઓ ઝડપથી બની હતી.

આ ગેલેક્સી ભારતીય ખગોળશાસ્ત્રી રોહન નાયડુ અને તેમની ટીમે શોધી છે. રોહન નાયડુ અમેરિકાની મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (MIT) ના કાવલી ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ એન્ડ સ્પેસ રિસર્ચ (MKI) સાથે જોડાયેલા છે. તેમની સાથે જેકોબ શેહ્ન અને યુનિવર્સિટી ઓફ જીનેવા (સ્વિટ્ઝર્લૅન્ડ) ના ખગોળશાસ્ત્રી પાસ્કલ ઓશ પણ સંશોધનમાં જોડાયા હતા. આ સંશોધન 28 જાન્યુઆરી 2026 ના રોજ 'ઓપન જર્નલ ઓફ એસ્ટ્રોફિઝિક્સ' માં પ્રકાશિત થયું છે.

આ ગેલેક્સી કેવી રીતે શોધાઈ? જેકોબ શેહ્નના જણાવ્યા અનુસાર, તેમને આ ગેલેક્સી 'મિરાજ ઓફ મિરેકલ' (MOM) સર્વે દરમિયાન મળી. JWST ના નીઅર-ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોગ્રાફ (NIRSpec) ની મદદથી તેઓ ખૂબ જ દૂરની, ઝાંખી અને ધૂળ-વાયુના ઘટ્ટ વાદળોની પાછળની ગેલેક્સીઓને પણ જોઈ શક્યા. શોધ દરમિયાન ઘણી નાની ગેલેક્સીઓ દેખાઈ, પરંતુ MOM-Z14 નો રંગ આછો પીળો અને ઉપરનો ભાગ લાલ હતો, જે તેને અલગ પાડતો હતો.

MOM-Z14 ની દૂરી કેવી રીતે સાબિત થઈ? રોહન નાયડુ જણાવે છે કે આ ગેલેક્સીની કોસ્મોલોજિકલ રેડશિફ્ટ 14.44 છે. રેડશિફ્ટ એટલે કે ગેલેક્સી જેટલી દૂર હોય, તેટલી તેના પ્રકાશની તરંગલંબાઈ ખેંચાય છે, જેનાથી પ્રકાશ ઝાંખો અને લાલ દેખાય છે. આટલી ઊંચી રેડશિફ્ટ અગાઉ કોઈ ગેલેક્સીમાં જોવા મળી નથી. આ ગણતરીથી સાબિત થાય છે કે આ ગેલેક્સી બ્રહ્માંડના જન્મના ફક્ત 28 કરોડ વર્ષ પછી અસ્તિત્વમાં આવી હતી. તેનો પ્રકાશ 13.5 અબજ વર્ષ સુધી અવકાશમાં મુસાફરી કરીને JWST સુધી પહોંચ્યો છે.

ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચ (TIFR-મુંબઈ) ના નિવૃત્ત વરિષ્ઠ ખગોળશાસ્ત્રી અને નાસા-ઇસરોના અનુરાધા પ્રોજેક્ટ (1985) ના વિજ્ઞાની ડૉ. મયંક વાહિયાએ 'ગુજરાત સમાચાર' સાથેની વાતચીતમાં જણાવ્યું કે 13.7 અબજ વર્ષ પહેલાં બ્રહ્માંડના જન્મ (બિગ બેંગ) સમયે ચારે તરફ ફક્ત હાઇડ્રોજન વાયુ હતો. તારાઓ અને ગેલેક્સીઓ ધીમે ધીમે બન્યા. આ શોધ દર્શાવે છે કે શરૂઆતના બ્રહ્માંડમાં ગેલેક્સીઓની રચના ઝડપથી થઈ હતી.