સત્ય. સાહસ. સંકલ્પ.

તેલ વગરનું અનાનસનું ચટપટું અથાણું, માત્ર એક દિવસમાં તૈયાર

તેલ વગરનું અનાનસનું ચટપટું અથાણું, માત્ર એક દિવસમાં તૈયાર

ભારતના વિવિધ રાજ્યોમાં જુદા જુદા પ્રકારના અથાણા પરંપરાગત રીતે બનાવવામાં આવે છે. જોકે, આજકાલ લોકો આરોગ્યપ્રદ ખોરાક તરફ વધુ ધ્યાન આપતા હોવાથી તેલવાળા અથાણાનું સેવન ટાળે છે. આવામાં, તેલ વગરનું અનાનસનું અથાણું એક સારો વિકલ્પ બની શકે છે, જે ઓછા સમયમાં તૈયાર થઈ જાય છે.

સામાન્ય રીતે અથાણામાં તેલનો ઉપયોગ થાય છે, પરંતુ આ રેસિપીમાં પાણીના આધારે અથાણું બનાવવામાં આવે છે. અનાનસનું આ અથાણું ખાટું, મીઠું અને તીખું હોવાથી ભોજનનો સ્વાદ વધારે છે. પ્રખ્યાત શેફ કુણાલ કપૂરે આ અથાણું બનાવવાની સરળ રીત જણાવી છે. તેમાં મસાલાને પીસવાની જરૂર પડતી નથી અને આખા મસાલાનો ઉપયોગ કરી શકાય છે. તેને બનાવવા માટે વધારે સમય કે તડકાની પણ જરૂર પડતી નથી.

સામગ્રી: એક મધ્યમ કદનું અનાનસ, ખાંડ, મીઠું, સંચળ, ચક્રફૂલ (બાદિયા), કાળા મરી, રાઈ, લવિંગ, તજ, જીરું અને પાણી. આ ઉપરાંત થોડાં લીલાં મરચાં અને તાજાં લાલ મરચાં પણ જરૂરી છે. આ સામગ્રીઓ અથાણાને ખાટું, મીઠું અને તીખું સ્વાદ આપશે.

રીત: સૌથી પહેલાં એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકો. પાણી ઉકળવા લાગે ત્યારે તેમાં ખાંડ, મીઠું અને સંચળ ઉમેરો. ત્યારબાદ ચક્રફૂલ, કાળા મરી, રાઈ, લવિંગ, તજ અને જીરું નાખો. આ બધાં મસાલાને પાણીમાં સારી રીતે ઉકાળો, જેથી તેનો સ્વાદ અને સુગંધ પાણીમાં ભળી જાય.

હવે લીલાં અને તાજાં લાલ મરચાં લો. બંને મરચાંને વચ્ચેથી ચીરો, પરંતુ તેના બે અલગ ટુકડા ન કરો. આ મરચાં અથાણામાં તીખાશ ઉમેરશે અને અનાનસના ખાટા-મીઠા સ્વાદને સંતુલિત કરવામાં મદદ કરશે. મરચાંની માત્રા તમે તમારી તીખાશની પસંદગી પ્રમાણે રાખી શકો છો.

મસાલાવાળા પાણીને ગેસ પરથી ઉતારીને સંપૂર્ણપણે ઠંડું થવા દો. ત્યાં સુધી અનાનસને સારી રીતે ધોઈને તેની છાલ ઉતારી લો. હવે તેને લાંબી સ્લાઇસમાં કાપી લો. અનાનસના ટુકડા એકસરખા રાખવાથી મસાલાવાળા પાણીમાં તેને સારી રીતે ડુબાડવામાં સરળતા રહેલી.

હવે એક સ્વચ્છ કાચની બરણી લો. તેમાં કાપેલા અનાનસના ટુકડા અને વચ્ચેથી ચીરેલાં લીલાં તથા લાલ મરચાં ગોઠવો. ત્યારબાદ ઠંડું કરેલું મસાલાવાળું પાણી બરણીમાં રેડો. પાણી સાથે ઉકાળેલા બધા મસાલા પણ તેમાં ઉમેરો. હવે બરણીનું ઢાંકણ બંધ કરી દો.

બરણીને ઓછામાં ઓછા એક દિવસ માટે રહેવા દો. બીજા દિવસથી જ અનાનસનું ચટપટું અથાણું ખાવા માટે તૈયાર થઈ જશે. તેને દાળ-ભાત, રોટલી અને પરાઠા સાથે ખાઈ શકાય છે. અનાનસમાં વિટામિન C, વિટામિન B6, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્ત્વો પણ હોય છે.