સત્ય. સાહસ. સંકલ્પ.

ઓફિસમાં કોફી પીવા પર પ્રતિબંધ, મેનેજરના અજીબ નિયમોની સોશિયલ મીડિયામાં ચર્ચા

ઓફિસમાં કોફી પીવા પર પ્રતિબંધ, મેનેજરના અજીબ નિયમોની સોશિયલ મીડિયામાં ચર્ચા

દરેક ઓફિસમાં કામ કરવાની પોતાની રીત હોય છે, પણ કેટલીક જગ્યાએ એવા નિયમો બનાવવામાં આવે છે જે સાંભળીને કોઈ પણ હેરાન થઈ જાય. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક કર્મચારીએ પોતાની ઓફિસના બોસના અજીબ નિયમો વિશે પોસ્ટ કરી છે, જે ખૂબ ચર્ચામાં છે.

આ કર્મચારીના જણાવ્યા અનુસાર, તેમના બોસને કામ દરમિયાન કર્મચારીઓનું કોફી પીવું પસંદ નથી. ઓફિસમાં કોફી મશીન હોવા છતાં, કર્મચારીઓને ત્યાં જઈને કોફી પીવાની પરવાનગી નથી. વધુમાં, પોતાની સાથે થર્મસમાં કોફી લાવવી કે પેક્ડ કોફી પીવાની પણ મનાઈ છે. બોસનું માનવું છે કે આનાથી કામ પર અસર પડે છે.

કર્મચારીએ જણાવ્યું કે, તેણે પહેલા ક્યારેય આવો નિયમ જોયો નથી. અગાઉની નોકરીઓમાં લોકો તેને કોફી પીવા માટે જાતે કહેતા, કારણ કે કોફી પીધા પછી તે વધુ સારી રીતે કામ કરી શકતો. પરંતુ અહીં આ નાની આદતને લઈને પણ મુશ્કેલી ઊભી થઈ છે.

આ કર્મચારી એવા ક્ષેત્રમાં કામ કરે છે જ્યાં કામ શીખવાની અને અનુભવ મેળવવાની તકો સરળતાથી મળતી નથી. તેથી તે નોકરી છોડવા નથી માંગતો, કારણ કે તે પોતાની કળા વધુ સારી બનાવવા અને કરિયરમાં આગળ વધવા માંગે છે. જો કે, બોસનું વર્તન તેને સતત પરેશાન કરી રહ્યું છે. તેમણે જણાવ્યું કે, નોકરી શરૂ કર્યા પછીથી ઘણા લોકોએ તેને બોસ વિશે ચેતવણી આપી હતી. હાલમાં તે પહેલા મહિનાનો કોન્ટ્રાક્ટ સાઇન થાય ત્યાં સુધી નિયમોનું પાલન કરવાનો નિર્ણય કરી ચૂક્યો છે. હવે તેને એ વાતની ચિંતા છે કે, જે બોસ પર ભરોસો ન કરી શકાય તેની સાથે લાંબા સમય સુધી કામ કરવું કેટલું મુશ્કેલ હશે.

કોફી ઉપરાંત બોસની બીજી એક હરકતે કર્મચારીને હેરાન કરી રાખ્યો છે. તેમના અનુસાર, બોસે ઓફિસની ઘડિયાળને ત્રણ મિનિટ આગળ કરી દીધી છે. કર્મચારી અને તેના સાથીઓ વારંવાર ઘડિયાળને સાચા સમય પર સેટ કરે છે, પરંતુ બોસ ફરી તેને બદલી નાખે છે. આવું તે શા માટે કરે છે તે કોઈને સમજાતું નથી.

આ પોસ્ટ વાયરલ થતાં સોશિયલ મીડિયા યુઝર્સે કર્મચારીને ઘણી સલાહ આપી. કેટલાક લોકોએ કહ્યું કે તેણે બોસના વર્તન અને ઓફિસના અજીબ નિયમોનો રેકોર્ડ રાખવો જોઈએ અને સાથે જ બીજી નોકરી શોધવાનું શરૂ કરી દેવું જોઈએ. એક યુઝરે લખ્યું કે, લોકો અવારનવાર ખરાબ નોકરીને કારણે નહીં પરંતુ ખરાબ બોસને કારણે નોકરી છોડે છે. બીજા યુઝરે કહ્યું કે, મોટાભાગના લોકો કોફી પીને જ કામ કરવાની એનર્જી ભેગી કરે છે. જો કોઈ બોસ કોફી પીવા કે તેના માટે નાનો બ્રેક લેવા પર રોક લગાવે તો આ સહન કરવું મુશ્કેલ છે.