ઝિમ્બાબ્વે અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પહેલી વનડે મેચમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો એક અનોખો રેકોર્ડ બન્યો છે. આ મેચમાં 40 વર્ષથી વધુ ઉંમરના ત્રણ ખેલાડીઓ મેદાન પર ઉતર્યા હતા, જેમાંથી બે બેટ્સમેને પોતાની બેટિંગથી નવો રેકોર્ડ બનાવ્યો હતો.
ઝિમ્બાબ્વેએ પ્લેઇંગ ઇલેવનમાં બ્રેન્ડન ટેલર, સિકંદર રઝા અને ક્રેગ ઇર્વિનને સામેલ કર્યા હતા. આ ત્રણેયની ઉંમર 40 વર્ષથી વધુ છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આટલી ઉંમરના એકસાથે ત્રણ ખેલાડીઓ એક જ ટીમમાં રમે તે પોતે જ ભાગ્યે જ જોવા મળે છે.
આ ત્રણમાંથી સિકંદર રઝા અને ક્રેગ ઇર્વિને ઓસ્ટ્રેલિયા સામેની આ મેચમાં અડધી સદી ફટકારી હતી. વનડે ક્રિકેટના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે 40 વર્ષથી વધુ ઉંમરના બે બેટ્સમેને એક જ મેચમાં અડધી સદી ફટકારી હોય.
ઓસ્ટ્રેલિયાએ આપેલા 295 રનના લક્ષ્યનો પીછો કરતા 40 વર્ષીય સિકંદર રઝાએ 57 રન અને 41 વર્ષીય ક્રેગ ઇર્વિને 59 રન બનાવ્યા હતા. બંનેની આ અડધી સદી છતાં ઝિમ્બાબ્વેની ટીમ મેચ હારી ગઈ હતી.
ઓસ્ટ્રેલિયાની જીતમાં સૌથી મોટો ફાળો ઝડપી બોલર નાથન એલિસનો રહ્યો હતો. તેણે વનડે કારકિર્દીમાં પહેલીવાર એક જ ઇનિંગમાં પાંચ વિકેટ લીધી હતી. આ મેચ એલિસ માટે પણ યાદગાર બની રહી.