સત્ય. સાહસ. સંકલ્પ.

જાતિ આધારિત વસતી ગણતરી પર OBC સંગઠનોનું આંદોલન, 28 નવેમ્બરે રામલીલા મેદાનમાં વિરોધ પ્રદર્શન

જાતિ આધારિત વસતી ગણતરી પર OBC સંગઠનોનું આંદોલન, 28 નવેમ્બરે રામલીલા મેદાનમાં વિરોધ પ્રદર્શન

દેશભરના અન્ય પછાત વર્ગ (OBC) સંગઠનોએ જાતિ આધારિત વસતી ગણતરીને લઈને કેન્દ્ર સરકાર સામે મોરચો ખોલ્યો છે. 'ઓલ ઈન્ડિયા કાસ્ટ સેન્સસ કો-ઓર્ડિનેશન કમિટી'એ 28 નવેમ્બરે દિલ્હીના રામલીલા મેદાનમાં રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું છે. આ પહેલાં 1 નવેમ્બરે કોંગ્રેસના નેતૃત્વવાળા 'ઈન્ડિયા' ગઠબંધને પણ આ જ મેદાનમાં મુખ્ય ચૂંટણી કમિશનરને હટાવવાની માંગ સાથે મોટું પ્રદર્શન કર્યું હતું.

ગુરુવારે (12 નવેમ્બર) વિવિધ OBC સંગઠનો અને નાગરિક સમાજના પ્રતિનિધિઓએ કેન્દ્ર સરકારને માંગ કરી છે કે 2027ની વસતી ગણતરીમાં તમામ જાતિઓ માટે ડ્રોપડાઉન મેનૂ રાખવામાં આવે. તેમનું કહેવું છે કે અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST), OBC અને સામાન્ય વર્ગની દરેક જાતિને અલગ વિશિષ્ટ કોડ મળવો જોઈએ. એનાથી જાતિની ઓળખ અને ગણતરી સ્પષ્ટ થશે અને સામાજિક ન્યાય માટે સચોટ આંકડા મળી શકશે.

કેન્દ્ર સરકારે 2027ની વસતી ગણતરીના પ્રશ્નાવલીમાં SC અને ST સિવાયના બાકીના વર્ગો માટે જાતિની માહિતી ભરવા 'ખુલ્લું કોલમ' રાખવાનો નિર્ણય લીધો છે. સંગઠનોએ 2011ની સામાજિક-આર્થિક અને જાતિ વસતી ગણતરી (SECC)નું ઉદાહરણ આપીને જણાવ્યું કે તે વખતે ખુલ્લા કોલમને કારણે જાતિના 46 લાખથી વધુ નામો સામે આવ્યા હતા અને આંકડાકીય ગરબડ થતાં રિપોર્ટ રદ કરવો પડ્યો હતો. તેથી ભૂલો અને પુનરાવર્તન ટાળવા ડ્રોપડાઉન વિકલ્પ જરૂરી છે.

'ભારત જોડો અભિયાન'ના રાષ્ટ્રીય સંયોજક યોગિન્દ્ર યાદવે આ પ્રદર્શનને સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું કે અસમાનતા સમજવા અને સામાજિક ન્યાય સુનિશ્ચિત કરવા માટે દરેક સમુદાયની યોગ્ય ગણતરી જરૂરી છે. ઓલ ઈન્ડિયા OBC સ્ટુડન્ટ્સ એસોસિએશનના અધ્યક્ષ જી. કિરણ કુમારે દેશભરના યુવાનોને 28 નવેમ્બરના આંદોલનમાં જોડાવા અપીલ કરી છે. ડીએમકેના રાજ્યસભા સાંસદ પી. વિલ્સન અને તેલંગાણાના પૂર્વ મંત્રી વી. શ્રીનિવાસ ગૌડે પણ દરેક OBC સમુદાય માટે માનકીકૃત જાતિ નિર્દેશિકા તૈયાર કરવાની માંગને સમર્થન આપ્યું છે.

પ્રદર્શનકારોની મુખ્ય માંગણીઓમાં 2027ની વસતી ગણતરીમાં તમામ જાતિઓ માટે ડ્રોપડાઉન મેનૂ, SC, ST, OBC અને સામાન્ય વર્ગની દરેક જાતિ માટે અલગ વિશિષ્ટ કોડ, OBC સમુદાય માટે અલગ ડ્રોપડાઉન વિકલ્પ અને માનકીકૃત જાતિ નિર્દેશિકા તેમજ અનામત પરની 50 ટકાની મર્યાદા હટાવવાનો સમાવેશ થાય છે.