સત્ય. સાહસ. સંકલ્પ.

ન્યૂયોર્કના મેયર ઝોહરાન મમદાનીએ ગરબે ઘૂમીને નવરાત્રિની ઉજવણીમાં સામેલ થઈને ભારતીય સમુદાયને જોડ્યો

ન્યૂયોર્કના મેયર ઝોહરાન મમદાનીએ ગરબે ઘૂમીને નવરાત્રિની ઉજવણીમાં સામેલ થઈને ભારતીય સમુદાયને જોડ્યો

અમેરિકામાં નવરાત્રિનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ન્યૂયોર્ક સિટીના મેયર ઝોહરાન મમદાનીએ ભારતીય સમુદાય સાથે ગરબે ઘૂમીને આ ઉજવણીમાં ભાગ લીધો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં તેઓ પરંપરાગત દુપટ્ટો પહેરીને ખેલૈયાઓ સાથે ગરબાના સ્ટેપ્સ કરતા જોવા મળે છે.

આ ઉપરાંત, અન્ય એક વીડિયોમાં મેયરે મંદિરના પૂજારી પાસેથી આશીર્વાદ લીધા હતા. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને નવરાત્રિ, દુર્ગા પૂજા અને દશેરા સહિત હિન્દુ તહેવારોની શુભેચ્છાઓ પાઠવી હતી. પોસ્ટમાં તેમણે લખ્યું કે, આ તહેવારોની સીઝનમાં લોકો ગરબા કરે છે, માં દુર્ગાની પૂજા-અર્ચના કરે છે, સિંદૂર ખેલામાં ભાગ લે છે અને ઘરોમાં ગોલુ સજાવે છે. તેમણે વિવિધતામાં એકતાનો સંદેશ આપતાં કહ્યું કે, જુદા-જુદા પરિવારો અને સમુદાયો આ તહેવારોને અલગ-અલગ નામ અને પરંપરાઓ સાથે ઉજવે છે, પરંતુ આ સમય આત્મમંથન અને નવી શરૂઆતનો છે.

ન્યૂયોર્ક સિટી સહિત સમગ્ર અમેરિકામાં હિન્દુ સંગઠનો દ્વારા નવરાત્રિ અને દુર્ગા પૂજાના ભવ્ય કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેમાં મેયરની ઉપસ્થિતિ આકર્ષણનું કેન્દ્ર બની છે.