સત્ય. સાહસ. સંકલ્પ.

Nvidiaએ ચીનને AI ચિપ સપ્લાય બંધ કરી, ટ્રમ્પની મુલાકાત દરમિયાન નિર્ણય

Nvidiaએ ચીનને AI ચિપ સપ્લાય બંધ કરી, ટ્રમ્પની મુલાકાત દરમિયાન નિર્ણય

વિશ્વની સૌથી મોટી ચિપ કંપની Nvidiaએ ચીનને શક્તિશાળી AI ચિપ્સના પુરવઠા પર રોક લગાવી દીધી છે. કંપનીના વચગાળાના CEO કોલેટ ક્રેસે ત્રિમાસિક પરિણામો જાહેર કરતી વખતે આ માહિતી આપી હતી. આ નિર્ણય એવા સમયે લેવાયો છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચીનની મુલાકાતે છે.

કંપનીએ જણાવ્યું કે 25 ઑક્ટોબરે પૂરા થયેલા ગયા ત્રિમાસિક ગાળામાં ચીનને આશરે 2.4 બિલિયન ડૉલર (અંદાજે ₹20,200 કરોડ)ની AI ડેટા સેન્ટર ચિપ્સ વેચી હતી, પરંતુ હવે આગળ સપ્લાય મોકલવાની કોઈ યોજના નથી. જોકે, ક્રેસે એ સ્પષ્ટ કર્યું નથી કે સપ્લાય કેમ રોકવામાં આવ્યો છે અને તે કાયમી છે કે કામચલાઉ.

ચીનના AI ચિપ બજારમાં Nvidiaનો હિસ્સો આશરે એક તૃતીયાંશ છે. 2026ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળાના આંકડા મુજબ, ચીનમાં વપરાતી AI ચિપ્સમાં કંપનીનો હિસ્સો 34% હતો, જે 2025માં 55% હતો. આ નિર્ણયથી અલીબાબા, ટેનસેન્ટ અને ટિકટોકની પેરેન્ટ કંપની બાઇટડાન્સ સહિત 10 મોટી ચીની કંપનીઓના AI પ્રોજેક્ટ્સ પર અસર પડશે.

આ પગલું કંપનીના ભૂતપૂર્વ CEO જેન્સેન હુઆંગના રાજીનામા બાદ લેવાયું છે. હુઆંગ પર એક કથિત ચીની જાસૂસ અને કંપનીની બે મહિલા કર્મચારીઓ સાથે અફેર હોવાના આરોપ લાગ્યા હતા. તેમના સ્થાને કોલેટ ક્રેસને વચગાળાના CEO બનાવવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે અમેરિકાએ 2022માં ચીનને અદ્યતન AI ચિપ વેચવા પર પ્રતિબંધ મૂક્યો હતો. પરંતુ ગયા વર્ષે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત બાદ ટ્રમ્પે પસંદગીની ચીની કંપનીઓને H200 ચિપ વેચવાની મંજૂરી આપી હતી. જાન્યુઆરીમાં અમેરિકાએ કેટલીક સુરક્ષા શરતો સાથે નિયમોમાં છૂટ આપી હતી. આ મંજૂરી મેળવવા માટે હુઆંગે મહિનાઓ સુધી પ્રયાસો કર્યા હતા.

બીજી તરફ, ચીન પોતે પણ અમેરિકન ટેક્નોલોજી પરની નિર્ભરતા ઘટાડવા માટે આ ચિપ્સના આયાત પર કડકાઈ દાખવી રહ્યું છે. ચીની સરકારની મંજૂરી ન મળવાને કારણે આશરે 6 લાખ H200 ચિપ હોંગકોંગમાં અટવાયેલી પડી છે. જોકે, સખ્તાઈ પહેલાં ઘણી મોટી ચીની કંપનીઓએ 10-10 હજાર ચિપ મેળવી લીધી હતી.

Nvidiaની સપ્લાય અટકી જવાથી ચીનની મોટી ટેક અને ઇન્ટરનેટ કંપનીઓ સામે શક્તિશાળી AI સિસ્ટમ ચલાવવા માટેની ચિપ્સની અછતનું સંકટ ઊભું થઈ શકે છે. કંપનીના નવા નેતૃત્વ માટે ચીન જેવા મોટા બજાર વિના કમાણી અને ડેટા સેન્ટર બિઝનેસની ગતિ જાળવી રાખવાનો પડકાર પણ રહેશે.