સત્ય. સાહસ. સંકલ્પ.

Nvidiaના CEO જેન્સન હુઆંગની સંપત્તિ 30 મિનિટમાં 7.4 બિલિયન ડોલર ઘટી, ફોર્બ્સ યાદીમાં 10મા સ્થાને

Nvidiaના CEO જેન્સન હુઆંગની સંપત્તિ 30 મિનિટમાં 7.4 બિલિયન ડોલર ઘટી, ફોર્બ્સ યાદીમાં 10મા સ્થાને

Nvidiaના CEO જેન્સન હુઆંગની મુશ્કેલીઓ વધી છે. ચીનની ગુપ્તચર એજન્સી સાથે કથિત સંબંધો ધરાવતી મહિલા સાથેના તેમના સંબંધોની ચર્ચા વચ્ચે સોમવારે Nvidiaના શેરમાં 7 ટકાથી વધુનો ઘટાડો થયો. આ કારણે હુઆંગની સંપત્તિ 30 મિનિટમાં 7.4 અબજ ડોલર ઘટી, અને તેઓ ફોર્બ્સની યાદીમાં 8મા સ્થાનેથી 10મા સ્થાને પહોંચી ગયા. કંપનીના બોર્ડે સ્વતંત્ર તપાસ શરૂ કરી છે.

દુનિયાની દિગ્ગજ ટેક કંપની Nvidiaના CEO જેન્સન હુઆંગની મુશ્કેલીઓ વધી રહી છે. ચીનની ગુપ્તચર એજન્સી સાથે કથિત સંબંધો ધરાવતી મહિલા સાથેના તેમના સંબંધોની ચર્ચા વચ્ચે કંપનીના શેરમાં ભારે વેચવાલી જોવા મળી છે. સોમવારે શેરબજાર શરૂ થયાના માત્ર 30 મિનિટમાં જ હુઆંગની સંપત્તિમાં 7.4 અબજ ડોલર એટલે કે આશરે 7,030 કરોડ રૂપિયાનો ઘટાડો થયો હતો. આ ઘટાડાને કારણે ફોર્બ્સની રિયલ ટાઇમ અબજોપતિઓની યાદીમાં તેઓ આઠમા સ્થાનેથી સીધા 10મા સ્થાને પહોંચી ગયા હતા.

ફોર્બ્સના આંકડા અનુસાર, ટ્રેડિંગ શરૂ થતાં પહેલાં જેન્સન હુઆંગની સંપત્તિ 162.2 અબજ ડોલર એટલે કે આશરે 15.41 લાખ કરોડ રૂપિયા હતી. જોકે, બજાર શરૂ થયાના પ્રથમ અડધા કલાકમાં તેમની સંપત્તિ ઘટીને 154.7 અબજ ડોલર એટલે કે આશરે 14.70 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ હતી. સોમવારે Nvidiaના શેર 7 ટકાથી વધુના ઘટાડા સાથે ખુલ્યા હતા. ભારતીય સમય પ્રમાણે આ ઘટાડાની અસર કંપનીના શેરમાં જોવા મળી હતી. અમેરિકી સમય અનુસાર બપોરે 1:30 વાગ્યે પણ શેર 5.5 ટકા નીચે ટ્રેડ થઈ રહ્યા હતા.

જેન્સન હુઆંગની મોટાભાગની સંપત્તિ Nvidiaમાં તેમના હિસ્સા સાથે જોડાયેલી છે. આથી કંપનીના શેરના ભાવમાં ઘટાડો થાય ત્યારે તેમની વ્યક્તિગત સંપત્તિ પર પણ સીધી અસર પડે છે. તાજેતરમાં હુઆંગ અને એલિસ હુઆંગ નામની મહિલા સાથે જોડાયેલા અહેવાલો સામે આવ્યા બાદ Nvidiaના શેર પર દબાણ વધ્યું છે. એલિસ હુઆંગ ચીનની નાગરિક છે અને અગાઉ સિંગાપોર સ્થિત ડેટા સેન્ટર કંપની Megaspeed Internationalમાં વરિષ્ઠ અધિકારી તરીકે કામ કરી ચૂકી છે. 'ધ ન્યૂયોર્ક ટાઇમ્સ'ના અહેવાલ મુજબ, અમેરિકાની ગુપ્તચર એજન્સીઓને શંકા છે કે એલિસ હુઆંગને ચીનની ગુપ્તચર એજન્સીએ જેન્સન હુઆંગ પાસેથી માહિતી મેળવવા માટે નિમણૂક કરી હતી. આ અહેવાલો બાદ Nvidiaના CEOને વિદેશી ગુપ્તચર પ્રવૃત્તિ દ્વારા નિશાન બનાવવામાં આવ્યા હતા કે કેમ તે અંગે સવાલો ઊભા થયા છે. જોકે, એલિસ હુઆંગ સામેના જાસૂસીના આરોપો હજુ સાબિત થયા નથી. ચીને પણ આ આરોપોને ફગાવી દીધા છે અને ચીનની સંડોવણીના દાવાઓને પાયાવિહોણા ગણાવ્યા છે.

આ વિવાદ વચ્ચે Nvidiaના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે સ્વતંત્ર તપાસ માટે એક સમિતિની રચના કરી છે. આ સમિતિમાં સ્વતંત્ર ડિરેક્ટર્સની સાથે બહારના કાયદાકીય નિષ્ણાતોને પણ સામેલ કરવામાં આવ્યા છે. કંપનીએ સ્પષ્ટતા કરી છે કે તેને એવું માનવાનું કોઈ કારણ નથી કે અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા અથવા Nvidiaની ગુપ્ત માહિતી સાથે કોઈ ચેડાં થયાં છે. જેન્સન હુઆંગે પણ તપાસમાં સહયોગ આપવાની સંમતિ આપી છે. તપાસ પૂરી ન થાય ત્યાં સુધી તેઓ કંપનીના CEO તરીકે પોતાની જવાબદારી નિભાવતા રહેશે.

આ સમગ્ર વિવાદ વચ્ચે 8 નવેમ્બરે જેન્સન હુઆંગે Nvidiaના કર્મચારીઓને મોકલેલા સંદેશમાં પત્ની લોરી હુઆંગ સાથે બેવફાઈ કરી હોવાની કબૂલાત કરી હતી. તેમણે પોતાના પરિવાર અને કંપનીના કર્મચારીઓની માફી માગી હતી. હુઆંગે સંદેશમાં લખ્યું હતું કે, તેમણે પોતાની પત્નીને દગો આપ્યો છે. તેમના આ પગલાથી પત્ની અને બાળકોને દુઃખ પહોંચ્યું છે અને પોતાની ભૂલ માટે તેમની પાસે કોઈ બહાનું નથી. તેમણે કહ્યું હતું કે તેઓ આ માટે ખૂબ જ માફી માગે છે. તેમણે કંપનીના કર્મચારીઓનો વિશ્વાસ જાળવવાની પોતાની જવાબદારીમાં પણ ખામી રહી હોવાનું સ્વીકાર્યું હતું. આ કબૂલાત બાદ તેમના 41 વર્ષ જૂના લગ્નજીવન અને સંભવિત છૂટાછેડાની ચર્ચા પણ શરૂ થઈ હતી.