સત્ય. સાહસ. સંકલ્પ.

ચીની મહિલા સાથે સંબંધના અહેવાલ બાદ Nvidia CEO જેન્સન હુઆંગની સંપત્તિમાં ₹63 હજાર કરોડનો ઘટાડો

ચીની મહિલા સાથે સંબંધના અહેવાલ બાદ Nvidia CEO જેન્સન હુઆંગની સંપત્તિમાં ₹63 હજાર કરોડનો ઘટાડો

એનવિડિયાના CEO જેન્સન હુઆંગની સંપત્તિમાં તાજેતરમાં મોટો ઘટાડો નોંધાયો છે. ચીની મહિલા સાથે સંબંધ હોવાના અહેવાલો બાદ ફોર્બ્સની સંપત્તિ યાદીમાં તેઓ એક સ્થાન નીચે સરકીને 10મા ક્રમે પહોંચી ગયા છે. તેમની નેટવર્થ 6.80 બિલિયન ડૉલર ઘટીને 155.4 બિલિયન ડૉલર થઈ ગઈ છે, જે ભારતીય રૂપિયામાં આશરે ₹63 હજાર કરોડના ઘટાડા સાથે ₹14.32 લાખ કરોડ થાય છે.

આ ઘટાડો મુખ્યત્વે કંપનીના શેરોમાં આવેલા વેચવાલી દબાણને કારણે થયો છે. એનવિડિયાનો શેર 7.97 ડૉલર એટલે કે 4.27% ઘટીને 178.67 ડૉલર પર બંધ થયો હતો. કારોબાર દરમિયાન તે 8%થી વધુ ઘટીને લગભગ 170 ડૉલર સુધી પહોંચ્યો હતો, પરંતુ પછી તેમાં થોડી રિકવરી જોવા મળી હતી. હુઆંગની સંપત્તિનો મોટો હિસ્સો એનવિડિયામાં તેમના 3.5%થી વધુ શેરની હિસ્સેદારીમાં રહેલો છે. તેઓ કંપનીના સૌથી મોટા વ્યક્તિગત શેરધારક છે.

ચીની મહિલા એક્ઝિક્યુટિવ સાથે સંબંધ હોવાનો આરોપ સામે આવ્યો છે. સંબંધોની ચર્ચામાં આવેલી મહિલાનું નામ એલિસ હુઆંગ છે. અમેરિકી ગુપ્તચર એજન્સીઓને શંકા છે કે તેઓ ચીનના ગુપ્તચર વિભાગ માટે કામ કરતાં હતાં. જેન્સન હુઆંગે રવિવારે એનવિડિયાના કર્મચારીઓને મોકલેલા આંતરિક સંદેશમાં સ્વીકાર્યું કે તેઓ પોતાની પત્ની પ્રત્યે વફાદાર રહી શક્યા નહોતા. તેમણે લખ્યું, “મારા આ પગલાથી મારી પત્ની અને બાળકોને ઊંડો આઘાત લાગ્યો છે. મને તેનો અફસોસ છે. તમારી સૌની વિશ્વસનીયતા જાળવવાની મારી જવાબદારી હતી, પરંતુ હું તેમાં નિષ્ફળ રહ્યો.” જોકે, આ સંદેશમાં તેમણે એલિસ હુઆંગનું નામ લીધું નહોતું.

એલિસ હુઆંગ ચીનનાં નાગરિક છે અને સિંગાપોરની ડેટા સેન્ટર કંપની 'મેગાસ્પીડ'માં સિનિયર એક્ઝિક્યુટિવ તરીકે કામ કરી ચૂક્યાં છે. અહેવાલો અનુસાર, ટેક અને ડેટા સેન્ટર ક્ષેત્રમાં આવતાં પહેલાં તેઓ ટીવી રિપોર્ટર હતાં. તેમના અંગત જીવન વિશે વધુ માહિતી ઉપલબ્ધ નથી. જૂન 2024માં તાઈપેઈની એક બારમાં બંનેને સાથે જોવા મળ્યાં હતાં, જ્યાં તેઓ અન્ય ટેક એક્ઝિક્યુટિવ્સ સાથે હાજર હતા. મે 2025માં તાઈપેઈમાં AI સપ્લાયર્સના ડિનર બાદ એલિસ હુઆંગ જેન્સન હુઆંગની પાછળ ઊભેલાં જોવા મળ્યાં હતાં, જ્યારે તેઓ મીડિયાકર્મીઓ સાથે વાત કરી રહ્યા હતા.

સિંગાપોર સ્થિત મેગાસ્પીડે 2024 પછીથી એનવિડિયા પાસેથી આશરે 4.8 બિલિયન ડૉલર એટલે કે લગભગ ₹45 હજાર કરોડના અદ્યતન AI પ્રોસેસર્સ અને ચિપ્સ ખરીદ્યા છે. મેગાસ્પીડ દક્ષિણ-પૂર્વ એશિયામાં એનવિડિયાના સૌથી મોટા ગ્રાહકોમાંની એક બની ગઈ છે. આ દરમિયાન એલિસે ટેક કૉન્ફરન્સ અને ખાનગી ડિનર દ્વારા હુઆંગ સાથે નજીકનો સંપર્ક જાળવી રાખ્યો હોવાનું કહેવાય છે. અમેરિકી ગુપ્તચર એજન્સીઓએ એલિસને એક વર્ષ સુધી ટ્રૅક કરીને જાણવા મળ્યું કે તેઓ હુઆંગ સાથે જોડાયેલી માહિતી અને એનવિડિયાની આંતરિક વ્યૂહરચનાઓ બેઇજિંગ સુધી પહોંચાડી રહ્યાં હતાં.

આ સમગ્ર જાસૂસી પાછળ ચીનનો મુખ્ય હેતુ અમેરિકા દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધો છતાં એનવિડિયાની શક્તિશાળી AI ચિપ્સ સુધી પોતાની પહોંચ જાળવી રાખવાનો હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. આક્ષેપ છે કે મેગાસ્પીડે ડેટા સેન્ટર બનાવીને અલીબાબા જેવી ચીની કંપનીઓને કમ્પ્યુટિંગ પાવર ભાડે આપી, જેથી તેઓ પ્રતિબંધો હોવા છતાં આ ચિપ્સનો ઉપયોગ કરી શકે. આ ઉપરાંત, તેમના સંબંધો ચીનની સૈન્ય ટેક્નોલોજી સાથે પણ જોડાયેલા હોવાનું જાણવા મળ્યું છે.

એનવિડિયાના બોર્ડે સ્વતંત્ર તપાસ શરૂ કરી છે, જેથી જાણી શકાય કે કંપનીની કોઈ સંવેદનશીલ અથવા રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલી માહિતી લીક થઈ છે કે નહીં. હાલમાં બોર્ડને એવો કોઈ પુરાવો મળ્યો નથી કે કંપનીની ગુપ્ત માહિતી લીક થઈ હોય. જેન્સન હુઆંગ CEO તરીકે યથાવત્ રહેશે.