દુનિયાની સૌથી મોટી ટેક કંપનીઓમાંની એક એવી Nvidiaના CEO જેન્સન હુઆંગ હાલમાં ચર્ચામાં છે. આ વખતે કારણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નથી, પરંતુ તેમનું અંગત જીવન છે. 63 વર્ષીય જેન્સન હુઆંગે પોતાની પત્ની સાથે બેવફાઈ કરી હોવાની કબૂલાત કરી છે અને પરિવાર તથા કંપનીના કર્મચારીઓની માફી માંગી છે.
જેન્સન હુઆંગે 8 નવેમ્બરે Nvidiaના કર્મચારીઓને ઈમેલ મોકલ્યો હતો. તેમાં તેમણે લખ્યું કે તેમણે પત્ની સાથે બેવફાઈ કરી છે, જેનાથી પત્ની અને બાળકોને દુઃખ પહોંચ્યું છે. પોતાની ભૂલ માટે કોઈ બહાનું ન હોવાનું જણાવી તેમણે પરિવારની માફી માંગી હતી. કર્મચારીઓને પણ તેમણે સંબોધ્યા હતા.
આ ઘટના પછી તેમના 41 વર્ષ જૂના લગ્નજીવન અને સંભવિત છૂટાછેડાની ચર્ચા શરૂ થઈ છે. જોકે, દંપતી છૂટાછેડા લેવાનું વિચારી રહ્યું હોવાના હાલમાં કોઈ સંકેત નથી. નીચેની ગણતરી માત્ર કેલિફોર્નિયાના કાયદાઓના આધારે કરવામાં આવેલું અનુમાન છે.
80 અબજ ડોલરની ગણતરી કેવી રીતે થાય?
જેન્સન હુઆંગની અંદાજિત કુલ સંપત્તિ 155 અબજ ડોલર એટલે કે આશરે 14.72 લાખ કરોડ રૂપિયા છે. કેલિફોર્નિયાના કોમ્યુનિટી પ્રોપર્ટી કાયદા હેઠળ લગ્નજીવન દરમિયાન એકત્ર થયેલી સંપત્તિને સામાન્ય રીતે પતિ-પત્નીની સંયુક્ત સંપત્તિ ગણવામાં આવે છે. છૂટાછેડા થાય તો આ સંપત્તિ બંને વચ્ચે સરખે ભાગે વહેંચવાની જોગવાઈ છે. કેલિફોર્નિયા ફેમિલી કોડની કલમ 760 આ અંગેની જોગવાઈ કરે છે.
જોકે, લગ્ન પહેલાં કરવામાં આવેલા કરાર (પ્રિનપ્શિયલ એગ્રીમેન્ટ)ની શરતો અલગ હોઈ શકે છે. જેન્સન અને લોરી હુઆંગે 1985માં લગ્ન કર્યા હતા, ત્યારે બંને યુનિવર્સિટી ઓફ ઓરેગોનમાં અભ્યાસ કરતા હતા. લગ્નનાં આઠ વર્ષ બાદ 1993માં જેન્સને ક્રિસ માલાચોવસ્કી અને કર્ટિસ પ્રીમ સાથે મળીને કેલિફોર્નિયાના સનીવેલમાં Nvidiaની સ્થાપના કરી હતી.
આ સમયગાળો મહત્ત્વનો છે, કારણ કે Nvidiaની સ્થાપના તેમના લગ્નનાં આઠ વર્ષ બાદ થઈ હતી. કંપનીની સ્થાપના અને તેના વિકાસ સાથે જેન્સનની સંપત્તિમાં પણ મોટો વધારો થયો છે. પરંતુ તેમની સમગ્ર 155 અબજ ડોલરની સંપત્તિ આપમેળે સંયુક્ત સંપત્તિ ગણાય તે જરૂરી નથી.
જેન્સન હુઆંગની સંપત્તિમાં Nvidiaના શેરનો મોટો હિસ્સો છે. આથી સંભવિત છૂટાછેડાની સ્થિતિમાં માત્ર રોકડ રકમ નહીં, પરંતુ શેર અને અન્ય રોકાણોની માલિકી પણ મહત્ત્વની બનશે. કેલિફોર્નિયાના કાયદા હેઠળ લગ્ન પહેલાંની સંપત્તિ, વ્યક્તિગત રીતે મળેલી ભેટ અને વારસામાં મળેલી સંપત્તિને અલગ સંપત્તિ ગણી શકાય છે. આથી Nvidiaના શેર, તેમના મૂલ્યમાં થયેલો વધારો અને અન્ય રોકાણોની કાયદાકીય સ્થિતિ નક્કી કરવી પડશે.
જેન્સન અને લોરી હુઆંગે લગ્ન પહેલાં કરાર કર્યો હતો કે નહીં તેની કોઈ જાહેર પુષ્ટિ નથી. જો આવો કરાર ન થયો હોય તો લોરી હુઆંગ સંયુક્ત સંપત્તિમાંથી અડધા હિસ્સા માટે હકદાર બની શકે છે. આ જ કારણથી 80 અબજ ડોલર એટલે કે 7.6 લાખ કરોડ રૂપિયાથી વધુના સંભવિત સમાધાનની ચર્ચા થઈ રહી છે. જો એવું બને તો આ રકમ જેફ બેઝોસના છૂટાછેડાના રેકોર્ડને પણ પાછળ રાખી શકે છે.