ચિપ ઉત્પાદક કંપની Nvidiaના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ CEO જેન્સન હુઆંગને હટાવવાની તૈયારીમાં છે. વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ, હુઆંગ પર બે લગ્નેતર સંબંધો હોવાનો આરોપ છે, જેમાંથી એક કથિત રીતે ચીની જાસૂસ સાથે હોવાનું કહેવાય છે. બોર્ડ ટૂંક સમયમાં તેમના ભવિષ્ય અંગે નિર્ણય લેવા માટે બેઠક યોજી શકે છે.
જો હુઆંગ કંપની છોડે છે, તો લગભગ 4 ટ્રિલિયન ડોલરની આ ચિપ ઉત્પાદક કંપનીમાં નેતૃત્વ સંકટ સર્જાઈ શકે છે. હુઆંગે 1993માં કંપનીની સહ-સ્થાપના કરી હતી અને ત્રણ દાયકામાં તેને AI ચિપ્સના સૌથી મોટા સપ્લાયરમાં પરિવર્તિત કરી છે. આજે કંપની AI ક્રાંતિ અને અમેરિકા-ચીન ટેક હરીફાઈના કેન્દ્રમાં છે.
આ સમાચાર પછી આફ્ટર-અવર્સ ટ્રેડિંગમાં કંપનીના શેર લગભગ 8 ટકા ઘટ્યા છે. બોર્ડે તપાસની જાહેરાત કરી ત્યારથી આ અઠવાડિયે Nvidiaની માર્કેટ વેલ્યૂ આશરે 600 બિલિયન ડોલર ઘટી ગઈ છે.
ડી.એ. ડેવિડસનના ટેકનોલોજી રિસર્ચના વડા ગિલ લુરિયાએ જણાવ્યું હતું કે, "હુઆંગને તાત્કાલિક હટાવવા Nvidia માટે મુશ્કેલ બની શકે છે કારણ કે તેમની પાસે ઉત્તરાધિકાર યોજના નથી. જો હુઆંગે કાયદો તોડ્યો હોય અથવા કંપનીની નીતિઓનું ઉલ્લંઘન કર્યું હોય તો બોર્ડ પુરાવા મળતાં જ કાર્યવાહી કરી શકે છે."
ન્યૂયોર્ક ટાઇમ્સના અહેવાલ મુજબ, હુઆંગનો સંબંધ કંપનીના હેલ્થકેર વિભાગના ઉપાધ્યક્ષ કિમ્બર્લી પોવેલ સાથે હતો, જે સીધા તેમના હેઠળ કામ કરતાં હતાં. કંપનીના પાંચ કર્મચારીઓએ આ સંબંધ હોવાનું જણાવ્યું હતું. અહેવાલ મુજબ, બુધવારે ફોન પર પોવેલ સાથેના સંબંધો વિશે પૂછવામાં આવતાં હુઆંગે કહ્યું, "મને નથી લાગતું કે તમારે મારી સાથે સીધી વાત કરવી જોઈએ." ત્યારપછી તેમણે ફોન કાપી નાખ્યો હતો.
Nvidia ઝડપથી વિકસતા AI બજારમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેથી હુઆંગના નેતૃત્વને લગતા પ્રશ્નો માત્ર CEO તરીકેના તેમના પદ સુધી મર્યાદિત નથી. જો તેમની સ્થિતિમાં કોઈ ફેરફાર થાય છે તો કંપનીને નોંધપાત્ર પડકારોનો સામનો કરવો પડશે.