સત્ય. સાહસ. સંકલ્પ.

AI દુનિયા ખતમ કરશે? એનવિડિયાના CEO જેન્સન હુઆંગે કહ્યું- આવી ચેતવણી 0% સાચી

AI દુનિયા ખતમ કરશે? એનવિડિયાના CEO જેન્સન હુઆંગે કહ્યું- આવી ચેતવણી 0% સાચી

AIના કારણે 2030 સુધીમાં માનવ સભ્યતા ખતમ થઈ જશે તેવી ચેતવણીઓને ચિપ કંપની એનવિડિયાના સ્થાપક જેન્સન હુઆંગે ફગાવી દીધી છે. તેમણે કહ્યું કે આવું થવાની શક્યતા લગભગ શૂન્ય છે. હુઆંગે આ દાવાઓને 'ડૂમ્સડે નેરેટિવ' એટલે કે વિનાશની વાતો ગણાવી અને લોકોને અપીલ કરી કે તેઓ આવા ભય કે ગભરાટમાં ન આવે.

થોડા દિવસો પહેલાં એન્થ્રોપિક અને ગૂગલ ડીપમાઇન્ડમાં કામ કરતા બે સંશોધકોએ કહ્યું હતું કે AI જે ઝડપથી વિકસી રહ્યું છે તે જોતાં માનવ સભ્યતા ખતમ થઈ શકે છે. ઓપનએઆઈ, xAI અને એન્થ્રોપિકના સેમ ઓલ્ટમેન, એલોન મસ્ક અને ડારિયો અમોડેઇએ પણ આ વાતને ટેકો આપ્યો હતો.

હુઆંગે કહ્યું કે આવી ચેતવણીઓ વિજ્ઞાન પર આધારિત નથી. તેમણે જણાવ્યું કે એનવિડિયાનું લક્ષ્ય ઉદ્યોગમાં જવાબદારીપૂર્વક પ્રોડક્ટ બનાવવાનું અને લોકોને AI પ્રત્યે જાગૃત કરવાનું છે, સમાજમાં બિનજરૂરી ભય ફેલાવવાનું નહીં.

તેમણે આરોપ મૂક્યો કે આ વિનાશકારી નેરેટિવની આડમાં કેટલાક લોકો હાલના કાયદાઓમાંથી છૂટ મેળવવા માગે છે. જો તમે નિવેદનો પાછળનો અર્થ સમજો, તો તેઓ નવા કડક નિયમોની માગ કરી રહ્યા નથી, પરંતુ પહેલેથી અમલમાં રહેલા કાયદાઓમાંથી રાહત માગી રહ્યા છે. આ એક સમસ્યા છે.

જેન્સન હુઆંગની જેમ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ AIથી ઊભા થતા જોખમની વાતોને 'અફવા' ગણાવી હતી. હવે ટેક જગત બે જૂથોમાં વહેંચાતું દેખાઈ રહ્યું છે. એક તરફ એલોન મસ્ક અને સેમ ઓલ્ટમેન જેવા દિગ્ગજો AIની ઝડપ વધારવાની વકાલત કરી રહ્યા છે, જ્યારે બીજી તરફ હુઆંગ જેવા નેતાઓનું માનવું છે કે આ જોખમને કારણ વિના વધારી-ચઢાવીને રજૂ કરવામાં આવી રહ્યું છે.

એનવિડિયા એવી અત્યંત શક્તિશાળી કમ્પ્યુટર ચિપ્સ બનાવે છે, જે AI મોડલ ચલાવવા અને તેમને તાલીમ આપવા માટે ખૂબ જરૂરી છે. ઓપનએઆઈ અને અન્ય ટેક કંપનીઓ દ્વારા બનાવવામાં આવેલા મોટા ભાષા મોડલ અને AI એજન્ટ એનવિડિયાની આ ચિપ્સની મદદથી કામ કરે છે. તેથી AI ઉદ્યોગમાં એનવિડિયાની ભૂમિકા મહત્વપૂર્ણ ગણાય છે.

AIની દુનિયામાં શું ચાલી રહ્યું છે અને તેની આપણી જિંદગી પર શું અસર પડશે, તે ચાર સવાલો દ્વારા સમજીએ.

સવાલ-1: 'AI આપણા બધાને મારી શકે છે' આ દાવાનો અર્થ શું છે?
જવાબ: તેનો અર્થ એ નથી કે AI સીધું મનુષ્યોને મારી નાખશે. ચિંતા એ વાતની છે કે ભવિષ્યમાં AI એટલું શક્તિશાળી બની જાય કે તે મનુષ્યોના નિયંત્રણની બહાર નીકળી જાય અને માનવ સભ્યતા માટે મોટો ખતરો બની જાય. એન્થ્રોપિકના સંશોધક જેકબ કોક્સને 9 સપ્ટેમ્બરે રાજીનામું આપતાં ચેતવણી આપી હતી કે AI ભવિષ્યમાં મનુષ્યો માટે મોટો ખતરો બની શકે છે. આ પહેલાં 1 નવેમ્બર 2023ના રોજ ભારત સહિત 28 દેશો અને યુરોપિયન સંઘે પણ માન્યું હતું કે અત્યંત શક્તિશાળી AI નિયંત્રણની બહાર જાય તો માનવ સભ્યતાના અસ્તિત્વ પર સંકટ આવી શકે છે.

સવાલ-2: AIની દુનિયામાં એવું શું ચાલી રહ્યું છે, જેના કારણે બધા ડરી ગયા છે?
જવાબ: આવી આશંકાઓ પાછળ બે મોટા આધાર છે. પહેલો, AI હવે સુપર ઇન્ટેલિજન્ટ બની રહ્યું છે. AIને માણસોએ બનાવ્યું અને તેઓ જ તેમાં સુધારા કરતા રહ્યા. પરંતુ હવે AI પોતાને સતત વધુ સારું બનાવવામાં લાગી ગયું છે. તે પોતાની ખામીઓ શોધે છે અને તેમાં સુધારો કરે છે. એટલે કે, માણસોની જરૂરિયાત ઘટતી જઈ રહી છે. નવા AI મોડલ પોતાની વિચારપ્રક્રિયા અને તર્કને છુપાવવામાં વધુ સારા બની રહ્યા છે. આ કારણે તેમના પર નજર રાખવી મુશ્કેલ બનતી જઈ રહી છે. પહેલાં AIને પ્રશ્ન પૂછો તો તે જવાબ આપતું હતું. પરંતુ હવે AI એજન્ટને કહી શકાય છે કે આ સમસ્યાનો ઉકેલ લાવો. તે પોતે ઇન્ટરનેટ અને કમ્પ્યુટર ટૂલ્સનો ઉપયોગ કરે છે, નિર્ણયો લે છે અને સમસ્યાનો ઉકેલ લાવે છે. ભલે તેમાં કલાકો લાગી જાય. તાજેતરમાં 10,000 AI એજન્ટોએ 90 વર્ષ જૂની નેવિયર-સ્ટોક્સ ગણિતની સમસ્યાનો ઉકેલ માત્ર 88 કલાકમાં લાવી દીધો.

બીજો આધાર એ છે કે AI હવે માણસોને ચકમો આપવા લાગ્યું છે. ઓપનએઆઈ અનુસાર, જુલાઈ 2026માં પરીક્ષણ દરમિયાન તેના બે AI મોડલ જાણી જોઈને ટેસ્ટિંગમાંથી બહાર નીકળી ગયા અને ચોરાયેલી લોગિન વિગતોનો ઉપયોગ કરીને AI કંપની હગિંગ ફેસના સર્વર સુધી પહોંચી ગયા. એ પણ કોઈ માનવીય હસ્તક્ષેપ વિના. એન્થ્રોપિકના પરીક્ષણમાં મોડલ ક્લોડ ઓપસ 4એ પોતાને બંધ થવાથી બચાવવા માટે એક અધિકારીના ખાનગી અફેરની માહિતી લીક કરવાની ધમકી આપી. આ પરીક્ષણ ઓપનએઆઈ, ગૂગલ, મેટા સહિતના 16 મોટા મોડલ પર ફરીથી કરવામાં આવ્યું અને મોટાભાગના મોડલે તક મળતાં આવું જ વર્તન દર્શાવ્યું.