સત્ય. સાહસ. સંકલ્પ.

એનવિડિયાના CEO જેન્સન હુઆંગ પર ચીની મહિલા સાથે સંબંધનો આરોપ, શેરમાં 22% ઘટાડો

એનવિડિયાના CEO જેન્સન હુઆંગ પર ચીની મહિલા સાથે સંબંધનો આરોપ, શેરમાં 22% ઘટાડો

નવી દિલ્હી: એનવિડિયાના સહ-સ્થાપક અને CEO જેન્સન હુઆંગે ચીની મહિલા ઉદ્યોગપતિ સાથે અફેર હોવાની કબૂલાત કર્યા બાદ કંપનીના શેરમાં એક જ દિવસમાં 5%થી વધુનો ઘટાડો થયો છે. 9 નવેમ્બરે વોલ સ્ટ્રીટ ખુલતાની સાથે જ AI ચિપ બનાવતી વિશ્વની સૌથી મોટી કંપની એનવિડિયાનો શેર ઘટીને 172.37 ડૉલરના કેટલાય મહિનાના નીચલા સ્તરે પહોંચી ગયો.

છેલ્લા એક મહિનાની વાત કરીએ તો કંપનીના શેરમાં 22%થી વધુનો ઘટાડો થયો છે. આ દરમિયાન દરેક શેરની કિંમતમાં $56.91નો ઘટાડો થયો છે. 9 ઑક્ટોબરે તેની કિંમત 229.28 ડૉલર હતી. રોકાણકારોમાં કંપનીના નેતૃત્વ અને ભવિષ્યને લઈને અનિશ્ચિતતા ઊભી થતાં શેરો પર વેચવાલીનું દબાણ છે. દરમિયાન, એનવિડિયાના બોર્ડે આ મામલે તપાસ શરૂ કરી છે.

તાઈવાનમાં ડિનર દરમિયાન એન્વિડિયાના CEO જેન્સન હુઆંગ અને ચીનની મહિલા એલિસ હુઆંગ. આ મુલાકાત મે 2025માં થઈ હતી. સ્થાનિક મીડિયાએ આ વીડિયો કેપ્ચર કર્યો હતો. એન્વિડિયાના CEO જેન્સન હુઆંગ સાથે ઊભેલી મહિલા એલિસ હુઆંગ હોવાનું જણાવાઈ રહ્યું છે.

એનવીડિયાના બોર્ડે મામલાની તપાસ માટે સ્વતંત્ર વકીલોની એક સમિતિ બનાવી છે. કંપનીનું કહેવું છે કે સુરક્ષા અથવા ડેટા લીક થવાનો કોઈ સંકેત મળ્યો નથી, તેમ છતાં સંપૂર્ણ સત્ય જાણવા માટે તપાસ કરવામાં આવી રહી છે. હુઆંગ સંપૂર્ણ સહયોગ આપી રહ્યા છે અને તેઓ પદ પર યથાવત્ રહેશે.

એનવીડિયાના સીઈઓ જેન્સન હુઆંગે કર્મચારીઓને પત્ર મોકલીને પોતાની પત્ની સાથે બેવફાઈ કરવાની વાત કબૂલી અને પોતાના પરિવાર તથા કર્મચારીઓની માફી માંગી. તેમણે લખ્યું, 'કંપની સંભાળવી મારા જીવનની સૌથી મોટી વાત રહી છે. તમારી અપેક્ષાઓ અને વિશ્વાસ પર ખરા ઉતરવું મારી જવાબદારી હતી, પરંતુ મારાથી ભૂલ થઈ ગઈ.'

આ સંબંધનો ખુલાસો 29 ઑક્ટોબરે ન્યૂયોર્ક ટાઇમ્સના એક અહેવાલમાં થયો હતો. તેમાં જણાવવામાં આવ્યું હતું કે જેન્સન હુઆંગના સંબંધો સિંગાપોર સ્થિત ડેટા સેન્ટર કંપની મેગાસ્પીડ સાથે જોડાયેલી ચીની નાગરિક અને બિઝનેસ એક્ઝિક્યુટિવ એલિસ હુઆંગ સાથે ખૂબ જ ગાઢ બની ગયા હતા.

અમેરિકન ગુપ્તચર એજન્સીઓને શંકા છે કે આ મહિલા ચીન માટે જાસૂસી કરી રહી હતી. આરોપ છે કે તેણે હુઆંગ સાથે નિકટતા વધારીને કંપની અને તેના કારોબાર સાથે જોડાયેલી મહત્વપૂર્ણ માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો.

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગુઓ જિયાકુને આ આરોપોને ફગાવી દેતાં કહ્યું, 'ચીની જાસૂસ હોવાના દાવા સંપૂર્ણપણે પાયાવિહીન છે અને આ ચીનને બદનામ કરવાના કાવતરાથી વધુ કંઈ નથી.'

ધ ન્યૂયોર્ક ટાઇમ્સ અનુસાર, જેન્સન હુઆંગ અને એલિસ હુઆંગ પહેલીવાર જૂન 2024માં તાઇવાનની રાજધાની તાઇપેમાં એક પાર્ટી દરમિયાન સાથે જોવા મળ્યાં હતાં. આ પાર્ટી ટેક્નોલોજી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે રાખવામાં આવી હતી. એલિસ ત્યાં સિંગાપોરની કંપની મેગાસ્પીડના અધિકારી તરીકે હાજર રહ્યાં હતાં. જેન્સન હુઆંગ તાઇપેની એક પાર્ટીમાં સામેલ થયા હતા. અહીં તેઓ મેગાસ્પીડની એક્ઝિક્યુટિવ એલિસ હુઆંગ (લાલ વર્તુળમાં) સાથે જોવા મળ્યા હતા. ફોટો- જૂન 2024.

લગભગ એક વર્ષ બાદ બંનેને તાઇપેની એક રેસ્ટોરન્ટમાં અન્ય ઉદ્યોગપતિઓ સાથે ડિનર કરતાં જોવા મળ્યાં હતાં. તાઈવાનની એક રેસ્ટોરન્ટમાં જેન્સન હુઆંગ (ડાબી બાજુ, પીઠ કેમેરા તરફ) અને ચીની ઉદ્યોગપતિ એલિસ હુઆંગ (જમણી બાજુ). ફોટો- 22 મે 2025.

એલિસની ઑનલાઇન પ્રોફાઇલ મુજબ, તેમણે ચીનમાં ટીવી રિપોર્ટર તરીકે કામ કર્યું હતું. તેમની પ્રોફાઇલમાં HSBC, CCTV અને હુનાન ટીવી જેવી સંસ્થાઓનો પણ ઉલ્લેખ હતો. જોકે, આ માહિતીની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી. બાદમાં તેઓ શાંઘાઈના એક રોકાણ ફંડ સાથે જોડાયાં. આ ફંડના સંબંધો ચીનની અનેક ટેક્નોલોજી કંપનીઓ અને રોકાણકારો સાથે હોવાનું કહેવાય છે. ત્યારબાદ એલિસ સિંગાપોરની ડેટા સેન્ટર કંપની મેગાસ્પીડ ઇન્ટરનેશનલમાં વરિષ્ઠ અધિકારી બની ગઈ. આ કંપની દક્ષિણપૂર્વ એશિયામાં ડેટા સેન્ટર ચલાવે છે અને અન્ય કંપનીઓને કમ્પ્યુટિંગ ક્ષમતા ભાડે આપે છે. આ ક્ષમતાનો ઉપયોગ મોટા પ્રમાણમાં ડેટા પ્રોસેસ કરવા અને AI સિસ્ટમ ચલાવવા માટે થાય છે.

એલિસ હુઆંગ (હુઆંગ લે)એ પોતાના વીચેટ અકાઉન્ટ પર આ તસવીરો શેર કરી હતી. એવું લાગે છે કે તે જેન્સન હુઆંગ સાથેના પોતાના નજીકના સંબંધને દર્શાવવા માંગતી હતી અને લોકોને જણાવવા માંગતી હતી કે બંને વચ્ચે ખાસ સંબંધ છે.