સત્ય. સાહસ. સંકલ્પ.

બાલીમાં નુસરત ભરુચાને ઈજા, હોસ્પિટલમાં દાખલ; કામના સંબંધે ગઈ હતી એક્ટ્રેસ

બાલીમાં નુસરત ભરુચાને ઈજા, હોસ્પિટલમાં દાખલ; કામના સંબંધે ગઈ હતી એક્ટ્રેસ

બોલિવૂડ અભિનેત્રી નુસરત ભરુચા ઈન્ડોનેશિયાના બાલીમાં અકસ્માતનો ભોગ બની છે. આ અકસ્માતમાં તેને ઈજા થતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હોવાનું એનડીટીવીએ સૂત્રોના હવાલાથી જણાવ્યું છે.

નુસરત કામના સંબંધમાં બાલી ગઈ હતી. ત્યાં અકસ્માત થયો. જોકે, તેની ઈજા કેટલી ગંભીર છે તે અંગેની સત્તાવાર માહિતી હજુ સામે આવી નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, સારવારના કારણે તેને બાલીમાં પોતાનું રોકાણ વધારવું પડ્યું છે.

અકસ્માતના લગભગ એક અઠવાડિયા પહેલાં નુસરતે સોશિયલ મીડિયા પર રજાઓની કેટલીક તસવીરો શેર કરી હતી. તસવીરો સાથે તેણે લખ્યું હતું, “રજાઓ માણવાનું મન થાય છે! હવે ક્યાં જાઉં?”

ટાઇગર શ્રોફની આગામી ફિલ્મની કાસ્ટમાં નુસરત સામેલ થવાની ચર્ચા છે. આ ટાઇગર અને નુસરતની પહેલી ઑન-સ્ક્રીન જોડી હશે. એક સૂત્રએ પિંકવિલાને જણાવ્યું, “ટીમને એવી એક્ટ્રેસ જોઈતી હતી, જે વાર્તામાં મજબૂતી અને ભાવનાત્મક ઊંડાણ લાવી શકે. નુસરત હંમેશાં સૌથી મજબૂત વિકલ્પોમાંની એક રહી છે.” ફિલ્મમાં પશ્મિના રોશન, અભિષેક બેનર્જી અને એલ્વિશ યાદવ પણ મહત્વની ભૂમિકામાં છે. નુસરત છેલ્લે ફિલ્મ ‘ઉફ્ફ યે સિયાપા’માં જોવા મળી હતી.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2023માં નુસરત ભરુચા શૂટિંગ દરમિયાન ઘાયલ થવાની બે ઘટનાઓ સામે આવી હતી. એપ્રિલ 2023માં ફિલ્મ ‘અકેલી’ના શૂટિંગ દરમિયાન તે અકસ્માતનો ભોગ બની હતી. એક સીનમાં તેને દોડવાનું હતું. આ દરમિયાન તે આરસના ફ્લોર પર પડી ગઈ હતી. અકસ્માત બાદ તે લગભગ અડધો કલાક દુખાવાથી રડતી રહી હતી. ડૉક્ટરોએ તપાસ કર્યા બાદ તેને થોડા દિવસ આરામ કરવાની સલાહ આપી હતી.

વળી, જાન્યુઆરી 2023માં ફિલ્મ ‘છોરી 2’ના શૂટિંગ દરમિયાન એક્શન સીન કરતી વખતે તેના ચહેરા પર ઈજા થઈ હતી. ઈજા એટલી ગંભીર હતી કે તેને ચહેરા પાસે ટાંકા લેવા પડ્યા હતા. આ પછી તેનો એક વીડિયો પણ સામે આવ્યો હતો, જેમાં તે ટાંકા લેવડાવતાં જોવા મળી હતી. ફિલ્મ ‘છોરી-2’ના શૂટિંગ દરમિયાન નુસરત ભરુચાને ઈજા થઈ હોવાની માહિતી તેની મિત્રએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આપી હતી.

આ પહેલાં ઓગસ્ટ 2021માં નુસરતની શૂટિંગ દરમિયાન અચાનક તબિયત લથડી ગઈ હતી. તે લવ રંજનની ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી. લગભગ 23-24 દિવસથી સતત કામ કરવાને કારણે તે ખૂબ થાકી ગઈ હતી. ઘટના બની તે દિવસે તેને ભારે ચક્કર આવ્યા અને તે યોગ્ય રીતે ઊભી પણ રહી શકતી નહોતી કે વાત પણ કરી શકતી નહોતી. ત્યારબાદ તેને મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ત્યાં તેનું બ્લડ પ્રેશર 65/55 સુધી ઘટી ગયું હતું. ડૉક્ટરોએ તપાસ કર્યા બાદ તેને ગંભીર વર્ટિગો એટેક ગણાવ્યો હતો. તેનું કારણ વધુ પડતો તણાવ અને થાક હોવાનું જણાવાયું હતું. સારવાર બાદ તેને ઘરે મોકલી દેવામાં આવી હતી. ડૉક્ટરોએ 15 દિવસ આરામ કરવાની સલાહ આપી હતી. તેના કારણે ફિલ્મનું શૂટિંગ પણ રોકી દેવામાં આવ્યું હતું.

નુસરત ભરુચા ગયા વર્ષે ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરે પહોંચી હતી. તેણે મહાકાલનાં દર્શન કર્યા અને ભસ્મ આરતીમાં પણ ભાગ લીધો હતો. નુસરતે મંદિરની પોતાની તસવીર પણ શેર કરી હતી અને લખ્યું હતું, ‘જય શ્રી મહાકાલ.’

આ પછી ઓલ ઈન્ડિયા મુસ્લિમ જમાતના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના મુફ્તી શહાબુદ્દીન રઝવી બરેલવીએ તેના મંદિર જવા અને હિંદુ રીતરિવાજોનું પાલન કરવા પર કડક વાંધો વ્યક્ત કર્યો હતો. તેમણે તેને શરિયા કાયદા વિરુદ્ધ ગણાવીને ‘ગુનાહ-એ-અઝીમ’ (મોટું પાપ) કહ્યું હતું અને નુસરતને તૌબા (માફી) કરવા તથા કલમા પઢવાની સલાહ આપી હતી. મૌલાના શહાબુદ્દીન રઝવી બરેલવી સુન્ની સૂફી સંગઠન ઑલ ઈન્ડિયા મુસ્લિમ જમાતના રાષ્ટ્રીય અધ્યક્ષ છે.

નુસરત મુસ્લિમ બોહરા પરિવાર સાથે સંબંધ ધરાવે છે. જોકે, તેણે જણાવ્યું હતું કે તેનો પરિવાર બાળપણથી જ તમામ ધર્મોનું સન્માન કરતો આવ્યો છે. નુસરત મુજબ, તે મંદિરો ઉપરાંત ગુરુદ્વારા અને ચર્ચમાં પણ જતી રહે છે. તેણે વૈષ્ણો દેવી અને કેદારનાથનાં દર્શન પણ કર્યા છે. સાથે જ તે નમાજ પણ પઢે છે.