સત્ય. સાહસ. સંકલ્પ.

બાલીમાં અકસ્માત બાદ નુસરત ભરુચાના કરોડરજ્જુમાં ફ્રેક્ચર, એર એમ્બ્યુલન્સથી મુંબઈ લાવીને સર્જરી

બાલીમાં અકસ્માત બાદ નુસરત ભરુચાના કરોડરજ્જુમાં ફ્રેક્ચર, એર એમ્બ્યુલન્સથી મુંબઈ લાવીને સર્જરી

અભિનેત્રી નુસરત ભરુચાને ઇન્ડોનેશિયાના બાલીમાં અકસ્માત થયો છે, જેમાં તેમના કરોડરજ્જુમાં ફ્રેક્ચર થયું છે. હાલ તે બાલીની એક હોસ્પિટલમાં દાખલ છે અને ડૉક્ટરોની દેખરેખ હેઠળ સારવાર લઈ રહ્યા છે.

ન્યૂઝ એજન્સી આઈએએનએસના જણાવ્યા અનુસાર, વધુ તપાસ બાદ તેમની કરોડરજ્જુની સર્જરી કરવામાં આવશે. તેમને સારવાર માટે એર એમ્બ્યુલન્સ દ્વારા બાલીથી મુંબઈ લાવવાની તૈયારી ચાલી રહી છે, જ્યાં સર્જરી કરાશે.

શુક્રવારે નુસરતની ટીમના પબ્લિસિસ્ટ સંચિતા ત્રિવેદીએ જણાવ્યું કે, ડૉક્ટરો વધુ તપાસ કર્યા બાદ સર્જરી કરશે. ઈજા અને સર્જરીના કારણે તેમને આરામ કરવામાં અને સાજા થવામાં સમય લાગશે. આગામી અઠવાડિયાંમાં તેમની કામ સંબંધિત જવાબદારીઓ પર પણ અસર પડી શકે છે. ટીમે સૌને તેમની ગોપનીયતાનો આદર કરવા અને તેમને સારવાર પર ધ્યાન કેન્દ્રિત કરવા દેવાની અપીલ કરી છે.

નોંધનીય છે કે, અકસ્માતના લગભગ એક અઠવાડિયા પહેલાં નુસરતે સોશિયલ મીડિયા પર રજાઓની કેટલીક તસવીરો શેર કરી હતી. તસવીરો સાથે તેમણે લખ્યું હતું, “રજાઓ માણવાનું મન છે! હવે ક્યાં જાઉં?”

આ દરમિયાન, નુસરત ટાઇગર શ્રોફની આગામી ફિલ્મની કાસ્ટમાં સામેલ થવાની ચર્ચા પણ ચાલી રહી છે. આ ટાઇગર અને નુસરતની પહેલી ઑન-સ્ક્રીન જોડી હશે. એક સૂત્રએ પિંકવિલાને જણાવ્યું, “ટીમને એવી એક્ટ્રેસ જોઈતી હતી, જે વાર્તામાં મજબૂતી અને ભાવનાત્મક ઊંડાણ લાવી શકે. નુસરત હંમેશાં સૌથી મજબૂત વિકલ્પોમાંની એક રહી છે.” ફિલ્મમાં પશ્મિના રોશન, અભિષેક બેનર્જી અને એલ્વિશ યાદવ પણ મહત્વની ભૂમિકામાં છે. નુસરત છેલ્લે ફિલ્મ ‘ઉફ્ફ યે સિયાપા’માં જોવા મળી હતી.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2023માં નુસરત ભરુચા શૂટિંગ દરમિયાન ઘાયલ થવાની બે ઘટનાઓ સામે આવી હતી. એપ્રિલ 2023માં ફિલ્મ ‘અકેલી’ના શૂટિંગ દરમિયાન તેઓ અકસ્માતનો ભોગ બન્યા હતા. એક સીનમાં તેમણે દોડવાનું હતું, ત્યારે તેઓ આરસના ફ્લોર પર પડી ગયા હતા. અકસ્માત બાદ તેઓ લગભગ અડધો કલાક દુખાવાથી રડતા રહ્યા હતા. ડૉક્ટરોએ તપાસ બાદ તેમને થોડા દિવસ આરામ કરવાની સલાહ આપી હતી.

વળી, જાન્યુઆરી 2023માં ફિલ્મ ‘છોરી 2’ના શૂટિંગ દરમિયાન એક્શન સીન કરતી વખતે તેમના ચહેરા પર ઈજા થઈ હતી. ઈજા એટલી ગંભીર હતી કે ચહેરા પાસે ટાંકા લેવા પડ્યા હતા. બાદમાં તેમનો એક વીડિયો પણ સામે આવ્યો હતો, જેમાં તેઓ ટાંકા લેવડાવતા જોવા મળ્યા હતા. ફિલ્મ ‘છોરી-2’ના શૂટિંગ દરમિયાન નુસરત ભરુચાને ઈજા થયાની માહિતી તેમની મિત્રએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આપી હતી.

આ પહેલાં ઓગસ્ટ 2021માં નુસરતની શૂટિંગ દરમિયાન અચાનક તબિયત લથડી ગઈ હતી. તેઓ લવ રંજનની ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા. લગભગ 23-24 દિવસથી સતત કામ કરવાને કારણે તેઓ ખૂબ થાકી ગયા હતા. ઘટના બની તે દિવસે તેમને ભારે ચક્કર આવ્યા અને તેઓ યોગ્ય રીતે ઊભા પણ રહી શકતા નહોતા કે વાત પણ કરી શકતા નહોતા. ત્યારબાદ તેમને મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તેમનું બ્લડ પ્રેશર 65/55 સુધી ઘટી ગયું હતું. ડૉક્ટરોએ તપાસ બાદ તેને ગંભીર વર્ટિગો એટેક ગણાવ્યો હતો. તેનું કારણ વધુ પડતો તણાવ અને થાક હોવાનું જણાવાયું હતું. સારવાર બાદ તેમને ઘરે મોકલી દેવામાં આવ્યા હતા અને 15 દિવસ આરામ કરવાની સલાહ આપવામાં આવી હતી. તેના કારણે ફિલ્મનું શૂટિંગ પણ રોકી દેવામાં આવ્યું હતું.

અગાઉ, નુસરત ભરુચા ગયા વર્ષે ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરે પહોંચ્યા હતા. તેમણે મહાકાલનાં દર્શન કર્યા અને ભસ્મ આરતીમાં પણ ભાગ લીધો હતો. નુસરતે મંદિરની પોતાની તસવીર પણ શેર કરી હતી અને લખ્યું હતું, ‘જય શ્રી મહાકાલ.’ આ પછી ઓલ ઈન્ડિયા મુસ્લિમ જમાતના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના મુફ્તી શહાબુદ્દીન રઝવી બરેલવીએ તેમના મંદિર જવા અને હિંદુ રીતરિવાજોનું પાલન કરવા પર કડક વાંધો વ્યક્ત કર્યો હતો. તેમણે તેને શરિયા કાયદા વિરુદ્ધ ગણાવીને ‘ગુનાહ-એ-અઝીમ’ (મોટું પાપ) કહ્યું હતું અને નુસરતને તૌબા (માફી) કરવા તથા કલમા પઢવાની સલાહ આપી હતી. મૌલાના શહાબુદ્દીન રઝવી બરેલવી સુન્ની સૂફી સંગઠન ઓલ ઈન્ડિયા મુસ્લિમ જમાતના રાષ્ટ્રીય અધ્યક્ષ છે.

નુસરત મુસ્લિમ બોહરા પરિવાર સાથે સંબંધ ધરાવે છે. જોકે, તેમણે જણાવ્યું હતું કે તેમનો પરિવાર બાળપણથી જ તમામ ધર્મોનું સન્માન કરતો આવ્યો છે. નુસરત મુજબ, તેઓ મંદિરો ઉપરાંત ગુરુદ્વારા અને ચર્ચમાં પણ જતા રહે છે. તેમણે વૈષ્ણો દેવી અને કેદારનાથનાં દર્શન પણ કર્યા છે. સાથે જ તેઓ નમાજ પણ પઢે છે.