એક્ટ્રેસ નુસરત ભરુચાને ઇન્ડોનેશિયાના બાલીમાં અકસ્માત થયો હતો, જેમાં તેના કરોડરજ્જુમાં ફ્રેક્ચર થયું હતું. તેને ભારત લાવ્યા બાદ મુંબઈમાં સર્જરી કરવામાં આવી. સર્જરી બાદ તેણે સોશિયલ મીડિયા પર પોતાની પ્રથમ હેલ્થ અપડેટ શેર કરી છે.
શેર કરેલા વીડિયોમાં નુસરત ખુરશી પર બેઠેલી જોવા મળે છે. તેના હાથમાં ડ્રિપ્સ લગાવેલી છે અને નર્સ તેને જમાડી રહી છે. તે ટીવી પર શાહરુખ ખાન અને કાજોલનું ગીત જોઈ રહી છે.
આ વીડિયો તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરતાં તેણે લખ્યું, “અને આ રીતે, શાહરુખ ખાન અને કાજોલ મારા ચહેરા પર સ્મિત લાવી દે છે. યાદ અપાવે છે કે પરિસ્થિતિ ધીમે ધીમે સુધરે છે, હંમેશાં સુધરે છે. ધીમે ધીમે રૂઝ આવી રહી છે, હું અનંત સ્વપ્નો જોઈ રહી છું.”
આ પહેલાં તેણે બારી પાસે રાખેલી ખાલી રિક્લાઇનિંગ વ્હીલચેરની તસવીર શેર કરી હતી, જેમાં દૂર સૂર્યાસ્તનું દૃશ્ય દેખાતું હતું. સાથે લખ્યું, “હું હંમેશાં સનસેટનો પીછો કરતી આવી છું, અને અચાનક મારું દૃશ્ય બદલાઈ ગયું. પરંતુ ચિત્ર હજુ બાકી છે, મારા મિત્ર.”
નુસરત કામ અને રજાઓ માટે બાલી ગઈ હતી, જ્યાં તે અકસ્માતનો ભોગ બની. તેની ટીમના નિવેદન મુજબ, અકસ્માતમાં તેના કરોડરજ્જુમાં ફ્રેક્ચર થયું હતું. તેને એર એમ્બ્યુલન્સ દ્વારા બાલીથી મુંબઈ લાવવામાં આવી હતી, જ્યાં તેની સર્જરી થઈ.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2023માં શૂટિંગ દરમિયાન નુસરતને બે વાર ઈજા થઈ હતી. એપ્રિલ 2023માં ફિલ્મ ‘અકેલી’ના શૂટિંગ વખતે દોડતી વખતે તે આરસના ફ્લોર પર પડી ગઈ હતી અને લગભગ અડધો કલાક દુખાવાથી રડતી રહી હતી. ડૉક્ટરોએ આરામની સલાહ આપી હતી. જાન્યુઆરી 2023માં ફિલ્મ ‘છોરી 2’ના એક્શન સીન દરમિયાન તેના ચહેરા પર ઈજા થઈ હતી, જેમાં ટાંકા લેવા પડ્યા હતા.
ઓગસ્ટ 2021માં લવ રંજનની ફિલ્મના શૂટિંગ દરમિયાન સતત 23-24 દિવસ કામ કરવાથી તેને ભારે ચક્કર આવ્યા હતા. તે ઊભી રહી શકતી નહોતી અને વાત પણ કરી શકતી નહોતી. મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં તેનું બ્લડ પ્રેશર 65/55 સુધી ઘટી ગયું હતું. ડૉક્ટરોએ તેને ગંભીર વર્ટિગો એટેક ગણાવ્યો હતો, જે વધુ પડતા તણાવ અને થાકને કારણે થયો હતો. 15 દિવસ આરામની સલાહ મળી હતી અને શૂટિંગ રોકાયું હતું.
ગયા વર્ષે નુસરત ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરે ગઈ હતી અને ભસ્મ આરતીમાં ભાગ લીધો હતો. મંદિરની તસવીર શેર કરીને ‘જય શ્રી મહાકાલ’ લખ્યું હતું. આ પછી ઓલ ઇન્ડિયા મુસ્લિમ જમાતના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના મુફ્તી શહાબુદ્દીન રઝવી બરેલવીએ તેના મંદિર દર્શન અને હિંદુ રીતરિવાજોના પાલન પર વાંધો વ્યક્ત કર્યો હતો. તેમણે તેને શરિયા કાયદા વિરુદ્ધ ગણાવીને ‘ગુનાહ-એ-અઝીમ’ કહ્યું હતું અને તૌબા તથા કલમા પઢવાની સલાહ આપી હતી.
નુસરત મુસ્લિમ બોહરા પરિવાર સાથે સંબંધ ધરાવે છે. જોકે, તેમણે જણાવ્યું હતું કે તેમનો પરિવાર બાળપણથી તમામ ધર્મોનું સન્માન કરે છે. તેમના મુજબ, તેઓ મંદિરો ઉપરાંત ગુરુદ્વારા અને ચર્ચમાં પણ જાય છે. તેઓ વૈષ્ણો દેવી અને કેદારનાથનાં દર્શન પણ કરી ચૂક્યાં છે.