સત્ય. સાહસ. સંકલ્પ.

બાલીમાં અકસ્માત: અભિનેત્રી નુસરત ભરુચાને કરોડરજ્જુમાં ફ્રેક્ચર, એર એમ્બ્યુલન્સથી મુંબઈ ખસેડાશે

બાલીમાં અકસ્માત: અભિનેત્રી નુસરત ભરુચાને કરોડરજ્જુમાં ફ્રેક્ચર, એર એમ્બ્યુલન્સથી મુંબઈ ખસેડાશે

બોલિવૂડ અભિનેત્રી નુસરત ભરુચાને બાલીમાં એક અકસ્માતમાં ગંભીર ઈજા થઈ છે. કામના સંદર્ભે બાલી ગયેલી નુસરતને કરોડરજ્જુમાં ફ્રેક્ચર થયું છે. અકસ્માત બાદ તેને તાત્કાલિક બાલીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

નુસરત ભરુચાની ટીમે તેની તબિયત અંગે માહિતી આપતાં જણાવ્યું છે કે અકસ્માતના કારણે તેની કરોડરજ્જુમાં ફ્રેક્ચર થયું છે. હવે તેને બાલીથી એર એમ્બ્યુલન્સ દ્વારા મુંબઈ લાવવામાં આવશે, જ્યાં તેની કરોડરજ્જુની સર્જરી કરવામાં આવશે.

અભિનેત્રીની ટીમે કહ્યું છે, 'અમે બધાને વિનંતી કરીએ છીએ કે તેમની પ્રાઇવસીનું સન્માન કરો અને તેમની સારવાર તથા રિકવરી પર ધ્યાન આપવા માટે તેમને પૂરતી સ્પેસ આપો. અમે આપ સૌની ચિંતાઓ અને શુભકામનાઓ માટે આભારી છીએ. યોગ્ય સમયે અમે તેમના સ્વાસ્થ્ય અંગે આગળની માહિતી શેર કરીશું.'

નુસરત ભરુચા ટૂંક સમયમાં ટાઇગર શ્રોફ સાથે મોટા પડદા પર જોવા મળવાની હતી. રિપોર્ટ્સ મુજબ, આ ફિલ્મ માટે તેને એકદમ નવા અવતારમાં જોવાની ચાહકો રાહ જોઈ રહ્યા હતા, પરંતુ હાલ તેની તબિયતના કારણે આ પ્રોજેક્ટ પર અસર થઈ શકે છે.

નુસરતે 2006માં 'જય સંતોષી માં' ફિલ્મથી કરિયરની શરૂઆત કરી હતી અને 2011માં આવેલી 'પ્યાર કા પંચનામા' ફિલ્મથી તેને બોલિવૂડમાં મોટી ઓળખ મળી હતી. 'સોનું કે ટીટૂ કી સ્વીટી' જેવી ફિલ્મોમાં પણ તે જોવા મળી હતી.