સત્ય. સાહસ. સંકલ્પ.

પેપર લીક રોકવા NTAનો નિર્ણય: હવે નિવૃત્ત સૈન્યકર્મી અને અધિકારીઓ પરીક્ષા કેન્દ્રો પર નિરીક્ષક તરીકે

પેપર લીક રોકવા NTAનો નિર્ણય: હવે નિવૃત્ત સૈન્યકર્મી અને અધિકારીઓ પરીક્ષા કેન્દ્રો પર નિરીક્ષક તરીકે

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પારદર્શિતા જાળવવા અને પેપર લીક જેવી ઘટનાઓ રોકવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે JEE, NEET, NET અને CUET જેવી રાષ્ટ્રીય પરીક્ષાઓ માટે નિવૃત્ત સૈન્યકર્મીઓ, કેન્દ્ર અને રાજ્ય સરકારના નિવૃત્ત અધિકારીઓ તથા સરકારી શાળા-કોલેજોના શિક્ષકોને સ્વતંત્ર નિરીક્ષક (ઓબ્ઝર્વર) તરીકે નિયુક્ત કરવામાં આવશે.

આ પગલું NEET-UG પેપર લીક વિવાદ પછી લેવામાં આવ્યું છે. એજન્સીએ 'એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ' (EOI) જારી કરીને નિરીક્ષકોનો કાયમી અને પૂર્વ-ચકાસાયેલ સમૂહ બનાવવાની જાહેરાત કરી છે. પરીક્ષાના દિવસે દરેક કેન્દ્ર પર એક સ્વતંત્ર નિરીક્ષક તૈનાત રહેશે, જે સિટી કોઓર્ડિનેટર અને સેન્ટર સુપરિન્ટેન્ડેન્ટથી અલગ રહીને NTAના સીધા પ્રતિનિધિ તરીકે કામ કરશે. તેમનું કામ પરીક્ષાની નિષ્પક્ષિતા, સુરક્ષા અને સુચારુ સંચાલન પર નજર રાખીને સીધો રિપોર્ટ NTAને આપવાનું રહેશે.

એજન્સીએ આ જવાબદારી માટે ત્રણ શ્રેણીઓ નક્કી કરી છે. પ્રથમ શ્રેણીમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના નિવૃત્ત અધિકારીઓ, બીજી શ્રેણીમાં સશસ્ત્ર દળો અથવા અર્ધલશ્કરી દળોના નિવૃત્ત કર્મચારીઓ અને ત્રીજી શ્રેણીમાં સરકારી શાળા, કોલેજ અને યુનિવર્સિટીના કાર્યરત કે નિવૃત્ત શિક્ષકો અને પ્રોફેસરો અરજી કરી શકશે.

વિદેશમાં આવેલા પરીક્ષા કેન્દ્રો માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યાં સ્થાનિક ભારતીય દૂતાવાસના કાર્યરત કે નિવૃત્ત અધિકારીઓ, વિદેશ મંત્રાલયના નિવૃત્ત અધિકારીઓ અથવા તે શહેરમાં રહેતા લાયક ભારતીય નાગરિકોને નિરીક્ષક તરીકે પસંદ કરવામાં આવશે.

NTA દર વર્ષે NEET-UG, JEE-Main, UGC-NET, CSIR-NET અને CUET (UG અને PG) જેવી પરીક્ષાઓ દેશ-વિદેશના હજારો કેન્દ્રો પર યોજે છે, જેમાં લાખો વિદ્યાર્થીઓ ભાગ લે છે. પેપર લીક અને ગેરરીતિના આક્ષેપો પછી વિદ્યાર્થીઓનો વિશ્વાસ પાછો જીતવા માટે આ નવી વ્યવસ્થા મહત્વપૂર્ણ માનવામાં આવે છે.