સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાત યુનિવર્સિટીમાં NSUIનો વિરોધ: પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાના પોસ્ટર પર લિપસ્ટિક લગાવી, પોલીસ સાથે ઝપાઝપી

ગુજરાત યુનિવર્સિટીમાં NSUIનો વિરોધ: પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાના પોસ્ટર પર લિપસ્ટિક લગાવી, પોલીસ સાથે ઝપાઝપી

અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં સોમવારે (19 સપ્ટેમ્બર) NSUIના કાર્યકર્તાઓએ પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા સામે જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું. કાર્યકર્તાઓએ કુલપતિની ખુરશી પર નીરજા ગુપ્તાનું પોસ્ટર મૂકીને તેના પર લિપસ્ટિક લગાવી અને બંગડીઓ પછાડી. તેમના હાથમાંના બેનર પર લખ્યું હતું, 'ચાચી 420 પર FIR ક્યારે?'

આ વિરોધનું કારણ એવો આરોપ છે કે પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ લિપસ્ટિક સહિતની અંગત વસ્તુઓના બિલ ગુજરાત યુનિવર્સિટીમાંથી પાસ કરાવ્યા હતા. NSUIના મહામંત્રી વિક્રમસિંહ ગોહિલે કહ્યું કે નીરજા ગુપ્તાએ અગાઉ 40 કરોડનું કૌભાંડ કર્યું છે અને હવે વધુ એક હકીકત સામે આવી છે કે લિપસ્ટિક, કપડાં સહિતની વસ્તુઓ પણ યુનિવર્સિટીના પૈસે ખરીદવામાં આવતી હતી. તેમણે આરોપ લગાવ્યો કે વિદ્યાર્થીઓ માટેના પૈસા અંગત ખર્ચમાં વાપરવામાં આવ્યા છે.

જ્યારે વિરોધ ઉગ્ર બન્યો ત્યારે પોલીસ અને NSUIના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું. કાર્યકર્તાઓ ટેબલ પર ચઢી ગયા અને કુલપતિની ઓફિસમાં આવેલા કેટલાક કાચના ગ્લાસ તૂટી ગયા. કુલપતિની ઓફિસની બહાર ટેબલ પર રાખેલો કાચ પણ તૂટ્યો. પોલીસે ટીંગાટોળી કરીને કાર્યકર્તાઓને અટકાયતમાં લીધા અને તમામને બહાર કાઢી દીધા. બાદમાં કુલપતિની ઓફિસનો દરવાજો બંધ કરી દેવાયો અને ટાવરની બહાર 5 PSI સહિત 50થી વધુ પોલીસ જવાનોનો કડક બંદોબસ્ત ગોઠવી દેવાયો.

અગાઉ નીરજા ગુપ્તા પર ગેરરીતિના આરોપ લાગી ચૂક્યા છે. તેમણે એક અમેરિકા ટૂર દરમિયાન 386.98 ડોલર (આશરે 33,300 રૂપિયા)ની અંગત ખરીદી કરી હતી. વધુમાં, દિવ્ય ભાસ્કરના 22 ઓગસ્ટના ઇન્વેસ્ટિગેશન રિપોર્ટમાં પર્દાફાશ થયો હતો કે કુલપતિ પદે રહીને તેમણે કેન્દ્ર સરકારના એક પ્રોગ્રામ હેઠળ મહિને વધારાનો 4.20 લાખ રૂપિયા પગાર લીધો હતો, જે તેમની સહીથી મંજૂર થતો હતો.