સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદમાં NSUIનો વિરોધ: ચીફ ઇલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમાર સામે કાળા વાવટા

અમદાવાદમાં NSUIનો વિરોધ: ચીફ ઇલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમાર સામે કાળા વાવટા

અમદાવાદમાં ગુરુવારે ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની મુલાકાત દરમિયાન NSUIના કાર્યકરોએ વિરોધ કર્યો હતો. જ્યારે તેઓ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) ખાતેના કાર્યક્રમ બાદ નીકળી રહ્યા હતા ત્યારે NSUIના કાર્યકર શુભમ ઠાકર અને જયસિંહ ઠાકોરે કાળા વાવટા ફરકાવીને સૂત્રોચ્ચાર કર્યા હતા.

જ્ઞાનેશ કુમાર સવારે 9:30 વાગ્યે દિલ્હીના IGI એરપોર્ટથી ફ્લાઇટ AI-423 મારફતે અમદાવાદ એરપોર્ટ પર 11:45 વાગ્યે પહોંચ્યા હતા. એરપોર્ટ ખાતે પત્રકારો સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતની પવિત્ર ધરતી પર આવીને ગર્વ થાય છે. મહાત્મા ગાંધી અને સરદાર પટેલની જન્મ અને કર્મભૂમિ છે. આજે અને કાલે વિવિધ કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરીશું.

AMA ખાતે વિદ્યાર્થીઓ સાથેની વાતચીતમાં જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે, ભારતની ચૂંટણી પ્રક્રિયા વિશ્વ માટે અનોખું ઉદાહરણ છે. ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે જેમાં 90 કરોડથી વધુ મતદારો છે. સામાન્ય ચૂંટણીમાં 1.08 કરોડ કર્મચારીઓ અને સુરક્ષાકર્મીઓ જોડાય છે. દેશમાં 12 લાખથી વધુ પોલિંગ બૂથ છે. BLO ઘરે-ઘરે જઈને મતદાર યાદી તૈયાર કરે છે અને ડુપ્લિકેટ મતદારો દૂર કર્યા બાદ અંતિમ યાદી બનાવવામાં આવે છે. ECI એપ Android અને iOS પર ઉપલબ્ધ છે, જેને 13 કરોડથી વધુ લોકોએ ડાઉનલોડ કરી છે. કાયદાનું કડક પાલન અને મોક પોલ બાદ જ મતદાન પ્રક્રિયા શરૂ થાય છે. ચૂંટણી કમિશનની કામગીરીમાં 1.80 કરોડ લોકો સામેલ થાય છે અને એક પણ આદેશનો ભંગ થયો નથી. તેમણે ઉમેર્યું કે, 'તમે મને આજે જોઈ રહ્યા છો એ અલગ છે અને ચૂંટણી સમયે સ્થિતિ અલગ હોય છે.'

વિરોધ અંગે શુભમ ઠાકરે જણાવ્યું કે, RUPP (રજિસ્ટર્ડ પરંતુ માન્યતા પ્રાપ્ત ન થયેલો રાજકીય પક્ષ)ના રિપોર્ટમાં કેટલીક પાર્ટીઓ બંધ થઈ ગઈ છતાં તેમના ખાતામાં ફંડના નામે કરોડો રૂપિયા આવ્યા હતા, જે અંગે ચૂંટણી કમિશને કોઈ પગલાં લીધાં નથી. આ ઉપરાંત ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે દબાણપૂર્વક અનેક ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાવવામાં આવ્યા હતા. જે મામલે ફરિયાદો થયા હોવા છતાં જ્ઞાનેશ કુમાર મૌન રહ્યા હતા, તેથી વિરોધ કરવામાં આવ્યો હતો. શુભમ ઠાકર ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરના ભત્રીજા છે.