સત્ય. સાહસ. સંકલ્પ.

NSG કમાન્ડો માટે ગરમીમાં રાહત: કાળા યુનિફોર્મને બદલે 'નાઇકો' ફેબ્રિક, ટ્રાયલ પૂર્ણ

NSG કમાન્ડો માટે ગરમીમાં રાહત: કાળા યુનિફોર્મને બદલે 'નાઇકો' ફેબ્રિક, ટ્રાયલ પૂર્ણ

રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ (NSG)ના 'બ્લેક કેટ કમાન્ડો'ને હવે ટૂંક સમયમાં નવો યુનિફોર્મ મળવાનો છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની સુરક્ષામાં તૈનાત એક કમાન્ડો વિજયવાડામાં 44 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં ડ્યુટી દરમિયાન હીટસ્ટ્રોક અને અતિશય થાકને કારણે બેભાન થઈ જવાની ઘટના બાદ આ નિર્ણય લેવાયો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, કમાન્ડોએ કાળી વર્દી ઉપર આશરે 6 કિલોનું બુલેટપ્રૂફ જેકેટ, હથિયાર અને કોમ્યુનિકેશન સાધનો પહેરેલા હોય છે. કાળો રંગ ગરમી વધુ શોષે છે, જેના કારણે કમાન્ડોને કલાકો સુધી ઊભા રહેવું મુશ્કેલ બની જાય છે. આ ઘટનાને NSG મુખ્યાલયના નિષ્ણાતોએ ગંભીરતાથી લીધી છે અને કાપડ બદલવાની પ્રક્રિયા શરૂ કરી છે.

NSGએ કમાન્ડો માટે 'નાઇકો' (Nyco) ફેબ્રિકનો ઉપયોગ કરવાની ભલામણ કરી છે, જે નાયલોન અને કોટનનું ખાસ મિશ્રણ છે. આ કાપડમાંથી હવા અને ભેજ સરળતાથી આરપાર જઈ શકે છે, જેથી ગરમી અને ઉમસવાળા વાતાવરણમાં શરીર પ્રમાણમાં ઠંડું રહે છે. CRPએફના CoBRA કમાન્ડો પણ જંગલો અને કપરા વાતાવરણમાં આ જ કાપડની યુનિફોર્મ પહેરે છે.

સુરક્ષા વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ, નવા કાપડનું ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે અને NSG ટૂંક સમયમાં જ તેની ખરીદી શરૂ કરશે. પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થાય ત્યાં સુધીમાં NSG કમાન્ડો નવી યુનિફોર્મ પહેરવાનું શરૂ કરી દે તેવી શક્યતા છે.

NSGની VIP સુરક્ષા યુનિટ (12 અને 13 સ્પેશિયલ રેન્જર ગ્રુપ) Z+ શ્રેણી હેઠળ 9 અગ્રણી હસ્તીઓને સુરક્ષા આપે છે. જેમાં ચંદ્રબાબુ નાયડુ, યોગી આદિત્યનાથ, માયાવતી, રાજનાથ સિંહ, લાલકૃષ્ણ અડવાણી, સર્બાનંદ સોનોવાલ, રમણ સિંહ, ગુલામ નબી આઝાદ અને ફારૂક અબ્દુલ્લાનો સમાવેશ થાય છે.

બ્લેક કેટ કમાન્ડોને તમામ વાતાવરણમાં હાઈ એલર્ટ રહીને આતંકવાદ વિરોધી કામગીરી અને VIP સુરક્ષા આપવાની હોય છે. કાળી વર્દી અને 6 કિલોના ઉપકરણો સાથે કલાકો સુધી ઊભા રહેવું પડકારજનક હોય છે, તેથી આ નવો યુનિફોર્મ કમાન્ડોની શારીરિક સુરક્ષા અને કાર્યક્ષમતા બંને વધારશે.