સત્ય. સાહસ. સંકલ્પ.

NSE શેર ₹1,800 પર લિસ્ટ, 5% ઉછળીને ₹1,876 થયો

NSE શેર ₹1,800 પર લિસ્ટ, 5% ઉછળીને ₹1,876 થયો

નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના શેરની આજે 24 સપ્ટેમ્બરે સ્ટોક માર્કેટમાં ધીમી શરૂઆત થઈ. શેર ઇશ્યૂ પ્રાઇસ ₹1,785ની સામે માત્ર ₹15 (0.84%) વધીને ₹1,800 પર લિસ્ટ થયો. જોકે લિસ્ટિંગના થોડા સમયમાં જ તેમાં સારી ખરીદી આવી અને શેર 5.14% વધીને ₹1,876ની દિવસની ઊંચી સપાટીએ પહોંચ્યો. આ સાથે દેશનું સૌથી મોટું સ્ટોક એક્સચેન્જ હવે જાહેરમાં ટ્રેડ થતી કંપની બન્યું છે.

લિસ્ટિંગ સેરેમની વખતે NSEના MD અને CEO આશિષ કુમાર ચૌહાણે જણાવ્યું કે આ IPOમાં 34 લાખથી વધુ રિટેલ રોકાણકારોને શેર ફાળવવામાં આવ્યા છે. તેમણે કહ્યું, "રોકાણકારોએ NSE પર જે વિશ્વાસ દાખવ્યો છે, તે બદલ અમે હૃદયપૂર્વક આભારી છીએ."

આ IPOને કુલ 5.71 ગણું સબ્સ્ક્રિપ્શન મળ્યું હતું. રોકાણકારોએ 8.86 કરોડ શેર સામે 50.28 કરોડ શેર માટે બોલી લગાવી હતી. સૌથી વધુ માગ મોટા સંસ્થાકીય રોકાણકારો (QIB) તરફથી આવી, જેમનો કોટા 12.68 ગણો ભરાયો. અમીર રોકાણકારો (NII)નો હિસ્સો 6.55 ગણો અને સામાન્ય રિટેલ રોકાણકારોનો કોટા 1.39 ગણો સબ્સ્ક્રાઇબ થયો હતો. IPO 17 થી 21 સપ્ટેમ્બર સુધી ખુલ્લો હતો અને પ્રાઇસ બેન્ડ ₹1,700થી ₹1,785 પ્રતિ શેર હતો. ₹22,562 કરોડનો આ ઇશ્યૂ સંપૂર્ણપણે ઓફર ફોર સેલ હતો, એટલે કે નવા શેર બહાર પાડવામાં આવ્યા નહોતા; હાલના રોકાણકારોએ તેમના શેર વેચ્યા છે.

સ્થાનિક બ્રોકરેજ ફર્મ એમકે ગ્લોબલ ફાઇનાન્શિયલ સર્વિસિસે NSEના શેર પર 'બાય' રેટિંગ જાળવી રાખ્યું છે. એમકે ગ્લોબલે સપ્ટેમ્બર 2027 માટે ₹2,050નો ટાર્ગેટ પ્રાઇસ આપ્યો છે, જે ઇશ્યૂ કિંમતની સામે લગભગ 15%નો વધારો દર્શાવે છે.

NSEએ તેના શેર પોતાના પ્લેટફોર્મ પર ટ્રેડ કર્યા નથી. રોકાણકારો NSEના શેર BSE પર ખરીદી-વેચાણ કરી રહ્યા છે. સ્ટોક એક્સચેન્જો માટેના નિયમો કોઈપણ એક્સચેન્જને પોતાના જ પ્લેટફોર્મ પર પોતાના શેર લિસ્ટ કરવાની મંજૂરી આપતા નથી.

NSE માત્ર શેર ખરીદ-વેચાણનું પ્લેટફોર્મ નથી. તેનું કામકાજ ઇક્વિટી, ઇક્વિટી ડેરિવેટિવ્સ, કરન્સી ડેરિવેટિવ્સ, કોમોડિટીઝ, ડેટ સિક્યોરિટીઝ અને બજાર સાથે જોડાયેલી અન્ય સેવાઓ સુધી ફેલાયેલું છે. તેમાં ક્લિયરિંગ અને સેટલમેન્ટ, ઇન્ડેક્સ તથા માર્કેટ ડેટા સંબંધિત બિઝનેસનો સમાવેશ થાય છે. 30 જૂન 2026 સુધી NSE પાસે 26.14 કરોડ નોંધાયેલા રોકાણકાર ખાતાં હતાં અને 3,005 કંપનીઓ લિસ્ટેડ હતી. નાણાકીય વર્ષ 2026માં ભારતના સમગ્ર કૅશ-માર્કેટ કારોબારમાં એકલા NSEનો હિસ્સો 92.99% રહ્યો હતો.