નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના બહુપ્રતીક્ષિત પબ્લિક ઇશ્યૂ (IPO)નું ભાવ બેન્ડ ₹1,700થી ₹1,785 પ્રતિ શેર નક્કી કરવામાં આવ્યું છે. દેશના સૌથી મોટા સ્ટોક એક્સચેન્જ આ ઇશ્યૂ દ્વારા લગભગ ₹22,561 કરોડ એકત્ર કરવાની તૈયારીમાં છે.
રિટેલ રોકાણકારો 17 સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર સુધી બોલી લગાવી શકશે. એન્કર રોકાણકારો માટે ઇશ્યૂ એક દિવસ પહેલાં, 16 સપ્ટેમ્બરે ખુલશે. એક લોટમાં 8 ઇક્વિટી શેર રહેશે.
21 સપ્ટેમ્બરે ઇશ્યૂ બંધ થયા બાદ 22 સપ્ટેમ્બરે શેરનું અલોટમેન્ટ ફાઇનલ થશે અને 24 સપ્ટેમ્બરે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર શેરનું લિસ્ટિંગ થશે. ભાવ બેન્ડના ઉપરના સ્તર મુજબ NSEનું કુલ વેલ્યુએશન ₹4.42 લાખ કરોડ આંકવામાં આવ્યું છે.
આ ઇશ્યૂ સંપૂર્ણપણે ઓફર ફોર સેલ (OFS) પર આધારિત છે, એટલે કે કંપની નવા શેર બહાર પાડશે નહીં. શરૂઆતના ડ્રાફ્ટમાં OFS હેઠળ 14.89 કરોડ શેર વેચવાના હતા, પરંતુ હવે ઇશ્યૂનું કદ 15% ઘટાડીને 12.64 કરોડ શેર કરવામાં આવ્યું છે. આ 10 હાલના શેરહોલ્ડર્સ પોતાના શેર વેચશે. OFS હોવાથી શેર વેચાણમાંથી મળતી આખી રકમ વેચનારા શેરહોલ્ડર્સને જશે, NSEને નહીં.
શેર વેચનારાઓમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) સૌથી મોટી વેચનાર છે, જે 1.59 કરોડ શેર વેચશે. કેનેડા પેન્શન પ્લાન ઇન્વેસ્ટમેન્ટ બોર્ડ (CPPIB) 1.18 કરોડ શેર, અરાંડા ઇન્વેસ્ટમેન્ટ્સ 1.12 કરોડ શેર અને MS સ્ટ્રેટેજિક 1.10 કરોડ શેર વેચશે. SBI કેપિટલ માર્કેટ્સ 87.8 લાખ શેર વેચશે.
બેંક ઓફ બરોડા અને જનરલ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન સહિતની અમુક સંસ્થાઓએ વેચવાના શેરની સંખ્યા ઘટાડી છે. નેશનલ ઇન્શ્યોરન્સ કંપનીએ પોતાને OFSમાંથી સંપૂર્ણપણે બહાર કાઢી લીધી છે, પરંતુ કર્મચારીઓ માટે ₹70 કરોડના શેર અલગ રાખ્યા છે. કર્મચારીઓને ફાઇનલ ઇશ્યૂ ભાવ પર પ્રતિ શેર ₹170ની છૂટ મળશે.
હાલના શેરહોલ્ડિંગમાં LIC સૌથી મોટી શેરહોલ્ડર છે, જેની પાસે 10.72% હિસ્સો છે. SBI ગ્રુપનો કુલ હિસ્સો 7.5% અને સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (SHCIL)નો 4.44% છે. વિદેશી રોકાણકારોમાં ટેમસેકની સબ્સિડિયરી અરાંડા ઇન્વેસ્ટમેન્ટ્સ અને CPPIBનું નોંધપાત્ર રોકાણ છે.
આ ઇશ્યૂ માટે માર્ચ 2026માં 20 ઇન્વેસ્ટમેન્ટ બેંકો પસંદ કરવામાં આવી હતી, જેમાં કોટક મહિન્દ્રા કેપિટલ, Citi, JP Morgan અને HSBC જેવા નામ સામેલ છે. Cyril Amarchand Mangaldas અને Trilegal જેવી લૉ ફર્મ્સને પણ જવાબદારી સોંપાઈ છે.
NSEએ પહેલી વાર ડિસેમ્બર 2016માં IPO માટે પ્રોસ્પેક્ટસ ફાઇલ કર્યો હતો, ત્યારે લગભગ ₹10,000 કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક હતો. કો-લોકેશન વિવાદ સહિતના નિયમનકારી કારણોસર SEBIએ આ ઇશ્યૂ પર લાંબો સમય રોક લગાવ્યો હતો. જૂન 2026માં NSEએ ફરી ડ્રાફ્ટ જમા કર્યો, જેને સપ્ટેમ્બરમાં મંજૂરી મળી.
એક્સચેન્જની નાણાકીય સ્થિતિ જોતાં એપ્રિલ-જૂન 2026 ક્વાર્ટરમાં ચોખ્ખો નફો 7% વધીને ₹3,120 કરોડ થયો છે અને કુલ આવક 9% વધીને ₹5,252 કરોડ થઈ છે.