દેશના સૌથી મોટા સ્ટોક એક્સચેન્જ NSEનો IPO આજે 17 સપ્ટેમ્બરથી રિટેલ રોકાણકારો માટે ખુલ્યો છે. 21 સપ્ટેમ્બરે તે બંધ થશે. BSE પર લિસ્ટિંગ 24 સપ્ટેમ્બરે થશે.
IPOની પ્રાઇસ બેન્ડ ₹1,700થી ₹1,785 પ્રતિ શેર છે. તેની લૉટ સાઇઝ 8 શેરની છે. એટલે કે, અપર પ્રાઇસ બેન્ડ ₹1,785 પર રિટેલ રોકાણકારોએ ઓછામાં ઓછું ₹14,280નું રોકાણ કરવું પડશે. કંપનીનો આ ઇશ્યૂ દ્વારા આશરે ₹22,562 કરોડ ભેગા કરવાનો પ્લાન છે.
IPO ખુલ્યાના દિવસે ગ્રે માર્કેટ પ્રીમિયમમાં 93 રૂપિયાનો ઘટાડો થયો છે. તેનો GMP ઘટીને ₹125 પર આવી ગયો છે, જે 11 સપ્ટેમ્બરે ₹218 હતો. માત્ર 6 દિવસમાં GMPમાં આશરે ₹93નો ઘટાડો થયો છે. એટલે કે, તેની અંદાજિત લિસ્ટિંગ કિંમત ₹1,910 હોઈ શકે છે.
આ ઈશ્યૂ સંપૂર્ણપણે ઑફર ફૉર સેલ (OFS) છે, જેમાં હાલના શેરધારકો દ્વારા 12.64 કરોડ શેર વેચવામાં આવી રહ્યા છે. તેનો અર્થ એ છે કે IPOમાંથી મળતી સંપૂર્ણ રકમ શેર વેચનારા રોકાણકારોને મળશે અને NSEને તેમાંથી કોઈ ફંડ મળશે નહીં.
NSEના નાણાકીય પરિણામોની વાત કરીએ તો, નાણાકીય વર્ષ 2026માં ઓપરેશનલ આવક ઘટીને ₹16,601 કરોડ થઈ ગઈ છે. એક વર્ષ પહેલાં એટલે કે નાણાકીય વર્ષ 2025માં તે ₹17,140.68 કરોડ હતી. નેટ પ્રોફીટ ઘટીને ₹10,302 કરોડ થયો, જે નાણાકીય વર્ષ 2025માં ₹12,187.69 કરોડ હતો. જોકે, ચાલુ નાણાકીય વર્ષની પ્રથમ ત્રિમાસિક ગાળામાં, Q1FY27માં આવક 13.10% વધીને ₹4,560.41 કરોડ અને નફો 6.71% વધીને ₹3,120.08 કરોડ થયો છે.
IPO અંગે બ્રોકરેજ હાઉસના અભિપ્રાયની વાત કરીએ તો, એન્જલ વને 'સબ્સ્ક્રાઇબ' કરવાની સલાહ આપી છે, જ્યારે રેલિગેર બ્રોકિંગે 'ન્યુટ્રલ' રેટિંગ આપ્યું છે.
શું રોકાણકારોએ આ IPOમાં પૈસા રોકવા જોઈએ? NSEની બજારમાં મોનોપોલી, મોટો યુઝર બેઝ અને ભારતીય અર્થવ્યવસ્થાની મજબૂતી NSE માટે સકારાત્મક સંકેતો છે. પરંતુ ધ્યાનમાં રાખો કે NSEની 79% કમાણી ટ્રાન્ઝેક્શન ચાર્જ (ખાસ કરીને ઓપ્શન્સ)માંથી આવે છે. આ ઉપરાંત GMPમાં થયેલો ઘટાડો એ સંકેત આપે છે કે માત્ર લિસ્ટિંગ ગેઇનની આશાએ આવનારા રોકાણકારોએ સાવચેત રહેવાની જરૂર છે.
નોલેજ પાર્ટ: ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) એટલે શું? IPO શેરબજારમાં લિસ્ટ થવા પહેલાં અનૌપચારિક અથવા ગેરકાયદેસર બજારમાં જે પ્રીમિયમ પર ટ્રેડ કરે છે, તેને GMP કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો NSEની અપર પ્રાઇસ ₹1,785 છે અને GMP ₹125 ચાલી રહ્યો છે, તો તેના ₹1,910 પર લિસ્ટ થવાની અપેક્ષા રાખવામાં આવે છે. જોકે, GMP માત્ર એક અંદાજ હોય છે અને તે વાસ્તવિક લિસ્ટિંગ પ્રાઇસની ગેરંટી આપતો નથી.
ઓફર ફોર સેલ (OFS) શું હોય છે? IPOમાં ઓફર ફોર સેલનો અર્થ એ થાય છે કે કંપની પોતે નવા શેર જારી કરીને બજારમાંથી નવું ભંડોળ ઊભું કરતી નથી, પરંતુ કંપનીના જૂના અથવા વર્તમાન રોકાણકારો, જેમ કે પ્રમોટર્સ અથવા મોટી બેંકો, પોતાની હિસ્સેદારીનો કેટલોક ભાગ સામાન્ય જનતાને વેચે છે. તેનાથી મળતા બધા પૈસા કંપનીના ખાતામાં જવાને બદલે સીધા તે શેરધારકો પાસે જાય છે, જેઓ પોતાના શેર વેચી રહ્યા હોય છે.