કેન્દ્ર સરકારે બિન-નિવાસી ભારતીયો (NRI) પાસેથી મિલકત ખરીદનારાઓ માટે મોટી રાહતની જાહેરાત કરી છે. હવે 1 ઓક્ટોબરથી આવા ખરીદદારોએ અલગથી TAN-TDS એકાઉન્ટ નંબર લેવો પડશે નહીં. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT)એ આ અંગે પરિપત્ર બહાર પાડીને નવી જોગવાઈ આગામી 1 ઓક્ટોબરથી અમલમાં લાવવાનો નિર્ણય લીધો છે.
આ ફેરફારથી મિલકત ખરીદ્યા પછીની કાગળની કાર્યવાહી અને પ્રક્રિયાઓ સરળ બનશે, જેનાથી નાગરિકોને ઘણી સગવડ મળશે. CBDTએ ફોર્મ 161 અને 144ને મર્જ કરીને નવું ફોર્મ 16 બહાર પાડ્યું છે, જેમાં બિન-નિવાસીને લગતી માહિતી આપવા માટે વિશેષ કોલમ ઉમેરવામાં આવી છે.
અગાઉ બિન-નિવાસી ભારતીયો માટે ફોર્મ 144 અમલમાં હતું, જ્યારે ભારતીય રહેવાસીઓ માટે ફોર્મ 16 વપરાતું હતું. હવે સરકારે આ બંને ફોર્મને મર્જ કરીને એક જ કરી દીધા છે. આ ફોર્મ અસ્તિત્વમાં આવવાથી મિલકત ખરીદનારને TDS નંબર અલગથી મેળવવાની જરૂર રહેશે નહીં.
જૂની પદ્ધતિ મુજબ, જો કોઈ વ્યક્તિ રૂ. 50 લાખથી વધુના મૂલ્યની મિલકત ભારતના નિવાસી પાસેથી ખરીદતી હોય, તો તેણે ચૂકવવામાં આવતા પેમેન્ટ પર 1 ટકાના દરે ટેક્સ ડિડક્શન એટ સોર્સ (TDS) કાપવો પડતો હતો. જો વેચનાર બિન-નિવાસી ભારતીય (NRI) હોય, તો તેવા સંજોગોમાં કરાયેલા પેમેન્ટમાંથી 12.5 ટકાના દરે TDS કાપવાનો રહેતો હતો. આ માટે TDSનું અલગ ફોર્મ ભરવું પડતું હતું અને ચલણ પણ જમા કરાવવું પડતું હતું.
નવા સુધારેલા ફોર્મમાં હવે નિવાસી અને બિન-નિવાસી બંનેની વિગતો સરળતાથી ભરી શકાશે. અગાઉ અલગ એકાઉન્ટ નંબર, અલગ ફોર્મ ભરવું અને TAN નંબર ઉપરાંત ફોર્મ 16માં TDS સર્ટિફિકેટ આપવાની જે જટિલ પ્રક્રિયા હતી, તેમાં હવે રાહત મળશે. જોકે ભારતના નિવાસી પાસેથી મિલકત ખરીદનારને અગાઉ પણ TAN નંબર લેવાની જરૂર પડતી નહોતી.
CBDTએ આ નવું ફોર્મ દાખલ કરીને બિન-નિવાસીઓ પાસેથી મિલકત ખરીદ્યા પછી નાગરિકોને વેઠવી પડતી મુશ્કેલીઓ અને કાગળની ઝંઝટમાં ભારે ઘટાડો કર્યો છે. આગામી 1 ઓક્ટોબરથી આ સંપૂર્ણ નવી વ્યવસ્થા દેશભરમાં અમલમાં આવશે.