ગુજરાતના 58 લાખથી વધુ ખેડૂતો માટે એક નવી આર્થિક ચિંતા ઊભી થઈ છે. NPK ખાતરની એક થેલીના ભાવમાં 500 રૂપિયાનો વધારો થયો છે. ભાવ 1,950 રૂપિયાથી વધીને 2,450 રૂપિયા થઈ ગયો છે, એટલે કે આશરે 25 ટકાનો વધારો.
ખેડૂત સંગઠનોનું કહેવું છે કે આ ભાવવધારો ચાલુ રહ્યો તો ખેડૂતો પરનું દેવું વધશે. જાહેર ક્ષેત્રની બેંકોમાં ગુજરાતના ખેડૂતોનું કૃષિ લોનનું દેવું 74,000 કરોડ રૂપિયાથી વધુ થઈ ચૂક્યું છે. ખાનગી ધિરાણનો આંકડો આનાથી પણ ઊંચો હોવાનો અંદાજ છે.
ખેતીનો ખર્ચ ફક્ત ખાતરથી નહીં, પણ બિયારણ અને જંતુનાશક દવાઓના વધતા ભાવોથી પણ વધી રહ્યો છે. બીજી બાજુ ખેતપેદાશોના બજારભાવ સ્થિર રહેતા ખેડૂતોને પોતાનો ખર્ચ પણ પૂરો નથી પડતો.
ખેડૂત સંગઠનોએ સરકાર સમક્ષ મુખ્ય માંગણીઓ મૂકી છે. NPK ખાતરમાં કરાયેલો 500 રૂપિયાનો વધારો તાત્કાલિક પાછો ખેંચવો જોઈએ. બિયારણ અને જંતુનાશક દવાઓ બનાવતી કંપનીઓના નફા પર સરકારી અંકુશ આવવો જોઈએ. વધતા ખર્ચને ધ્યાનમાં રાખીને તમામ પાકના લઘુત્તમ ટેકાના ભાવ (MSP)ની સમીક્ષા થવી જોઈએ. સાથે જ નાના અને સીમાંત ખેડૂતો માટે રાહત પેકેજ અને દેવા માફીની યોજના માંગવામાં આવી છે.