દેશમાં ડિજિટલ પેમેન્ટનું સંચાલન કરતી સંસ્થા નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) એ UPIમાં એક મોટો સુધારો કર્યો છે. હવે UPI નેટવર્કમાં 'પૂર્વ-મંજૂર ક્રેડિટ લાઇન' (Pre-approved Credit Line)ને ફંડિંગ સોર્સ તરીકે ઉમેરવામાં આવી છે.
NPCI એ 18 સપ્ટેમ્બરના રોજ પરિપત્ર જારી કરીને તમામ સભ્ય બેંકો તેમજ ફોનપે, ગુગલ પે અને પેટીએમ જેવી પેમેન્ટ એપ્લિકેશન્સને પોતાનું એકાઉન્ટ સ્ટ્રક્ચર પ્રમાણિત કરવા નિર્દેશ આપ્યો છે. આ સિસ્ટમ 15 ડિસેમ્બર, 2026થી દેશભરમાં સંપૂર્ણ રીતે કાર્યરત થશે.
પ્રી-એપ્રુવ્ડ ક્રેડિટ લાઇન એટલે શું?
સરળ ભાષામાં કહીએ તો, પૂર્વ-મંજૂર ક્રેડિટ લાઇન એ બેંક તરફથી મળતી ડિજિટલ ઓવરડ્રાફ્ટ કે પૂર્વ-મંજૂર લોન જેવી સુવિધા છે. અત્યાર સુધી UPI વાપરવા માટે બચત ખાતામાં પૂરતી રોકડ હોવી ફરજિયાત હતી. હવે, જો બેંકે તમને રૂ. 50,000ની ક્રેડિટ મર્યાદા આપી હશે, તો તે રકમ બચત ખાતામાં ટ્રાન્સફર કર્યા વિના સીધી UPI સ્કેનરથી વાપરી શકાશે. ચુકવણી વખતે સ્ક્રીન પર બેંક એકાઉન્ટ કે ક્રેડિટ લાઇનમાંથી પેમેન્ટ કરવાનો વિકલ્પ દેખાશે. પછી ગ્રાહકે આ ખર્ચાયેલી રકમ બેંકની શરતો મુજબ ચૂકવવાની રહેશે.
ક્રેડિટ લાઇનના બે પ્રકાર
NPCIની યોજના મુજબ UPI પ્લેટફોર્મ પર બે પ્રકારની ક્રેડિટ લાઇન ઉપલબ્ધ રહેશે:
વ્યાજમુક્ત ક્રેડિટ લાઇન (CLIF): આ સુવિધા ક્રેડિટ કાર્ડના બિલિંગ સાયકલ જેવી કામ કરશે. ગ્રાહકને પૈસા ચૂકવવા માટે ચોક્કસ ગ્રેસ પિરિયડ મળશે. જો નિયત તારીખ સુધીમાં વાપરેલી પૂરેપૂરી રકમ ભરી દેવાય, તો એક પણ રૂપિયો વ્યાજ ચૂકવવો પડશે નહીં.
વ્યાજ-વાહક ક્રેડિટ લાઇન (CLIB): આ પર્સનલ લોન જેવી સુવિધા હશે. ટ્રાન્ઝેક્શન કરેલા દિવસથી જ બેંક દ્વારા નક્કી કરેલું વ્યાજ લાગુ થશે.
આ સુવિધા દરેક ગ્રાહકને આપોઆપ મળશે નહીં. બેંકો ગ્રાહકની ફાઇનાન્શિયલ હિસ્ટ્રી, ટ્રાન્ઝેક્શન રેકોર્ડ, આવક અને ક્રેડિટ સ્કોરનું વિશ્લેષણ કર્યા બાદ જ ક્રેડિટ મર્યાદા નક્કી કરશે.
ક્યાં ઉપયોગ થઈ શકશે?
ઇન-સ્ટોર કે ઓનલાઇન મર્ચન્ટ પેમેન્ટ માટે, કોઈપણ વસ્તુની EMI ચૂકવવા માટે, UPI ઓટોપે અને UPI રિઝર્વ પે માટે, અને અમુક શરતોને આધીન વ્યાજ-વાહક ક્રેડિટ લાઇન (CLIB) દ્વારા વ્યક્તિ-થી-વ્યક્તિ (P2P) ફંડ ટ્રાન્સફર માટે.
ક્યાં ઉપયોગ નહીં થાય?
મિત્ર કે સગાના અંગત ખાતામાં વ્યક્તિગત (P2P) ટ્રાન્સફર માટે વ્યાજમુક્ત ક્રેડિટ લાઇન (CLIF) વાપરી શકાશે નહીં. UPI લાઇટ અને UPI સર્કલ માટે આ ક્રેડિટ લાઇન માન્ય રહેશે નહીં. આંતરરાષ્ટ્રીય ટ્રાન્ઝેક્શન માટે પણ ક્રેડિટ લાઇન વાપરી શકાશે નહીં. જોકે, RuPay ક્રેડિટ કાર્ડ દ્વારા થતી આંતરરાષ્ટ્રીય UPI ચુકવણીઓ ચાલુ રહેશે.
આ સુવિધાથી ગ્રાહકોને ફિઝિકલ ક્રેડિટ કાર્ડ સાથે રાખવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે. ઈમરજન્સી કે મહિનાના અંતે અણધાર્યા ખર્ચ વખતે આ ક્રેડિટ લાઇન રાહત બની રહેશે.