નવેમ્બર 1, 2026થી દેશમાં રોજિંદા જીવન સાથે જોડાયેલા કેટલાક મહત્ત્વના નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. બેંકિંગ, આધાર કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને વાહનોના પ્રવેશ સંબંધિત નિયમોમાં આ ફેરફારો લાગુ થશે.
દિલ્હીમાં માત્ર BS-6 વાહનોને પ્રવેશ
નવેમ્બર 1થી દિલ્હીની સરહદ પર માત્ર BS-6 (ભારત સ્ટેજ VI) ધોરણ ધરાવતાં વાહનોને જ પ્રવેશ આપવામાં આવશે. ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનમાંથી આવતાં જૂની ટેક્નોલોજી ધરાવતાં ડીઝલ વાહનો, બસો અને ટેક્સીઓના પ્રવેશ પર કડક પ્રતિબંધ રહેશે. ઇલેક્ટ્રિક વાહનો (EV), CNG અને LNGથી ચાલતાં વાહનોને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ ઉપરાંત, માન્ય PUC પ્રમાણપત્ર વગર પેટ્રોલ-ડીઝલ પણ મળશે નહીં.
બેંક ખાતા અને લોકરમાં 4 નોમિનીની સુવિધા
બેંકિંગ કાયદા (સુધારા) અધિનિયમ હેઠળ ગ્રાહકોને પોતાનાં બેંક ખાતાં અને લોકરની સુરક્ષા સંબંધિત મોટી સુવિધા મળશે. હવે ખાતાધારકો સિંગલ અથવા જોઈન્ટ બેંક ખાતા અને બેંક લોકર માટે વધુમાં વધુ 4 નોમિની ઉમેરી શકશે. ખાતાધારક પોતે નક્કી કરી શકશે કે કુલ જમા રકમમાંથી કયા નોમિનીને કેટલા ટકા હિસ્સો મળશે.
આધાર કાર્ડ અપડેટમાં રાહત
ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ (UIDAI)એ આધાર કાર્ડમાં બાયોમેટ્રિક અપડેટ કરાવતા પરિવારોને રાહત આપી છે. 5થી 7 વર્ષ અને 15થી 17 વર્ષનાં બાળકો માટે ફરજિયાત બાયોમેટ્રિક અપડેટની ₹125ની ફી એક વર્ષ માટે સંપૂર્ણપણે માફ કરવામાં આવી છે. આ ઉપરાંત, આધાર કાર્ડમાં સરનામું અને નામ જેવી વિગતોમાં ઓનલાઇન ડેમોગ્રાફિક સુધારો કરવાની પ્રક્રિયા પણ સરળ બનાવવામાં આવી છે.
SBI ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર
ભારતીય સ્ટેટ બેંક (SBI)ના ક્રેડિટ કાર્ડધારકોને નવેમ્બર 1થી અનસિક્યોર્ડ ક્રેડિટ કાર્ડના ઉપયોગ સંબંધિત નવા ફેરફારો જોવા મળી શકે છે. ક્રેડિટ કાર્ડ દ્વારા ડિજિટલ વૉલેટમાં નાણાં ઉમેરવા અથવા ચોક્કસ મર્ચન્ટ કેટેગરીમાં ટ્રાન્ઝેક્શન કરવા પર નવા ફાઇનાન્સ ચાર્જ અને પ્રોસેસિંગ ફી લાગુ થઈ શકે છે. કાર્ડધારકોએ યુટિલિટી બિલની ચુકવણી અને વૉલેટ ટ્રાન્ઝેક્શન કરતાં પહેલાં નવા ચાર્જની માર્ગદર્શિકા તપાસી લેવી જોઈએ.
LPG અને ઇંધણના ભાવની સમીક્ષા
દર મહિનાની પહેલી તારીખની જેમ નવેમ્બર 1એ પણ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMC) LPG, CNG, PNG અને વિમાની ઇંધણ (ATF)ના ભાવની સમીક્ષા કરશે. આથી ગેસના ભાવમાં વધઘટ થઈ શકે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવના આધારે ઘરેલુ ગેસ અને કમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ફેરફાર શક્ય છે, જેની સીધી અસર સામાન્ય લોકો અને વેપારીઓના બજેટ પર પડી શકે છે.