સત્ય. સાહસ. સંકલ્પ.

નોર્વેમાં 16 વર્ષથી નીચેના બાળકો માટે સોશિયલ મીડિયા અને ગેમિંગ પર પ્રતિબંધની તૈયારી

નોર્વેમાં 16 વર્ષથી નીચેના બાળકો માટે સોશિયલ મીડિયા અને ગેમિંગ પર પ્રતિબંધની તૈયારી

નોર્વે સરકારે બાળકોના માનસિક સ્વાસ્થ્ય અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા અને કેટલાક લોકપ્રિય ગેમિંગ પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી છે. આ પ્રસ્તાવિત નિયમો હેઠળ રોબ્લોક્સ, સ્નેપચેટ અને ટિકટોક જેવી એપ્સ પ્રભાવિત થશે. ટેક્નોલોજી કંપનીઓ પર યુઝર્સની ઉંમર ચકાસવાની જવાબદારી રહેશે. ઓસ્ટ્રેલિયા બાદ નોર્વે આવું પગલું ભરનારો બીજો દેશ બન્યો છે.

અહેવાલો અનુસાર, પ્રસ્તાવિત બિલમાં બાળકો માટે જોખમી સાબિત થતા સોશિયલ મીડિયા અને મેસેજિંગ પ્લેટફોર્મને હાનિકારક શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યા છે. આ નવા નિયમોની સીધી અસર રોબ્લોક્સ, સ્નેપચેટ અને ટિકટોક જેવી લોકપ્રિય એપ્સ અને ગેમિંગ સેવાઓ પર જોવા મળશે.

નોર્વેએ અગાઉ એપ્રિલ મહિનામાં જ સ્પષ્ટ કર્યું હતું કે વર્ષના અંત સુધીમાં સંસદમાં એક વિશેષ બિલ રજૂ કરવામાં આવશે, જે હેઠળ બાળકો 16 વર્ષની ઉંમર પૂરી ન કરે ત્યાં સુધી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકશે નહીં. આ નિયમ હેઠળ ટેક્નોલોજી અને સોશિયલ મીડિયા કંપનીઓ પર જ યુઝર્સની સાચી ઉંમર ચકાસવાની મુખ્ય જવાબદારી રહેશે, અને નિયમોનું ઉલ્લંઘન કરનાર કંપનીઓ સામે ભારે દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે.

બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકનાર નોર્વે પહેલો દેશ નથી. અગાઉ ઓસ્ટ્રેલિયા દ્વારા 16 વર્ષથી ઓછી ઉંમરના સગીરો માટે સોશિયલ મીડિયા પર સત્તાવાર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેના કારણે ફેસબુક, યુટ્યુબ, એક્સ (X) અને સ્નેપચેટ જેવા પ્લેટફોર્મ્સે પણ ત્યાં કડક વય ચકાસણી પદ્ધતિ અપનાવી પડી છે. ઓસ્ટ્રેલિયા બાદ ઓસ્ટ્રિયા અને બ્રાઝિલ જેવા દેશો પણ આ દિશામાં નવા કાયદા અને બિલો રજૂ કરી ચૂક્યા છે, ત્યારે હવે નોર્વેના આ પગલાથી આંતરરાષ્ટ્રીય સ્તરે બાળકોની ઓનલાઈન સુરક્ષાનો મુદ્દો વધુ ચર્ચામાં આવ્યો છે.