સાઉથ આફ્રિકાના ઝડપી બોલર એનરિક નોર્કિયા ગ્રોઇન ઈજાને કારણે ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયા છે. આ મેચ 27 ઓક્ટોબરથી કેપટાઉનના ન્યૂલેન્ડ્સ મેદાન પર રમાશે. યજમાન ટીમે નોર્કિયા સિવાયની બાકીની ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી.
નોર્કિયાને ગેકેબેરહા ટેસ્ટ દરમિયાન ઈજા થઈ હતી. તેમણે પ્રથમ ઇનિંગ્સમાં માત્ર 3.3 ઓવર બોલિંગ કરી હતી અને ત્યારબાદ મેદાનની બહાર જવું પડ્યું હતું. આ સિરીઝની બે મેચોમાં તેમણે 5 વિકેટ ઝડપી છે. બંને ટીમો 3 મેચોની સિરીઝમાં 1-1થી બરાબરી પર છે, એટલે ત્રીજી ટેસ્ટ નિર્ણાયક સાબિત થશે.
ત્રીજી ટેસ્ટ માટે સાઉથ આફ્રિકાની ટીમ: ટેમ્બા બાવુમા (કેપ્ટન), માર્કસ એકરમેન, ડેવિડ બેડિન્ઘમ, કોર્બિન બોશ, મેથ્યુ બ્રીટ્ઝકે, ગેરાલ્ડ કોએત્ઝી, સિમોન હાર્મર, માર્કો યાનસેન, કેશવ મહારાજ, એડન માર્કરમ, વિયાન મુલ્ડર, સેનુરાન મુથુસામી, ડેન પેટરસન, કાગિસો રબાડા, રાયન રિકેલ્ટન અને કાઇલ વેરેને.
નોર્કિયાની જગ્યાએ કોર્બિન બોશ, ગેરાલ્ડ કોએત્ઝી અથવા ડેન પેટરસનમાંથી કોઈ એકને તક મળી શકે છે. સાઉથ આફ્રિકા પાસે ડાબોડી સ્પિનર કેશવ મહારાજનો વિકલ્પ પણ છે, પરંતુ ગેકેબેરહા ટેસ્ટમાં સિમોન હાર્મરને એકમાત્ર સ્પિનર તરીકે રાખવામાં આવ્યો હતો અને મહારાજને બહાર રાખવામાં આવ્યા હતા. કાઇલ વેરેનેને બેકઅપ વિકેટકીપર તરીકે ટીમમાં સામેલ કરાયો છે. બીજી ટેસ્ટમાં રાયન રિકેલ્ટને વિકેટકીપિંગ કર્યું હતું અને બેટિંગ ક્રમમાં નીચે ઉતર્યા હતા.