સત્ય. સાહસ. સંકલ્પ.

નોર્થ કોરિયાનું હાઇપરસોનિક મિસાઇલ પરીક્ષણ: કિમ જોંગ-ઉનની હાજરીમાં 1000 કિમી રેન્જનો દાવો

નોર્થ કોરિયાનું હાઇપરસોનિક મિસાઇલ પરીક્ષણ: કિમ જોંગ-ઉનની હાજરીમાં 1000 કિમી રેન્જનો દાવો

નોર્થ કોરિયાએ તેના સુપ્રીમ લીડર કિમ જોંગ-ઉનની હાજરીમાં પૂર્વીય દરિયામાં મધ્યમ અંતરની હાઇપરસોનિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. આ પરીક્ષણ 2026માં નોર્થ કોરિયા દ્વારા કરવામાં આવેલા 10થી વધુ મિસાઇલ પરીક્ષણોની શ્રેણીમાં નવું છે.

સરકારી ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ, આ પરીક્ષણનો હેતુ સૈનિકોને હાઇપરસોનિક હથિયારો ચલાવવાની તાલીમ આપવો અને યુદ્ધ સમયે દેશની પ્રતિકાર ક્ષમતા ચકાસવો છે. કિમ જોંગ-ઉને આ પરીક્ષણને રાષ્ટ્રીય સુરક્ષા માટે જરૂરી ગણાવ્યું છે.

કિમ જોંગ-ઉનની બહેન કિમ યો-જોંગે મિસાઇલના ગુણગાન કર્યા છે. તેમણે દાવો કર્યો કે પરીક્ષણ દરમિયાન મિસાઇલની ઝડપ એટલી વધારે હતી કે દક્ષિણ કોરિયા અને જાપાનના રડાર તેની દિશા ચોક્કસ રીતે ટ્રેક કરી શક્યા નહીં. આ મિસાઇલ જાપાનથી બહાર દરિયામાં પડી હતી. અમુક અહેવાલોમાં એવો પણ દાવો કરાયો છે કે મિસાઇલમાં હવામાં જ દિશા બદલવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીનો ઉપયોગ થયો છે.

જોકે, મિસાઇલના અંતર અંગે મતભેદ છે. દક્ષિણ કોરિયાએ મિસાઇલની રેન્જ 700 કિલોમીટરથી વધુ નોંધી છે, જ્યારે નોર્થ કોરિયાએ 1000 કિલોમીટરનો દાવો કર્યો છે. નોર્થ કોરિયા સતત તેના હથિયારોને આધુનિક બનાવીને અમેરિકા અને તેના સાથી દેશો પર દબાણ બનાવી રહ્યું છે, જેના કારણે કોરિયન પ્રાયદ્વીપમાં સુરક્ષાને લઈને ફરી ચિંતા ઊભી થઈ છે.