ઉત્તર ભારતમાં હવામાનમાં અચાનક પલટો આવતાં દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને રાજસ્થાન સહિતના રાજ્યોમાં ભારે વરસાદ વરસ્યો છે. આ વરસાદથી ગરમી અને બફારામાંથી રાહત મળી છે, પરંતુ સાથે જ ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી જનજીવનને અસર થઈ છે.
રાજધાની દિલ્હીમાં ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ (IGI) એરપોર્ટ પરિસર અને કનોટ પ્લેસ સહિતના વિસ્તારો જળબંબાકાર બન્યા છે. આ ઉપરાંત આનંદ વિહાર મેટ્રો સ્ટેશનના પાર્કિંગ વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયું હતું. આને કારણે વાહનવ્યવહાર ખોરવાયો હતો અને લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.
હરિયાણાના ગુરુગ્રામમાં મુશળધાર વરસાદને કારણે સાયબર સિટી અને શંકર ચોક જેવા મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યું હતું. વાહનચાલકો અને ઓફિસ જતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.
ઉત્તર પ્રદેશમાં નોઈડા, મથુરા અને લખીમપુર ખેરીમાં સારો વરસાદ નોંધાયો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં સ્થાનિક માર્ગો પર વાહનવ્યવહાર ધીમો પડી ગયો હતો.
ઉત્તરાખંડના દેહરાદૂનમાં ભારે વરસાદને કારણે ટપકેશ્વર વિસ્તારમાં તમસા નદીની જળસપાટીમાં વધારો થયો છે. નદી ભારે વેગ સાથે વહી રહી હોવાથી વહીવટીતંત્રે નદીકાંઠાના વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવા ચેતવણી આપી છે.
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે સ્થગિત કરાયેલી કાલકા-શિમલા હેરિટેજ ટોય ટ્રેન સેવા 8 દિવસ બાદ આંશિક રીતે ફરી શરૂ કરાઈ છે. શુક્રવારે ધરમપુરથી શિમલા વચ્ચે ટ્રેન દોડાવાઈ હતી, જે બપોરે 11:30 કલાકે શિમલા પહોંચી હતી. જોકે, કાલકાથી શિમલા વચ્ચેની નિયમિત સેવા હજુ સ્થગિત છે.
રાજસ્થાનની રાજધાની જયપુરમાં પણ વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યાં હતાં, જેનાથી ગરમીમાં રાહત મળી હતી. હવામાન વિભાગ આગામી દિવસોમાં હવામાનની સ્થિતિ અંગે અપડેટ આપતો રહેશે.