ઉત્તર ગુજરાતમાં ચોમાસાનો વરસાદ ખેંચાતા ગંભીર જળસંકટ સર્જાયું છે. મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને પાટણ જિલ્લામાં ડેમોના તળિયા દેખાવા માંડ્યા છે અને ખેતરમાં ઊભો પાક સુકાઈ રહ્યો છે. સામાન્ય રીતે ઉનાળામાં પાણીની અછત વર્તાય છે, પણ આ વખતે ભર ચોમાસે જ પાણીની તીવ્ર અછત ઊભી થઈ છે.
મહેસાણા જિલ્લામાં સરેરાશ 737 મિલીમીટર સામે અત્યાર સુધી માત્ર 459.70 મિલીમીટર એટલે કે 62.34 ટકા વરસાદ નોંધાયો છે. જિલ્લામાં 2.81 લાખ હેક્ટર સામે 2.57 લાખ હેક્ટરમાં ખરીફ વાવેતર થયું છે, પરંતુ છેલ્લા 15 દિવસથી વરસાદ ન પડતા કપાસ, મગફળી, અડદ અને દિવેલાનો પાક સુકાવાની અસરમાં આવી ગયો છે.
ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં પાણીનો જથ્થો માત્ર 51.44 ટકા બચ્યો છે. ડેમનું જળસ્તર 608 ફૂટથી નીચે ગયું છે, જે છેલ્લા ઘણા વર્ષોમાં સપ્ટેમ્બર મહિનામાં પ્રથમવાર જોવા મળ્યું છે. છેલ્લા 15 થી 20 દિવસમાં ડેમની સપાટીમાં લગભગ અડધા ફૂટનો ઘટાડો નોંધાયો છે.
બનાસકાંઠા જિલ્લામાં કુલ 3.80 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે, પરંતુ જળાશયોની સ્થિતિ ગંભીર છે. દાંતીવાડા ડેમમાં 25 ટકા, મુક્તેશ્વર ડેમમાં 43 ટકા અને સીપુ ડેમમાં માત્ર 4 ટકા પાણી બચ્યું છે. સીપુ ડેમની સ્થિતિ ચેતવણીરૂપ છે.
સાબરકાંઠા જિલ્લામાં ગુહાઈ ડેમમાં 56.15 ટકા, હાથમતી ડેમમાં 49.53 ટકા, હરણાવ ડેમમાં 38.94 ટકા અને ખેડવા ડેમમાં 61.98 ટકા પાણી બચ્યું છે. વરસાદની દૃષ્ટિએ તલોદમાં સૌથી વધુ 606 મિલીમીટર જ્યારે ખેડબ્રહ્મા અને પોશીનામાં સૌથી ઓછો 308 મિલીમીટર વરસાદ નોંધાયો છે.
અરવલ્લી જિલ્લામાં પણ પાણીની અછત વર્તાઈ રહી છે. મેશ્વો ડેમમાં 62.05 ટકા, વાત્રક ડેમમાં 53.39 ટકા, લાંક ડેમમાં 20.38 ટકા અને જવાનપુરા ડેમમાં માત્ર 1.05 ટકા પાણી બચ્યું છે. પાટણ જિલ્લામાં આ સીઝનમાં સરેરાશ 65 થી 70 ટકા વરસાદ નોંધાયો છે, પણ વરસાદની ખેંચ ચાલુ છે. ઘાસચારાનું વાવેતર ગત વર્ષ કરતાં ઓછું થયું છે, કઠોળના વાવેતરમાં વધારો થયો છે જ્યારે દિવેલાનું વાવેતર 20 ટકા ઘટ્યું છે. આગામી દસ દિવસ વરસાદ ન આવે તો પાક પર વધુ પ્રતિકૂળ અસર થઈ શકે છે.
જળાશયો ખાલી થતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. પાણીના અભાવે ખેતરમાં ઊભો પાક નષ્ટ થવાના આરે છે. ખેડૂતોની માંગ છે કે કાં તો વરસાદ પડે અથવા સરકાર તાત્કાલિક ધોરણે નર્મદાની પાઇપલાઇન દ્વારા આ ખાલી ડેમો અને કેનાલોમાં પાણી છોડે. નર્મદાનું પાણી ન મળે અને વરસાદ ન પડે તો આ ખરીફ સીઝન નિષ્ફળ જવાની સાથે આગામી રવિ અને ઉનાળુ સીઝન પર પણ મોટું સંકટ ઊભું થશે.