ઉત્તર ગુજરાતમાં બટાકાની ખેતી સાથે સંકળાયેલા ખેડૂતો અને ખાનગી કંપનીઓ વચ્ચે કરાર આધારિત ખેતી મુદ્દે ગંભીર વિવાદ ઊભો થયો છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ખેડૂતોએ કંપનીઓ દ્વારા કરવામાં આવતી મનસ્વી કપાત, લોડિંગ ખર્ચ ન આપવા અને અંગ્રેજીમાં કરાર કરવા જેવી શરતો સામે રોષ વ્યક્ત કર્યો છે.
ખેડૂતોનો આરોપ છે કે કંપનીઓ દર 100 કિલો બટાકા પાછળ 1 કિલો 600 ગ્રામ બટાકાની કપાત કરે છે, જેની કોઈ સ્પષ્ટતા કે નિયમ નથી. વધુમાં, માલ લોડિંગનો ખર્ચ પણ ખેડૂતોએ જ વહન કરવો પડે છે, જેનાથી તેમના પર આર્થિક ભારણ વધે છે.
મોંઘવારીના આ સમયમાં ડીઝલ અને ખાતરના ભાવ વધતાં ખેડૂતોને અગાઉ નક્કી કરેલા નીચા ભાવ જ મળે છે, અને કુદરતી આફતનું બહાનું બતાવીને કંપનીઓ છેલ્લી ઘડીએ કપાત પણ કરી લે છે. આથી બટાકાની ખેતી ખેડૂતો માટે નફાકારક રહી નથી.
ખેડૂત આગેવાનોનું કહેવું છે કે કંપનીઓ મોટાભાગે કરાર અંગ્રેજીમાં કરાવે છે, જેના કારણે ઓછું ભણેલા ખેડૂતો શરતો સમજી શકતા નથી અને પાછળથી કાયદાકીય મુશ્કેલીમાં મુકાય છે. આ તમામ મુદ્દે ખેડૂતોએ રાત્રિ સભાઓ અને ખાટલા બેઠકો યોજીને કંપનીઓ સામે ઉગ્ર આંદોલન કરવાની તૈયારી શરૂ કરી છે.