સત્ય. સાહસ. સંકલ્પ.

ઉત્તર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ: પાકને જીવતદાન, નીચાણવાળા વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત

ઉત્તર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ: પાકને જીવતદાન, નીચાણવાળા વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત

ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી અને પાટણ જિલ્લામાં મોડી રાતથી વહેલી સવાર સુધી સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. લાંબા વિરામ બાદ વરસાદ પડતાં ડાંગર, કપાસ, મગફળી અને કઠોળ સહિતના પાકોને નવું જીવન મળ્યું છે, જેનાથી ખેડૂતોમાં આનંદની લહેર દોડી ગઈ છે. જોકે, કેટલાક નીચાણવાળા વિસ્તારો અને રેલવે અંડરપાસમાં પાણી ભરાવાના કારણે સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

સાબરકાંઠામાં હરણાવ નદી બે કાંઠે વહી

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેર અને આસપાસના હડિયોલ, ગઢોડા, આકોદરા, હાજીપુર તથા બોરીયા ગામોમાં મોડી રાતથી વરસાદ વરસી રહ્યો છે. આ ઉપરાંત તલોદ તાલુકાના વક્તાપુર, ઉજેડીયા, મહિયલ અને તોરણિયા પંથકમાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના પ્રાંતિજ શહેર સહિત સોનાસણ અને પીલુદ્રામાં પડેલો વરસાદ ડાંગરના પાક માટે ફાયદાકારક સાબિત થશે.

સાબરકાંઠાના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ખેડબ્રહ્મામાંથી પસાર થતી હરણાવ નદી બે કાંઠે વહેતી થઈ છે. નદીમાં નવા નીર આવતા સ્થાનિક કૂવા અને બોરના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે. કપાસ, મગફળી અને સોયાબીનના પાકને વરસાદથી મોટો ફાયદો થતાં ખેડૂતો ખુશ જોવા મળી રહ્યા છે.

બહુચરાજીમાં અંડરપાસ ભરાતા લોકો અટવાયા

મહેસાણા જિલ્લાના કડી, બહુચરાજી, જોટાણા, વિસનગર, વિજાપુર, ઊંઝા, વડનગર, ખેરાલુ અને સતલાસણા તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડ્યા છે. વરસાદના કારણે તુવેર, દિવેલા, કપાસ, મગ, મઠ અને અડદના પાકને જીવતદાન મળ્યું છે, પરંતુ નીચાણવાળા ખેતરોમાં પાણી ભરાતા અડદ અને બાજરીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

બહુચરાજીમાં સામાન્ય વરસાદમાં જ શંખલપુર રેલવે અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. અંડરપાસમાં પાણી ભરાઈ જવાના કારણે એક ભરેલી ઈકો કાર ફસાઈ ગઈ હતી. તેમાં સવાર મુસાફરોને તાત્કાલિક સુરક્ષિત બહાર કાઢી, ક્રેનની મદદથી કાર બહાર નિકાળવામાં આવી હતી. અંડરપાસ બંધ થતાં 20થી 25 ગામોની અવરજવર ઠપ્પ થઈ ગઈ છે. સ્કૂલે જતા બાળકો તથા સિવિલ હોસ્પિટલ જતા દર્દીઓને ભારે પરેશાની થઈ રહી છે. તંત્ર દ્વારા કાયમી નિકાલ ન કરાતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચેતવણી પણ આપવામાં આવી છે.

અરવલ્લીમાં વાત્રક નદી બે કાંઠે, અંડરપાસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ

અરવલ્લી જિલ્લામાં એકથી ત્રણ ઈંચ સુધીનો સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. વાત્રક નદીમાં આ સિઝનમાં પ્રથમવાર નવા નીર આવતા નદી બે કાંઠે વહેતી થઈ છે, જેથી કૂવા અને બોરના જળસ્તર ઊંચા આવશે. જોકે, મોડાસાના મોટી ઈસરોલ નજીક રેલવે અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ જતાં ત્રણ ગામોનો સંપર્ક તૂટી ગયો હતો અને વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો હતો.

પાટણના સાંતલપુર અને સમી-હારીજમાં વરસાદથી માર્ગો જળબંબાકાર

પાટણ જિલ્લામાં પણ મોડી રાતથી વરસાદી માહોલ જામ્યો છે. સાંતલપુર તાલુકામાં મોડી રાતે પડેલા ભારે વરસાદને કારણે હાઈવે અને મુખ્ય બજારના માર્ગો પાણીમાં ફેરવાઈ ગયા હતા, જેથી વેપારીઓ અને રાહદારીઓને મુશ્કેલી ભોગવવી પડી હતી. હારીજ અને સમી તાલુકાના શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જોરદાર વરસાદી ઝાપટાં પડતાં સમગ્ર પાટણ જિલ્લાના ખેડૂતોમાં આનંદ છવાઈ ગયો છે.