બોલિવૂડ અભિનેત્રી નોરા ફતેહીને ઠગ સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલા રૂપિયા 200 કરોડના મની લોન્ડરિંગ અને વસૂલી કેસમાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે સરકારી સાક્ષી તરીકે હાજર થવા સમન્સ મોકલ્યું છે. કોર્ટમાં તેમને 2 નવેમ્બર, 2026ના રોજ હાજર થવાનું છે.
સમાચાર એજન્સી ANI અનુસાર, આ કેસમાં દાખલ કરવામાં આવેલી ત્રીજી સપ્લીમેન્ટ્રી ચાર્જશીટમાં નોરા ફતેહીનું નામ સાક્ષી તરીકે સામેલ કરવામાં આવ્યું છે. નોરાએ આ કેસમાં પોતાને પીડિત ગણાવી છે અને સુકેશ સાથેના અફેરના દાવાઓને ફગાવી દીધા છે. તેણે તાજેતરમાં એક પોડકાસ્ટમાં સ્પષ્ટતા કરી હતી કે સુકેશ અને તેની પત્નીએ તેમને કેટલીક મોંઘી ભેટ આપી હતી, પરંતુ તે સમયે તેમને સુકેશની વાસ્તવિકતાની જાણ નહોતી.
જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખર પર રૂપિયા 200 કરોડની ઠગાઈ કરવાનો આરોપ છે. આ કેસમાં બોલિવૂડ અભિનેત્રી જેકલિન ફર્નાન્ડિસનું નામ પણ ચર્ચામાં રહ્યું છે. અહેવાલો મુજબ, જેકલિને પણ આ કેસમાં સરકારી સાક્ષી બનવાની અપીલ કરી છે.
હાલ સુધીમાં નોરા ફતેહી તરફથી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.