દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે એક્ટ્રેસ નોરા ફતેહીને ₹200 કરોડની છેતરપિંડી અને મની લોન્ડરિંગ કેસમાં સમન્સ જારી કર્યું છે. કોર્ટે તેને 2 નવેમ્બરે હાજર થવાનો આદેશ આપ્યો છે, જ્યાં તેને સરકારી સાક્ષી તરીકે નિવેદન નોંધાવવાનું છે. આ આદેશ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા દાખલ કરવામાં આવેલી ત્રીજી સપ્લિમેન્ટરી ચાર્જશીટના આધારે આપવામાં આવ્યો છે.
આ કેસ સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલો છે, જે જેકલીન ફર્નાન્ડિઝના પૂર્વ બોયફ્રેન્ડ છે અને હાલ જેલમાં છે. આરોપ છે કે સુકેશે રેનબેક્સીના ભૂતપૂર્વ પ્રમોટર શિવિંદર સિંહની પત્ની અદિતિ સિંહને તેમના પતિને જેલમાંથી બહાર કઢાવવાની લાલચ આપીને આશરે ₹200 કરોડની છેતરપિંડી કરી હતી. આ પૈસાનો ઉપયોગ મોંઘી ભેટ આપવા માટે કરવામાં આવ્યો હોવાનો આરોપ છે.
નોરા ફતેહી પર આરોપ છે કે તેને સુકેશ અથવા તેના સહયોગીઓ પાસેથી લક્ઝરી કાર, મોંઘી બેગ અને દાગીના જેવી વસ્તુઓ મળી હતી. EDએ અગાઉ નોરાની કેટલીક વખત પૂછપરછ કરી હતી અને તેમને સામસામે બેસાડીને પણ પૂછપરછ કરવામાં આવી હતી. આ દરમિયાન નોરાએ સ્વીકાર્યું હતું કે તેને 2020માં ચેન્નાઈમાં એક ઈવેન્ટ દરમિયાન ₹1 કરોડથી વધુ કિંમતની લક્ઝરી કાર ભેટમાં મળી હતી. જોકે, નોરાએ હંમેશાં કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવણીને નકારી છે અને તપાસ એજન્સીઓને જણાવ્યું છે કે તે પોતે આ મામલામાં પીડિત છે.
આ કેસમાં જેકલીન ફર્નાન્ડિઝ મુખ્ય આરોપી છે. EDની તપાસમાં જાણવા મળ્યું છે કે સુકેશે છેતરપિંડીના પૈસાથી જેકલીનને કરોડો રૂપિયાની કિંમતી ભેટ આપી હતી, જેમાં લક્ઝરી બેગ, હીરાના દાગીના, મોંઘા ઘોડા અને બિલાડીઓનો સમાવેશ થાય છે. ED અનુસાર, સુકેશે જેકલીન પર ₹7 કરોડથી વધુ ખર્ચ કર્યો હતો. જેકલીને જૂન 2026માં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં હાજરી આપી હતી.
આ સમગ્ર મામલો 2020-21 દરમિયાન દિલ્હીની રોહિણી જેલમાંથી ચલાવવામાં આવેલા ખંડણી નેટવર્ક સાથે જોડાયેલો છે. આરોપ છે કે સુકેશે જેલમાં બંધ હોવા છતાં પોતાને કેન્દ્ર સરકારનો વરિષ્ઠ અધિકારી ગણાવ્યો હતો અને અદિતિ સિંહને લાલચ આપીને છેતરપિંડી કરી હતી. આ કેસની તપાસ હાલ ચાલુ છે અને કોર્ટે નોરાને 2 નવેમ્બરે હાજર થવા જણાવ્યું છે.