ગાંધીનગર: બોલિવૂડ અભિનેત્રી નોરા ફતેહી સામે ગાંધીનગરની સિવિલ કોર્ટમાં ₹3 કરોડનો માનહાનિનો દાવો દાખલ કરવામાં આવ્યો છે. આ દાવો 'ડ્યુન્સ એવિએશન' કંપનીએ કર્યો છે.
શું છે સમગ્ર મામલો?
14 ડિસેમ્બર 2025ના રોજ નોરા ફતેહી અને તેમની ટીમે ડ્યુન્સ એવિએશનના 'સેસ્ના સિટેશન CJ2' ચાર્ટર્ડ પ્લેનથી મુંબઈથી જયપુરની મુસાફરી કરી હતી. આ દરમિયાન તેમણે કેટલાક વીડિયો શૂટ કરીને પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા હતા.
કંપનીનો આરોપ છે કે આ વીડિયોમાં નોરાએ વિમાનની સુરક્ષા અને ગુણવત્તા અંગે અપમાનજનક ટિપ્પણી કરી હતી. એક વીડિયોમાં તેમણે કહ્યું હતું કે, "આ તો રમકડું છે; જ્યારે તમે એમેઝોન પરથી પ્લેન ઓર્ડર કરો છો ત્યારે આવું જ મળે છે."
કંપનીના જણાવ્યા અનુસાર, આ વિમાન ઉદ્યોગના ધોરણો પ્રમાણેનું બિઝનેસ જેટ છે અને મુંબઈથી જયપુર સુધીની સફર સંપૂર્ણ સુરક્ષિત રીતે પૂર્ણ થઈ હતી. નોરાના વીડિયો વાયરલ થયા બાદ ૪૫ થી ૫૦ દિવસમાં કંપનીના ફ્લાઇટ બુકિંગમાં ૧૫ થી ૨૦ ટકાનો ઘટાડો થયો હતો અને મોટા પ્રમાણમાં બુકિંગ રદ થયા હતા.
કંપનીએ દાવો દાખલ કરતા પહેલા નોરાને કાનૂની નોટિસ મોકલી હતી, પરંતુ તેનો કોઈ જવાબ મળ્યો ન હતો. આથી કંપનીએ કોર્ટનો સંપર્ક કર્યો હતો. ગાંધીનગર સિવિલ કોર્ટે નોરાને નોટિસ ફટકારી છે. આ કેસ હાલ રિજોઇન્ડર તબક્કામાં છે અને આગામી સુનાવણી ૨૫ સપ્ટેમ્બરના રોજ યોજાશે.