સત્ય. સાહસ. સંકલ્પ.

નોઈડામાં 43મા માળેથી યુવકની આત્મહત્યા, આર્થિક તંગી કારણ હોવાની શક્યતા

નોઈડામાં 43મા માળેથી યુવકની આત્મહત્યા, આર્થિક તંગી કારણ હોવાની શક્યતા

નોઈડાના સેક્ટર-94માં આવેલી સુપરનોવા સોસાયટીના એસ્પાયર ટાવર ખાતે શનિવારે એક યુવકે 43મા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી. યુવકની ઓળખ સંભવ જૈન (29) તરીકે થઈ છે, જે ગુરુગ્રામના આઈએમટી માનેસર વિસ્તારના રહેવાસી વિનય કુમાર જૈનના પુત્ર હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, સંભવે 2 ઓક્ટોબરે બિલ્ડિંગમાં રૂમ નંબર 4228 ભાડે લીધો હતો અને બપોરે અઢી વાગ્યે ચેક-ઇન કર્યું હતું. શનિવારે સવારે 11:27 વાગ્યે તે રૂમની બાલ્કની પર ચઢીને બહારની તરફ લટકી ગયો હતો. નજીકના રૂમ (4227)માં કામ કરી રહેલા એસી ટેક્નિશિયનોએ આ જોયું અને બહાર આવીને તેને સમજાવવા લાગ્યા. સંભવે તેમને કહ્યું કે તે ખૂબ ડિપ્રેશનમાં છે અને જીવવા માંગતો નથી. ત્યાર બાદ તેણે છલાંગ લગાવી દીધી.

ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં સંભવ 80 માળની ઇમારતના 43મા ફ્લોરની રેલિંગ પર લટકતો જોવા મળે છે. તે લગભગ 2-3 સેકન્ડ સુધી રેલિંગ પર રહ્યો હતો. ફ્લોર પર અન્ય એક વ્યક્તિ પણ જોવા મળી હતી, પરંતુ તે કંઈ કરે તે પહેલાં જ યુવકે છલાંગ લગાવી દીધી. જમીન પર પડતાં જ તેના શરીરના ટુકડા થઈ ગયા અને માંસના લોચા 30-40 ફૂટ દૂર સુધી ફેલાઈ ગયા. ચારે તરફ લોહી ફેલાઈ ગયું હતું. સ્થિતિ જોઈને પોલીસે મૃતદેહને કોથળામાં ભરીને લઈ જવો પડ્યો હતો.

માહિતી મળતાં સેક્ટર-126 પોલીસ સ્ટેશન વિસ્તારની પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી. મૃતદેહને જમીન પરથી એકત્ર કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પ્રાથમિક તપાસમાં આર્થિક તંગીના કારણે આત્મહત્યા કરી હોવાની વાત સામે આવી રહી છે. પોલીસ આસપાસ લાગેલા CCTV કેમેરાના ફૂટેજ તપાસી રહી છે, જેથી આત્મહત્યા પહેલાંની દરેક હિલચાલ ટ્રેક કરી શકાય. ઘટના સમયે ફ્લોર પર હાજર રહેલા લોકોની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે.

તપાસમાં સામે આવ્યું છે કે સંભવે ઘટના પહેલાં એક વીડિયો પણ બનાવ્યો હતો, જેમાં તેણે આર્થિક તંગીનો ઉલ્લેખ કરીને જીવ આપવાની વાત કહી છે. પોલીસે વીડિયો તપાસ માટે મોકલી દીધો છે. આ ઉપરાંત, મોબાઇલમાં સંભવ અને તેના પિતા વચ્ચેની વોટ્સએપ ચેટ પણ મળી છે, જેમાં પણ સંભવે આત્મહત્યા કરવાની વાત લખી હતી.