નોઈડા નજીક યમુના એક્સપ્રેસવે પર બુધવારે મોડી રાત્રે એક ખાનગી સ્લીપર AC બસમાં ભીષણ આગ લાગતાં 9 મુસાફરોના જીવ ગયા છે. બસ નોઈડાથી મહોબા જઈ રહી હતી અને તે રાજ કલ્પના ટ્રાવેલ્સની હતી.
અકસ્માત રાત્રે લગભગ 12 વાગ્યે થયો. બસમાં કુલ 35 મુસાફરો સવાર હતા. આગ લાગતાં અંદર અફરાતફરી મચી ગઈ. ઘણા મુસાફરોએ બારીમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો, પરંતુ કેટલાક લોકો બસમાં જ ફસાઈ ગયા.
બચી ગયેલી એક મહિલા મુસાફર રિંકી રાજપૂતે જણાવ્યું, “હું નોઈડાથી બસમાં બેઠી હતી અને ઊંઘી રહી હતી. કોઈએ મને જગાડીને કહ્યું કે બસમાં આગ લાગી ગઈ છે. બસમાં ગભરાટ ફેલાઈ ગયો. બધા એકબીજાને ધક્કા મારી રહ્યા હતા. અંદર ધુમાડો ભરાઈ ગયો હતો અને શ્વાસ લેવો મુશ્કેલ થઈ ગયો હતો. આગ ડ્રાઈવરની સીટ નજીકથી શરૂ થઈ હતી. ઘણા લોકો બસની અંદર જ રહી ગયા.”
અન્ય મુસાફર વિશ્વામિત્ર યાદવે કહ્યું, “જ્યારે હું સૂઈ રહ્યો હતો ત્યારે કોઈએ મને જગાડ્યો અને આગની જાણ કરી. અમે બધા ઉતાવળમાં બહાર નીકળવા દોડ્યા. બહાર નીકળવું સરળ નહોતું કારણ કે ખૂબ ધુમાડો હતો. ગભરાટ વચ્ચે અમે કોઈક રીતે બહાર નીકળી શક્યા. બસ મુસાફરોથી ખીચોખીચ ભરેલી હતી.”
ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની પાંચ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી અને લગભગ 45 મિનિટમાં આગ પર કાબૂ મેળવ્યો. પરંતુ ત્યાં સુધીમાં બસ સંપૂર્ણપણે બળી ગઈ હતી. સમાચાર સતત અપડેટ કરવામાં આવી રહ્યા છે.