સત્ય. સાહસ. સંકલ્પ.

નોઈડાના સોફ્ટવેર એન્જિનિયરે 43માં માળેથી કૂદીને આપ્યું જીવન, પિતાને લખ્યું 'પપ્પા હવે તમારે પૈસા આપવા નહીં પડે'

નોઈડાના સોફ્ટવેર એન્જિનિયરે 43માં માળેથી કૂદીને આપ્યું જીવન, પિતાને લખ્યું 'પપ્પા હવે તમારે પૈસા આપવા નહીં પડે'

નોઈડાના સેક્ટર-94 સ્થિત સુપરનોવા સ્પાયરા બિલ્ડિંગમાં 29 વર્ષીય સોફ્ટવેર એન્જિનિયર સંભવ જૈને 43માં માળેથી છલાંગ લગાવીને આત્મહત્યા કરી લીધી છે. આ ઘટના શનિવારે બની હતી. મૃત્યુ પહેલાં તેમણે પિતા સાથે વોટ્સએપ પર ચેટ કરી હતી, જેમાં તેમણે આર્થિક મુશ્કેલીનો ઉલ્લેખ કર્યો હતો. એક મેસેજમાં તેમણે લખ્યું, 'પપ્પા, હવે તમારે કોઈને પૈસા આપવા નહીં પડે.'

પોલીસના જણાવ્યા અનુસાર, સંભવ છેલ્લા ત્રણ દિવસથી પિતા સાથે વોટ્સએપ પર વાત કરી રહ્યા હતા અને વારંવાર જીવન સમાપ્ત કરવાની વાત કરતા હતા. પિતાએ તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો, ઘરે પરત ફરવા કહ્યું અને આવું પગલું ન ભરવા વિનંતી કરી. પરંતુ શનિવારે તેમણે 43માં માળેથી છલાંગ લગાવી દીધી.

ઘટના પહેલાં સંભવને બચાવવાનો પ્રયાસ પણ થયો હતો. બાજુના રૂમમાં કામ કરતા એસી ટેક્નિશિયનોએ તેમને બાલ્કનીની રેલિંગની બહાર લટકેલા જોયા. તેઓ તેમની નજીક ગયા અને નીચે ન કૂદવા સમજાવ્યું. પોલીસ મુજબ સંભવે કહ્યું, 'હું ખૂબ ડિપ્રેશનમાં છું, હવે જીવવા માંગતો નથી.' ત્યારબાદ તેમણે છલાંગ લગાવી દીધી. જમીન પર પડતાં તેમના શરીરના ટુકડા થઈ ગયા અને અંગો દૂર સુધી વિખેરાઈ ગયા.

પોલીસને સંભવના મોબાઇલમાંથી પિતા સાથેની વોટ્સએપ ચેટ મળી છે, જેમાં હિન્દી અને અંગ્રેજીમાં મેસેજ છે. આ મેસેજમાં આત્મહત્યાની વાત અને આર્થિક મુશ્કેલીઓનો ઉલ્લેખ છે. પોલીસે મોબાઇલ અને ચેટ સુરક્ષિત કરી છે અને તેને કેસની તપાસમાં મહત્વપૂર્ણ પુરાવા ગણાવ્યા છે.

તપાસ દરમિયાન પોલીસને સંભવના મોબાઇલમાંથી લગભગ બે મિનિટનો એક વીડિયો પણ મળ્યો છે, જે તેમણે ઘટના પહેલાં બનાવ્યો હતો. વીડિયોમાં તેમણે આર્થિક મુશ્કેલીનો ઉલ્લેખ કર્યો છે, પરંતુ કોઈને મૃત્યુ માટે જવાબદાર ઠેરવ્યું નથી. પોલીસે આ વીડિયો પણ સુરક્ષિત કરી લીધો છે.

પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. સેક્ટર-126 પોલીસ સ્ટેશનની ટીમે ઇમારત અને આસપાસના CCTV ફૂટેજ તપાસ્યા છે. સંભવના ચેક-ઇનથી લઈને રૂમ સુધીના ફૂટેજ પણ સુરક્ષિત કરવામાં આવ્યા છે. ઘટના સમયે હાજર ટેક્નિશિયન અને હોટેલ કર્મચારીઓની પૂછપરછ કરવામાં આવી છે. પોલીસ પાસે હવે મોબાઇલ, વોટ્સએપ ચેટ, વીડિયો અને CCTV ફૂટેજ સહિતના ઇલેક્ટ્રોનિક પુરાવા છે.

ઉલ્લેખનીય છે કે સુપરનોવા સ્પાયરામાં અગાઉ પણ ઊંચાઈ પરથી પડવાની ઘટનાઓ બની છે. 21 જાન્યુઆરી 2023ના રોજ દિલ્હીના રાણી બાગના રહેવાસી 43 વર્ષીય પ્રોપર્ટી કન્સલ્ટન્ટ રોહિત કુમારનું 43મા માળેથી પડી જવાથી મોત થયું હતું. જૂન 2023માં કેરળના એર્નાકુલમના રહેવાસી 23 વર્ષીય એન્જિનિયર અર્જુન અલોસિયસનું 35મા માળેથી પડી જવાથી મોત થયું હતું. ઓગસ્ટ 2025માં નિવૃત્ત IRS અધિકારીના પુત્ર રવિ શર્માનો મૃતદેહ સુપરનોવા પરિસરમાં મળી આવ્યો હતો, જે 32મા માળેથી પડી ગયાની આશંકા હતી.