સત્ય. સાહસ. સંકલ્પ.

નોઇડા એરપોર્ટનું નામ બદલાયું, હવે નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ

નોઇડા એરપોર્ટનું નામ બદલાયું, હવે નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ

ઉત્તર પ્રદેશના નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટનું નામ બદલીને નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ રાખવામાં આવ્યું છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શુક્રવારે આ જાહેરાત કરી. તેમણે કહ્યું કે, હવે જેવર એરપોર્ટ તરીકે ઓળખાતા આ એરપોર્ટનું નામ નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ થશે. ઉત્તર પ્રદેશ કેબિનેટની બેઠકમાં આ સંબંધિત પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 28 માર્ચ 2026ના રોજ નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું હતું. એરપોર્ટના પ્રથમ તબક્કામાં 3,300 એકર જમીન પર ટર્મિનલ અને રનવે બનાવવામાં આવ્યા છે. અહીંથી દર વર્ષે લગભગ 1.2 કરોડ મુસાફરો મુસાફરી કરી શકશે. તેના પર 11 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.

શુક્રવારે સવારે 11 વાગ્યે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં ઉત્તર પ્રદેશ કેબિનેટની બેઠક યોજાઈ. ત્યારબાદ તેમણે પોતે પ્રેસ કોન્ફરન્સ કરી. છેલ્લા ત્રણ વર્ષમાં આ પ્રથમ તક હતી જ્યારે મંત્રિપરિષદની બેઠક બાદ મુખ્યમંત્રીએ મીડિયા સાથે વાત કરી. તેમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી મોદીના જનસેવાના 25 વર્ષ પૂર્ણ થવા પર અભિનંદન પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, પ્રધાનમંત્રી મોદી અને ઉત્તર પ્રદેશનો સંબંધ આત્મીય છે, જે સતત ગાઢ બન્યો છે. તેમણે ઉત્તર પ્રદેશના વિકાસને પ્રાથમિકતા આપી છે. તેના પરિણામે રાજ્ય ઝડપથી વિકાસ તરફ આગળ વધી રહ્યું છે. પ્રધાનમંત્રીએ રાષ્ટ્ર નિર્માણને પોતાનું ધ્યેય બનાવ્યું અને ભારતને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવી.

યોગી આદિત્યનાથે કહ્યું કે, છેલ્લા નવ વર્ષમાં ઉત્તર પ્રદેશના અર્થતંત્રમાં મોટો ઉછાળો આવ્યો છે. કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં એક લાખ કરોડ રૂપિયાથી વધુ રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે. દેવામાફી, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના ઉપરાંત શેરડીના ખેડૂતોને 14 દિવસની અંદર ચૂકવણીનો લાભ આપવામાં આવ્યો છે.

મુખ્યમંત્રીએ વડાપ્રધાન અને કાશી વચ્ચેના સંબંધનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, 2014માં પ્રધાનમંત્રી કાશી આવ્યા ત્યારે તેમણે કહ્યું હતું કે તેમને મા ગંગાએ બોલાવ્યા છે. કાશી અને મા ગંગાથી શરૂ થયેલો આ આત્મીય સંબંધ સમય સાથે સતત ગાઢ બનતો ગયો છે. તેમના જણાવ્યા અનુસાર, આ સંબંધ આજે રાજ્યના સર્વાંગી વિકાસનો આધાર બન્યો છે. કેન્દ્ર અને રાજ્યના સંયુક્ત સંકલ્પ તથા 'ટીમ ઇન્ડિયા'ની ભાવના સાથે ઉત્તર પ્રદેશ અભૂતપૂર્વ પ્રગતિના પંથે આગળ વધી રહ્યું છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, વર્ષ 2017 પહેલા ઉત્તર પ્રદેશ વહીવટી અસ્થિરતા, સામાન્ય જનતામાં અસુરક્ષાની ભાવના અને પાયાની સુવિધાઓના અભાવ સામે ઝઝૂમી રહ્યું હતું. વડાપ્રધાનની દૂરદર્શિતામાંથી પ્રેરણા લઈને રાજ્યએ શાસનની નવી કાર્યસંસ્કૃતિ અપનાવી છે. જેના પરિણામે સુશાસન, મજબૂત કાયદો અને વ્યવસ્થા, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણ માટે અનુકૂળ વાતાવરણ ઉત્તર પ્રદેશની ઓળખ બનીને ઉભર્યા છે. યોગી આદિત્યનાથે કહ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારના સમન્વય તથા સંયુક્ત પ્રયાસોથી રાજ્ય વિકાસના નવા આયામો સ્થાપિત કરી રહ્યું છે. ઉત્તર પ્રદેશ હવે નવા આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યું છે.